Abtak Media Google News

મંગળવારે ગાયને ગોળ રોટલી ખવડાવવી ગોળનું દાન, મસુરની દાળનું દાન કરવાથી મંગળની નકારાત્મક અસર ઘટાડી શકાય

જ્યારે સંતાનો યુવાન થાય ત્યારે માતા પિતાને તેના લગ્નની ખૂબ જ ચિંતા થતી હોય છે. અને તેમાં પણ જ્યોતિષ વિજ્ઞાન પર વિશ્વાસ કરવાવાળા માતા પિતાઓ પોતાના સંતાનોના વિવાહ માટે લગ્ન મેળાપક ને લઈને સારા પંડિતજી પાસે સારી આશાએ સંતાનોની કુંડળી બતાવતા હોય છે, ત્યારે વાત આવે છે મંગળદોષની, ખાસ કરીને લગ્ન જીવન માટે જ્યોતિષ વિજ્ઞાનમાં મંગળદોષનું અનેરૂ મહત્વ ગણવામાં આવે છે. અને તેમાં પણ જો કોઈ પંડિતજી લગ્ન કુંડળીમાં મંગળદોષ છે, તેવી વાત કરી દે, તો મંગળ દોષ જાણે કે ભયકારી હોય તેમ માતા-પિતા ખૂબ જ ચિંતામાં મુકાઈ જતા હોય છે. સામાન્ય રીતે જો વાત કરીએ તો લગ્ન કુંડળી અથવા તો જેને જન્મ કુંડળી કહેવાય તેમાં પહેલા ચોથા સાતમા આઠમા અને બારમા સ્થાનમાં મંગળ દેવતા બિરાજમાન હોય તો એને મંગળદોષ ગણવામાં આવે છે.

એમાં યુવકની કુંડળીમાં આવો દોષ  હોય તો તેને પાઘડીઓ મંગળ અને યુવતીની કુંડળીમાં જો આવો દોષ હોય તો તેને ઘાટડીઓ મંગળ કહેવામાં આવે છે. અને, આ પ્રકારની કુંડળીના જાતકો ને માંગલિક માનવામાં આવે છે ત્યારે સૌ પ્રથમ તો હું એક વાત સ્પષ્ટ કરું છું અહીં કે કેટલાક પંડિતજીઓ લગ્ન કુંડળી કે જન્મકુંડળી સિવાય ચંદ્ર કુંડળી અને સૂર્ય કુંડળી પરથી પણ મંગળદોષ જોતા હોય છે. એટલે કે, સૂર્ય અથવા તો ચંદ્ર કુંડળીના જે સ્થાનમાં હોય,  તે સ્થાનને પ્રથમ સ્થાન ગણી અને મંગળદોષ જોતા હોય છે તેમજ ભારતના કેટલાક રાજ્યોમાં શુક્ર જે સ્થાનમાં બિરાજ  માન હોય તે સ્થાનને પ્રથમ સ્થાન અથવા તો લગ્ન સ્થાન ગણી અને મંગળદોષ ની ગણના કરવામાં આવે છે. એટલે કે જન્મકુંડળીમાં સૂર્ય ચંદ્ર કે શુક્ર જે સ્થાનમાં હોય તે સ્થાન માં અથવા ત્યાંથી ચોથા સ્થાનમાં, સાતમા સ્થાનમાં, આઠમાં સ્થાનમાં, અથવા તો બારમા સ્થાનમાં મંગળ દેવતા બિરાજમાન હોય તો પણ મંગળદોષ વાળી કુંડળી ગણવામાં આવે છે

ખરેખર તો જો આ હિસાબે જન્મ કુંડળીઓ જોવામાં આવે તો મારા અભ્યાસ મુજબ 90% કરતાં વધારે લોકોની કુંડળીઓમાં મંગળદોષ જોવા મળશે. જો કે  મારા અભ્યાસ મુજબ આ પ્રકારની કુંડળીનો મંગળદોષ કોઈ ખાસ અસર કર્તા  રહેતો નથી. એટલે મંગળ દોષ માટે માત્ર ને માત્ર જન્મ કુંડળી અથવા તો લગ્ન કુંડળી મુજબ જ પ્રથમ સ્થાન, ચતુર્થસ્થાન, સપ્તમ સ્થાન, આઠમું  સ્થાન, અને બારમા સ્થાનમાં મંગળદેવ બિરાજમાન હોય તો જ મંગળદોષ ગણી અને ફળ કથન કરવું જોઈએ, જોકે કેટલાક જ્યોતિષીઓનું ચંદ્ર સૂર્ય અને શુક્ર મુજબ પણ મંગળદોષનું ફળ મળતું હોવાનું અનુમાન છે.

