Abtak Media Google News
  • રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા અઠવાડિયાથી પડી રહેલા વરસાદને કારણે મગફળી, બાજરા, જુવાર અને કપાસના પાકને નુકસાનની શક્યતા

રાજ્યમાં તાજેતરમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં થયેલી અતિવૃષ્ટિના કારણે ચોમાસુ પાકનો સોથ વળી જતા ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદ થતા વાવેતર-પાકને નુકસાન થતા ખેડૂતોને આર્થિક રીતે ફટકો પડ્યો છે. વરસાદથી ખેતરો ધોવાઇ જતા ખેડૂતો નિ:સહાય હાલતમાં છે. અનેક વિસ્તારોમાં હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી સંપૂર્ણ પાકો બગડી ગયા છે. ગુજરાતમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી વરસતા અનરાધાર વરસાદે ગુજરાતને જાણે તહસનહસ કરી નાંખ્યુ છે. મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે ત્યારે ચારેકોર પાણી પાણી થયુ છે. ખેતરોમાં ઉભા પાક પણ વરસાદી પાણીમાં છે. ખેતરો પણ જાણે બેટમાં ફેરવાયાં છે. આ જોતાં ફરી એકવાર ખેડૂતોના માથે મુસીબત આવી પડી છે. નિર્ણાયક સમયે પુરતો વરસાદ આવ્યો હોત તો ખેતીને ફાયદો થાય પણ અતિભારે વરસાદે અતિવૃષ્ટિ સર્જી છે. આ કારણોસર કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં ચોમાસુ ખરીફ પાકને નુકસાન પહોચ્યુ છે.અત્યાર સુધી ગુજરાતમાં વરસાદની ઘટ વર્તાતી હતી. એટલુ જ નહીં, વરસાદની ખેંચને લીધે ખેડૂતો પણ આકાશ પર નજર માંડીને બેઠા હતાં કેમકે, આ સમયે વરસાદ ન પડે તો પાક બળી જવાનો ભય હતો. પણ ધાર્યુ એના કરતાં કઇક ઉલ્ટુ થયું. છેલ્લાં બે ત્રણ દિવસથી વરસતા અનરાધાર વરસાદે અતિવૃષ્ટિ માહોલ સર્જી દીધો છે. રહેણાંક વિસ્તારોથી માંડીને ખેતરો વરસાદી પાણીમાં ગરકાવ થયા છે. રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, કચ્છ સહિતના વિસ્તારોમાં સતત વરસતા વરસાદને લીધે ખેતરો જાણે બેટમાં ફેરવાયા છે. ખેતરોમાં ઉભો પાક વરસાદી પાણીમાં છે. ખરીફ પાકને માત્ર પુરતો વરસાદની જરૂૂરિયાત હતી પણ અતિભારે વરસાદ ખેતી માટે આફતરુપ બન્યો છે. કઠોળ, તલ, કપાસ, મગફળી, શાકભાજી અને ઘાસચારાને વ્યાપક નુકશાન પહોચ્યુ છે. હજારો હેક્ટર જમીનમાં ખરીફ પાકનો સફાયો થયો હોવાનો અંદાજ છે. રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં મરચાંના પાકને પણ નુકસાન થયુ છે તેવી ખેડૂતોએ ફરિયાદો કરી છે. વિધાનસભા સત્ર દરમિયાન જ રાજ્ય સરકારે ખેડૂતો માટે રૂૂ.350 કરોડનું પેકેજ જાહેર કર્યુ હતું પણ જે રીતે અતિભારે વરસાદને કારણે ખેતીને આખાય ગુજરાતમાં નુકસાન થયુ છે તે જોતાં લાગે છે કે, સરકારે વધુ મોટુ પેકેજ જાહેર કરવું પડશે.

ખેડૂતોએ તો અત્યારથી નુકસાનનો સર્વે કરવા માંગ કરી છે. જે રીતે ખેતીને નુકસાન થયુ છે તે જોતાં ખેડૂતોને મોટુ આર્થિક નુકસાન વ્હોરવાનો વારો આવ્યો છે.

માત્ર ખેતીને જ નુકસાન થયુ છે એવું નથી બલ્કે ભારે વરસાદને કારણે ખેતરોમાં જમીનનું ધોવાણ પણ થયુ છે તે જોતાં ખેડૂતોને બે બાજુએ માર પડયો છે. વરસાદી પાણી ઉતર્યા બાદ ઉઘાડ નીકળે પછી નુકસાનીનો અંદાજ આવી શકશે.

રાજ્યમાં સિઝનનો 111 ટકા વરસાદ વરસી ગયો

રાજ્યમાં છેલ્લા છ દિવસ દરમિયાન વરસેલા સાંબેલાધાર વરસાદે ચારેકોર પાણી પાણી કરી દીધું છે. આજે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 111 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 177 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 125 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 111 ટકા, પૂર્વ અને મધ્ય ગુજરાત ઝોનમાં 105 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં સૌથી ઓછો 88 ટકા વરસાદ થયો છે.

