2006થી આજના દિવસે ઉજવાય છે વિશ્ર્વ હિન્દી દિવસ વિશ્ર્વમાં સૌથી વધુ બોલાતી ત્રીજી ભાષા હિન્દી

 

1949માં સંવિધાન સભાએ એક મતથી હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે પસંદ કરી હતી, સંવિધાનના ચતુરછેદ 343માં આ જોગવાઇ કરવામાં આવી છે

 

અબતક, અરૂણ દવે, રાજકોટ

આજે વિશ્ર્વ હિન્દી દિવસ છે. આપણા દેશમાં આજથી 16 વર્ષ પહેલા આજના દિવસે હિન્દી ભાષાના પ્રચાર-પ્રસાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વિશ્ર્વભરમાં સૌથી વધુ બોલાતી ત્રીજી ભાષા હિન્દી છે. 2006માં દર વર્ષે 10મી જાન્યુઆરીના રોજ વિશ્ર્વ હિન્દી દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. આજે આપણાં દેશ સિવાય વિશ્ર્વભરમાં હિન્દી ભાષા પ્રેમીઓ આજનો દિવસ ઉજવે છે. હિન્દી ભાષાનો વિકાસ કરવો અને એક આંતરરાષ્ટ્રીયસ્તરે તેના ભાષા તરીકે પ્રચાર-પ્રસાર થાય તેવા શુભ હેતુથી આ દિવસ ઉજવાય છે. વિશ્ર્વ લેવલે હિન્દી સંમેલનોની શરૂઆત 10 જાન્યુઆરી 1975ના દિવસે નાગપુરથી શરૂ થઇ હતી, જેના કારણે આ દિવસને વૈશ્ર્વિકસ્તરે ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું. વિશ્ર્વના મોરેશિયસ, બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ, નેપાળ, ગયાના, સરિનામ, ત્રિનિદાદ અને ટોબૈગો જેવા વિસ્તાર કે દેશોમાં હિન્દી ભાષા બોલવામાં આવે છે. ભારતમાં દેશની વસ્તીના 60 ટકાથી વધુ લોકોની માતૃભાષા હિન્દી છે. હિન્દી આપણી રાષ્ટ્રભાષા પણ છે.આપણા દેશમાં 10 જાન્યુઆરીએ વિશ્ર્વ હિન્દી દિવસ અને 14મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે એમ વર્ષમાં બે વાર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હિન્દી ભાષા રાષ્ટ્રની અભિવ્યક્તિનો સૌથી સરળ સ્ત્રોત છે. જે દેશને પોતાની ભાષા અને સાહિત્ય પર ગર્વ નથી તે ક્યારેય આગળ વધીના શકે તેમ આપણાં પહેલા રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે જણાવ્યું હતું.1949માં ભારતની સંવિધાન સભાએ દેશની સત્તાવાર ભાષા તરીકે હિન્દીને સ્વીકારી હતી. 14 સપ્ટેમ્બર 1949ના રોજ ભારતની રાષ્ટ્રભાષા તરીકે હિન્દી પસંદ કરી હતી. આપણાં બંધારણના અનુચ્છેદ 343માં પણ આ જોગવાઇ કરવામાં આવી છે કે દેવનાગરી લિપિની સાથે હિન્દી ભાષા આપણાં દેશની રાજભાષા છે. પહેલો હિન્દી દિવસ 14 સપ્ટેમ્બર 1949ના રોજ ઉજવાયો હતો. વિશ્ર્વમાં હિન્દી ભાષી લગભગ 85 કરોડથી વધુ છે. વૈશ્ર્વિકસ્તરે સૌથી વધુ બોલાતી ભાષામાં હિન્દી ત્રીજા સ્થાને છે. હિન્દી ખાલી એક ભાષા નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિની વાહકભાષા પણ છે. જેની સાથે હજારો વર્ષથી જુની સંસ્કૃતિ જોડાયેલી છે ને કરોડો લોકો તે બોલી રહ્યા છે.

ભારતમાં હિન્દી પછી આ ભાષા સૌથી વધુ બોલાય છે

આપણા દેશમાં સૌથી વધુ બોલાતી ભાષા હિન્દી છે પરંતુ તેના પછી બંગાળી, મરાઠી, તેલુગુ, તમિલ, ગુજરાતી, ઉર્દુ, કન્નડ, ઉડિયા, મલયાલમ અને અંગ્રેજી ભાષા પણ બોલાય છે. અંગ્રેજી ભાષા પણ કેન્દ્ર સરકારની ઓફિશિયલ ભાષાઓ પૈકીની એક છે. આ સિવાય નાગાલેન્ડ અને અરૂણાચલપ્રદેશ જેવા રાજ્યોની ભાષા અંગ્રેજી છે. અંગ્રેજોના સમયમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમ્યાન ઇ.સ.1800 દરમ્યાન ભારતની શાળાઓમાં અંગ્રેજી ભણાવવાની શરૂઆત થઇ હતી.