કોઈપણ યુવતી યુવકની કુંડળીમાં ચોથા સ્થાનમાં મંગળ હોય અને તેના લગ્ન માટે સામેના પાત્રમાં પણ યુવક કે યુવકની કુંડળીમાં ચોથા સ્થાનમાં જ મંગળ હોય તો સંપૂર્ણ પણે મંગળદોષ નષ્ટ થઈ જાય છે એટલે કે જન્મકુંડળીમાં મંગળ દોષ રહેતો નથી  મંગળ દોષ નાશ થવા માટે જ્યોતિષ આચાર્યનો એવો પણ મત જોવા મળે છે કે આ જ પ્રકારે કોઈ યુવક કે યુવકની કુંડળીમાં ચોથા સાતમા આઠમા બારમા કે પહેલા સ્થાનમાં મંગળ હોય અને તેના લગ્ન જેની સાથે થવાના હોય તે યુવક કે યુવક કુંડળીના તે જ સ્થાનમાં શની જેવો પાપગ્રહ હોય તો પણ મંગળદોષ નષ્ટ થઈ જાય છે.માણસના જીવનમાં સૌથી વધારે મહત્વનું  દાંપત્યજીવન હોય છે. અને, દાંપત્ય જીવનના ફળ કથન માં  જ્યોતિષ મત મુજબ સૌથી મહત્વનો દોષ મંગળદોષ ગણવામાં આવે છે. તેમ છતાં પણ લગ્ન કુંડળી કે જન્મ કુંડળી મુજબ મંગળદોષ જોવામાં આવતો હોય તો પણ ચિંતા નું કોઈ કારણ નથી કારણ કે ઘણા બધા લોકોના કારણે મંગળદોષ નષ્ટ થઈ જવાના કારણ પણ ઉત્પન્ન થતા હોય છે.

અમુક વર્ષના આયુષ્ય પછી મંગળદોષ આપમેળે નષ્ટ થઈ જાય છે અને મોટાભાગે તે આયુષ્ય વર્ષ 28 નું ગણવામાં આવે છે એટલે કે જાતકની ઉંમર 28 વર્ષની થાય પછી મંગળદોષ લાગુ પડતો નથી. પરંતુ મારા અભ્યાસ મુજબ આ વાત બિલકુલ યોગ્ય નથી કારણ કે મોટા ભાગના મંગળદોષ વાળા જાતકોના લગ્ન જ મોટી ઉંમરે થતા હોય છે. અને ત્યારબાદ જ તેના જીવનમાં દાંપત્યને લઈને મંગળદોષની અસર પણ જોવા મળતી હોય છે.

એટલે અમુક ઉંમરે મંગળદોષ નષ્ટ થઈ જવાની માન્યતા ને સહમતી આપી શકાય નહીં. જે પણ જાતકની કુંડળીમાં મંગળ દોષ પ્રબળ બનતો હોય તે દોષની અસર જીવનભર રહેતી હોય છે જે જાતકની કુંડળીમાં મંગળદોષ હોય અને જે સ્થાનમાં મંગળ હોય તે સ્થાનમાં જ શનિદેવ પણ બિરાજમાન હોય તો મંગળદોષ વધુ પ્રબળ બની જાય છે અને વધારે ખરાબ ફળ આપવા લાગે છે. અને તેમાં પણ ખાસ કરીને સાતમા અને આઠમા સ્થાનમાં આ યોગ  બને ત્યારે જ દામ્પત્યજીવનમાં ખૂબ મોટી ખરાબ અસરો જોવા મળી છે.એટલે જ યુવક કે યુવતીના લગ્નનો સમય આવે તો મંગળદોષને લઈને માતા-પિતા ચિંતામાં મુકાઈ જતા હોય છે.

કારણ કે જો લગ્ન કુંડળીમાં મંગળદોષ હોય તો માણસના દાંપત્ય જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જો કે માણસના દાંપત્ય જીવનમાં સુખ કે દુ:ખ માટે એક માત્ર મંગળદોષ જ જવાબદાર છે, તેવું બિલકુલ નથી.  ખરેખર મંગળદોષ કોઈ ચિંતા નું કારણ નથી પરંતુ સારા જ્યોતિષ કે પંડિતજી સાથે વાત કરી એને સમજવાનું કારણ છે એટલે લગ્નજીવન માટે ઘણા બધા મહત્વના ફેક્ટર કામ કરતા હોય છે જેથી માત્ર મંગળદોષ પર આધારિત રહેવું હિતાવહ નથી. બીજું કે મંગળદોષ વિશે સારું કે ખરાબ જેટલું લખીએ તેટલું ઓછું છે પરંતુ હા મંગળના ઉપાયો કરીને પણ મંગળદોષની અસર ઘટાડી શકાય છે જેમાં અનેક પંડિતજી અને જ્યોતિષ આચાર્યએ અનેક પ્રકારના ઉપાયો બતાવ્યા છે જે ઘણા બધા છે જે આપણે ઘણા બધા પુસ્તકો માં પણ જોવા મળતા હોય છે અને

પરંતુ આ ઉપાયોની સાથે મંગળવારે ગાયને ગોળ રોટલી ખવડાવવી, ગોળનું દાન, કરવું મસુર ની દાળનું દાન કરવું, લાલ વસ્ત્રોનું દાન કરવું, તેવા નાના નાના ઉપાયો કરવાથી પણ મંગળની નકારાત્મક અસર જીવનમાં ઘટાડી શકાય  છે.મંગળને ભૂમિપુત્ર કહેવામાં આવ્યો છે, અને તેવી જ રીતે રામાયણમાં સીતામાતા ને  પણ ભૂમિપુત્રી કહેવામાં આવ્યા છે. એટલે જો માતા સીતાનું પૂજન અર્ચન યોગ્ય રીતે કરવામાં આવે તો પણ મંગળ ની નકારાત્મક અસરો જીવનમાં ઘટી શકે છે. આ લેખ લખવાનો હેતુ માત્ર એટલો જ છે કે, મેં ઘણા માતા-પિતાઓને પોતાના સંતાનોની કુંડળીમાં મંગળદોષને લઈને અતિ ચિંતિત થતા જોયા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.