રાજ્યમાં બચાવ કાર્ય માટે એનડીઆરએફની 17, એનડીઆરએફની 25 ટિમ ડિપ્લોય

રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદને કારણે ભારે કપરી સ્થિતિ સર્જાઈ છે. વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી મિશન મોડમાં ચાલી રહી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યા મુજબ, 29મી ઓગસ્ટના સવારે 10 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં 1785 નાગરિકોને રેસ્ક્યૂ કરાયું છે અને 13,183 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં રાહત બચાવ કામગીરી માટે એનડીઆરએફની 17 અને એસડીઆરએફની 25 ટીમો ઉપરાંત આર્મીની 9 કોલમ ડિપ્લોય કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામમાં ભારે વરસાદના કારણે ચાર નાગરિકો ફસાયા હતાં. જિલ્લા વહીવટી તંત્રની સતર્કતા મદદથી હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરી સલામત સ્થળે સફળતાપૂર્વક ખસેડવામાં આવ્યા હતા.વલસાડ જિલ્લામાં ખાસ કરીને આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા મહિલાઓને વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. ધોધમાર વરસાદ અને વિકટ પરિસ્થિતિમાં પોતાનું ઘર છોડી જિલ્લા આરોગ્ય તંત્રની સતત દેખરેખ અને કાળજી વચ્ચે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં એક મહિલાની સફળ પ્રસૂતિ કરાઈ હતી. તેવી જ રીતે, સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકાના પરનાળા ગામમાં એક મહિલાને રેસ્ક્યૂ કરીને આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા હતા. જ્યાં આરોગ્ય કર્મી દ્વારા સફળતાપૂર્વક તેમની પ્રસૂતિ કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પણ 12 બહેનોની સફળ ડિલિવરી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં શિયાળબેટ ગામના સગર્ભા મહિલાને બોટ મારફતે નજીકની આરોગ્ય સંસ્થા ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. આગામી સમયમાં કચ્છ તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદની પરિસ્થિતિ યથાવત હોવાથી રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને કામ વગર બહાર ન નીકળવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

ખેડૂતો ખેતરોમાં પગ પણ મૂકી ન શકે તેવી સ્થિતિ

થોડા દિવસ અગાઉ સારા વરસાદને પગલે સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે મગફળી, તલ કપાસનો સારો પાક થવાની શક્યતા જોવાતી હતી પરંતુ સતત પડી રહેલા વરસાદને લીધે સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. અતિવૃષ્ટિને કારણે ગુજરાતમાં ખરીફ પાકમાં નુકસાન જવાની શક્યતા છે. સામાન્ય રીતે નવરાત્રીની આસપાસ મગફળીનો પાક લઈ લેવાતો હોય છે પરંતુ અનેક વિસ્તારમાં પાક લેવાય તે અગાઉ જ વરસાદને લીધે ખેતરોમાં પાણી ભરાયા છે.મગફળી જો સતત પાણીમાં રહે અને યોગ્ય સમયે પાક ન લઈ લેવાય તો તે અંદર જ ઉગવા લાગતી હોય છે અને તેમાં બગાડ શરૂ થાય છે. અનેક ગામોમાં વરસાદને લીધે ખેડૂતો ખેતરોમાં પગ મૂકી શકતા નથી તેવી સ્થિતિ છે.એ રીતે કપાસના પાકમાં પણ નુકસાનની ફરિયાદો થઈ રહી છે. અનેક ખેડૂતોએ ફાલ ખરી રહ્યો હોવાની ફરિયાદ કરી. આ વખતે કપાસ અને મગફળીનો પાક સારો થાય તેવી શક્યતાઓ પર છેલ્લા દિવસોમાં સતત પડી રહેલા વરસાદથી પરિસ્થતિ બદલાઈ રહી છે.

865 માર્ગ બંધ, એસટીના 1078 રૂટ કેન્સલ થતા 83.43 લાખનું નુકશાન

રાજ્યભરમાં છેલ્લા પાંચ દિવસમાં ભારે વરસાદ ખાબકતા 865 માર્ગ બંધ થઇ ગયા છે. એસટી અને રેલવેને ભારે અસર થઇ છે.એસટીના 1078 રૂટ કેન્સલ થતા 83.43 લાખનું નુકશાન થયું છે. જામનગરમાં સતત ત્રણ દિવસ અવિરત વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વધુ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઈ ગયુ છે. અનેક વિસ્તારો, સોસાયટી અને ધરોમા પાણી ભરાયા છે. જનજીવનને માઠી અસર થઈ રહી છે.ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનવ્યવહારને અસર થઈ છે. જામનગર – દ્વારકા હાઈવે પર બેડ નજીક પાણીનો પ્રવાહ વધતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારના અનેક માર્ગમાં પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે.બે દિવસથી અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થયો છે. સોસાયટીમાં રહેલા વાહનોમાં કારણે નુકસાન થયો છે.અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા જેના કારણે ધરવખરીને સહીતનો સામાનને મોટુ નુકસાન થયુ છે. જિલ્લામાં 180 લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. 10 ફાયરની ટીમે, 1 એસડીઆરએફની, 1 એનડીઆરએફની ટીમ અને સ્થાનિક પોલીસના જવાનો તેમજ હોમગાર્ડના જવાનો દ્રારા લોકોને સ્થળાંતર અને રેસ્ક્યુ માટે સરાહનીય કામગીરી કરવામાં આવી છે.માં અતિવૃષ્ટિને કારણે જગનો તાત ચિંતિત: ખેતરો પાણીમાં ગરકાવ

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.