- રાષ્ટ્રસેના અધ્યક્ષ વિનોદ જૈને “Indias Got Latent” વિરુદ્ધ નોંધાવી લેખિત ફરિયાદ
- સાયબર ક્રાઈમ પોલીસ મથક ખાતે લેખિત ફરિયાદ કરી દાખલ
- રણવીર અલ્હાબાદી, આશિષ ચંચલાની, અપૂર્વા માખીજા, સમય રૈના, જસપ્રિત સિંહ વિરુદ્ધ ફરિયાદ
- શો-રદ કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ
- ભવિષ્યમાં આવા શો માટે સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર ફરજિયાત બનાવવા માંગ
ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક લાગણીઓને દુભાવતો વિવાદાસ્પદ કન્ટેન્ટ રજૂ કરવા બદલ યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર ચર્ચાસ્પદ શો “Indias Got Latent” વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ મથક, સુરત ખાતે લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. વિનોદ જૈન (રાષ્ટ્રસેના, અધ્યક્ષ) દ્વારા રણવીર અલ્હાબાદી, આશિષ ચંચલાની, અપૂર્વા માખીજા ઉર્ફે રિબોલ કિડ, સમય રૈના અને જસપ્રિત સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સુરતના ફરિયાદી વિનોદ જૈન દ્વારા ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 79, 196, 296, 299, 3(5), 54 અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 67 હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, આરોપીઓ વિવિધ શહેરોમાં કામ કરતા કલાકારો છે અને તેઓ યુટ્યુબ, સોશિયલ મીડિયા પર શોર્ટ ફિલ્મો અને લાઈવ શો દ્વારા વિવાદાસ્પદ કન્ટેન્ટ પ્રકાશિત કરી રહ્યા છે. વિનોદ જૈન જણાવે છે કે, તેઓ નિયમિતપણે યુટ્યુબ येनल “Samay Raina Official” अने “Indias Got Latent Official” જોતા હોય છે. આ ઉપરાંત 12 ફેબ્રુઆરી, 2025ના રોજ “Indias Got Latent” નો એક એપિસોડ જોયો હતો, જેમાં રણવીર અલ્હાબાદી, આશિષ ચંચલાની, અપૂર્વા માખીજા અને અન્ય લોકો જજ તરીકે હાજર હતા.
આ એપિસોડ દરમિયાન રણવીર અલ્હાબાદીએ સ્પર્ધકોને અશ્લીલ ભાષામાં પ્રશ્ન પૂછ્યો હતો, જે સમય રૈનાએ પોતાનાં યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર પણ આ એપિસોડ વાયરલ થયો હતો. ફરિયાદીનું કહેવું છે કે, ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન એક પવિત્ર સંસ્કાર છે અને આરોપીઓએ ધાર્મિક લાગણીઓને દુભાવવા માટે નકારાત્મક ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ શોમાં જાહેર શાંતિ અને સૌહાર્દ ભંગ થાય એવા અશ્લીલ દ્રશ્યો અને ટિપ્પણીઓ સામેલ કરવામાં આવી હતી. સમય રૈનાએ શોની જ્યુરી અને પ્રોડક્શન ટીમ સાથે મળી “Indias Got Latent” શોમાં અશ્લીલ પ્રદર્શન કરાવ્યું છે. પોતાની યુટ્યુબ ચેનલના અન્ય એપિસોડમાં પણ સમય રૈનાએ મહિલાઓ માટે અપમાનજનક ટિપ્પણીઓ કરી છે. આરોપીઓએ ધાર્મિક માન્યતાનું અપમાન કરી, જનતા વચ્ચે ઘર્ષણ સર્જવા માટે શુદ્ધ બુદ્ધિપૂર્વક અશ્લીલ કન્ટેન્ટ શામેલ કર્યો હતો.
ફરિયાદમાં જણાવાયું છે કે, અખબારી અહેવાલો મુજબ “Indias Got Latent”નો લાઈવ શો સુરત શહેરમાં એપ્રિલ 2025માં યોજાવાનું છે. વિનોદ જૈન અને અન્ય લોકોએ સુરત પોલીસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે અને કહ્યું છે કે, આ શો માટે મળી રહેલી તમામ પરવાનગીઓ તાત્કાલિક રદ કરવામાં આવે.આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ભવિષ્યમાં આવા શો માટે સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર ફરજિયાત બનાવવામાં આવે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય