Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય કરૂણા દિવસ પર શ્રી શ્રી રવિશંકરજી, આચાર્ય લોકેશજી અને ‘જૈના’ સંસ્થાને પ્રતિષ્ઠિત ‘મહાકરૂણા એવોર્ડ’થી સન્માનિત કરાયા

આર્ટ ઓફ લિવિંગ હેડક્વાર્ટર, બેંગ્લોર ખાતે મહાબોધિ ઇન્ટરનેશનલ મેડિટેશન સેન્ટર દ્વારા પ્રતિષ્ઠિત મહાકરુણા એવોર્ડ 2023નું આયોજન આંતરરાષ્ટ્રીય કરુણા દિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું. જ્યાં આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરજી; અહિંસા વિશ્વ ભારતીનાં સ્થાપક અને જૈન આચાર્ય ડો. લોકેશજી, જૈના સંસ્થાનાં પ્રમુખ હરેશ શાહ અને ભૂતપૂર્વ પ્રમુખ દિલીપ વી. શાહને આધ્યાત્મિકતા, માનવ કલ્યાણ, વિશ્વ શાંતિ અને સંવાદિતાના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર પ્રદાન બદલ આ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ એવોર્ડનાં આયોજક ભીખ્ખુ સંઘસેનાજી, એમઆઇએમસીના સ્થાપક પ્રમુખ દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિ શંકરજીએ આ કાર્યક્રમને સંબોધતા કહ્યું કે આ આનંદની વાત છે કે બેંગ્લોરમાં આર્ટ ઓફ લિવિંગ હેડક્વાર્ટર તે આંતરરાષ્ટ્રીય કરુણા દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સત્ય એ છે કે દુનિયામાં દુ:ખ છે. મનુષ્યનો સાચો સ્વભાવ શાંતિ, કરુણા, પ્રેમ, મિત્રતા અને આનંદ છે અને મૌન છે મૌન ઉદાસી, અપરાધ અને દુ: ખને ગળી જાય છે અને આનંદ, કરુણા અને પ્રેમને જન્મ આપે છે.

તેમણે કહ્યું કે કરુણાના વિકાસ દ્વારા જ શ્રેષ્ઠ સમાજનું નિર્માણ શક્ય છે. અહિંસા વિશ્વ ભારતીના સંસ્થાપક આચાર્ય લોકેશજીએ આંતરરાષ્ટ્રીય કરુણા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે સંતો આદર અને નિંદાથી પર છે, પરંતુ આ સન્માન સાથે સમાજ પ્રત્યેની જવાબદારી વધુ વધી ગઇ છે. વિશ્વને યુદ્ધ, આતંક અને અશાંતિથી બચાવવા માટે સંત સમાજ હંમેશા પ્રયત્નશીલ છે, આ માટે સંતો વિશ્વમાં અહિંસા, કરુણા, શાંતિ અને સૌહાર્દની સ્થાપના માટે અસરકારક રીતે કાર્ય કરશે. આચાર્ય લોકેશજી એ વધુમાં જણાવ્યું હતું કે જૈન અને બૌદ્ધ બંને ધર્મમાં અહિંસા, દયા, પ્રેમ, ક્ષમા વગેરે જેવા માનવતાવાદી ગુણોનું મહત્વ છે.

વિશ્વ શાંતિ દૂત આચાર્ય લોકેશજી આધ્યાત્મિકતા, માનવ અને સામાજિક કલ્યાણ, વિશ્વ શાંતિ અને સંવાદિતાના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે જાણીતા બન્યા છે. તેમણે કહ્યું કે શ્રી શ્રી અને આચાર્ય લોકેશજીને એનાયત કરીને એવોર્ડ પોતે જ સન્માનિત થયો છે. આ પ્રસંગે જૈના સંસ્થાનાં પ્રમુખ હરેશ શાહ અને ભૂતપૂર્વ પ્રમુખ દિલીપ વી. શાહે પણ જૈના સંસ્થાને મહાકરુણા એવોર્ડ 2023 થી સન્માનિત કરવા બદલ મહાબોધિ ઇન્ટરનેશનલ મેડિટેશન સેન્ટર અને તમામ મહેમાનોનો આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.