જામનગરમાં બનશે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ હાથ ધર્યો ડ્રીમ પ્રોજેકટ

આગામી 2 વર્ષમાં આ પ્રાણી સંગ્રહાલય તૈયાર થઈ જશે

વિશ્વના દુર્લભ પ્રાણી, પક્ષીઓ જોવા મળશે, પ્રાણીઓની સુરક્ષાની સાથે ટુરિઝમ ક્ષેત્રને પણ થશે ફાયદો

પેટ્રો કેમિકલ અને ટેલિકોમ ક્ષેત્ર ઉપરાંત મોટા ભાગની ચીજવસ્તુઓમાં પોતાનો પગદંડો જમાવનાર રિલાયન્સ ઇંડસ્ટ્રીએ હવે પર્યાવરણ ક્ષેત્રે પણ જંપલાવ્યું છે. તાજેતરમાં મુકેશ અંબાણીએ પર્યાવરણ ક્ષેત્રે કંઇક નવું કરવાની જાહેરાત કરી છે. દેશના અગ્રણી ઉધ્યોગપતિ મુકેશ અંબાણીએ ગુજરાતનાં જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવવાનું એલાન કર્યું છે. તેમણે જણાવ્યુ છે કે, આ પ્રોજેક્ટ અનંત અંબાણીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જે જામનગરમાં નિર્માણ પામશે.

આ પ્રાણી સંગ્રહાલય (ઝુ)નું નિર્માણ ૨૮૦ એકર જમીનમાં આકાર પામશે .આ માટે આરઆઇએલ કંપનીને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રોજેક્ટને લગતી મંજૂરી મળી ગઈ છે.

આ પ્રાણી સંગ્રહાલય ૧૦૦ અલગ – અલગ પ્રાણીઓનું ઘર થશે.

આ પ્રાણી સંગ્રહાલય ભારત સહિત વિશ્વભરના વિવિધજાતના પ્રાણીઓ,પક્ષીઓ તેમજ ૧૦૦ અલગ અલગ સાપની પ્રજાતિનું ઘર બનશે. જામનગરમાં રિલાયન્સ રિફાઇનરી પાસે મોટી ખાવડી નજીક આ પ્રાણી સંગ્રહાલય બનાવવામાં આવશે. આ અંગે સંબંધિત અધિકારીઓએ જણાવ્યુ છે કે કોરોનાકાળને કારણે આવેલા લોકડાઉનથી મહત્વના આ પ્રોજેક્ટમાં થોડો વિલંબ થયો છે.

આગામી 2 વર્ષમાં ‘ઝુ’ તૈયાર થઈ જશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ જણાવ્યું કે આ પ્રાણી સંગ્રાલય ગ્રીન ઝૂલોજિકલ રિસ્ક્યુ અને રિહેબિલિટેશન કિંગડમ તરીકે ઓળખાશે. આ યોજના કોવિડ-૧૯નાં કારણે વિલંબિત થઈ છે પરંતુ શક્ય તેટલી જડપે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાના પ્રયત્ન કરાશે. આરઆઇએલની કારોબારી સમિતિએ કહ્યું છે કે આ પ્રોજક્ટ આગામી ૨ વર્ષમાં પૂર્ણ થઈ જશે તેવી શકયતા છે .

વિશ્વના દુર્લભ ગણાતા એવા વિવિધ પ્રાણીઓ આ પ્રાણી સંગ્રહાલય જોવા મળશે :

આ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓની પ્રજાતિ અનુસાર ઘણા બધા વિભાગો રાખવામાં આવશે. જેમ કે ફોરેસ્ટ ઓફ ઇન્ડિયા, ફ્રોગ હાઉસ, ઇન્સેક્ટ લાઇફ, ડ્રેગન લેન્ડ, એકસોટિક આઇલેન્ડ. આ પ્રાણી સંગ્રહાલયમાં બાર્કિંગ ડિયર ( હરણ), સ્લેન્ડર લોરિસ, સ્લોથ બિયર (રીંછ), ફિશિંગ કેટ, કોમોડો ડ્રેગન, ઇન્ડિયન વુલ્ફ અને રોઝી પેલિકન સહિત વિવિધ પ્રાણીઓ જોવા મળશે.તેમાં જેગુઆર , આફ્રિકન લાયન્સ, શતુરમૂર્ગ, જિરાફ, કાયમેન, ચિત્તા, આફ્રિકન હાથી અને ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ પણ જોવા મળશે. ફ્રોગ હાઉસમાં દેડકાઓની લગભગ 200 અલગ અલગ પ્રજાતિઓ જોવા મળશે , જ્યારે એક્વેટિક કિંગડમમાં 350 પ્રકારની માછલીઓના દર્શન થશે