યાદ આ રહા હૈ તેરા પ્યાર….. સિને જગતના ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું નિધન

અસલી નામ અલોકેશ લાહિડી હતું

બપ્પી લહેરીનુ અસલી નામ અલોકેશન લાહિડી હતું. તેમનો જન્મ 27 નવેમ્બર, 1952 ના રોજ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં થયો હતો. તેમના પિતાનુ નામ અપરેશ લાહિડી અને માતાનુ નામ બન્સારી લાહિડી હતું.

હમણાં થોડા દિવસો પહેલા જ બોલિવૂડની કોયલ એવા લતા મંગેશકારે આપણી વચ્ચેથી વિદાય લીધી હતી ત્યારે આજ રોજ બૉલીવુડ અને સિને જગતને વધુ એક જાટકો મળ્યો છે. સિનેમા જગતના પ્રખ્યાત ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું મુંબઈમાં જુહુની ક્રિટી કેર હોસ્પિટલમાં નિધન થયું છે. બપ્પી લહેરી 69 વર્ષના હતા. કહેવામાં આવી રહ્યું છે કે રાત્રે લગભગ 11 વાગે તેમનું મૃત્યુ થયું હતું. સીઘણા સમયથી બીમાર હતા. ગયા વર્ષે એપ્રિલમાં બપ્પી દા કોરોનાના ભરડામાં આવ્યા હતા. ડૉક્ટરે જણાવ્યું કે તેનું મૃત્યુ OSA (ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા)ના કારણે થયું હતું.

 

પ્રાપ્ત માહિતી મુજબ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે, “લહેરી લગભગ એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા અને સોમવારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, પરંતુ મંગળવારે તેમની તબિયત બગડી હતી અને તેમના પરિવારે ડૉક્ટરને ઘરે બોલાવ્યા હતા. તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. ઓ.એસ.એ (ઓબ્સ્ટ્રકટીવ સ્લીપ એપનિયા)ના કારણે મોડી રાત્રે તેમનું અવસાન થયું હતું.”

1985માં ફિલ્મ ‘શરાબી’ માટે ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો

બપ્પી દાએ 70-80ના દાયકામાં ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા જે ખૂબ જ હિટ રહ્યા. આ ફિલ્મોમાં ‘ચલતે ચલતે’, ‘ડિસ્કો ડાન્સર’ અને ‘શરાબી’નો સમાવેશ થાય છે. 80 અને 90ના દાયકામાં ભારતમાં ડિસ્કો મ્યુઝિકને લોકપ્રિય બનાવવામાં બપ્પી દાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. બપ્પી દાને ફિલ્મ ‘શરાબી’ માટે 1985માં શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે બોલિવૂડમાં તેનું છેલ્લું ગીત 2020માં આવેલી ફિલ્મ ‘બાગી’નું ‘ભંકસ’ હતું.

સોનાના દાગીના ના શોખીન
બપ્પી લહેરી સોનું પહેરવાનું અને હંમેશા ચશ્મા પહેરવાનું પસંદ હતું. ગળામાં સોનાની જાડી ચેન અને હાથમાં મોટી વીંટી સહિત ઘણા બધા સોનાના ઘરેણા પહેરવા તેની ઓળખ હતી. બપ્પી લહેરી બોલિવૂડના પ્રથમ રોક સ્ટાર સિંગર પણ કહેવામાં આવે છે. બપ્પી દાનો જન્મ 17 નવેમ્બર 1952ના રોજ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં થયો હતો.
અશોક પંડિત – લહેરી જીના નિધન વિશે સાંભળીને આઘાત લાગ્યો

ફિલ્મ નિર્માતા અશોક પંડિતે બપ્પી લાહિરીના નિધન પર ટ્વિટ કર્યું, “રોકસ્ટાર બપ્પી લાહિરી જીના નિધન વિશે સાંભળીને આઘાત લાગ્યો. વિશ્વાસ નથી કરી શકતો કે મારો પાડોશી હવે નથી. તમારું સંગીત હંમેશા અમારા હૃદયમાં રહેશે.

છેલ્લા દાયકામાં, બપ્પી લહેરીએ ધ ડર્ટી પિક્ચરમાંથી ઓ લા લા, ગુન્ડેમાંથી તુને મારી એન્ટ્રી, બદ્રીનાથ કી દુલ્હનિયાના તમ્મા તમ્મા અને શુભ મંગલ જ્યાદા સાવધાનમાંથી હે પ્યાર કર લે જેવા ગીતો ગાયા હતા. તેમણે છેલ્લે 2 વર્ષ પહેલા ફિલ્મ બાગી 3 માટે ગીત કમ્પોઝ કર્યું હતું. જે વર્ષ 2020માં રિલીઝ થઈ હતી.

બપ્પી લહેરીની ખાસ વાત એ છે કે તેમણે માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ બંગાળી, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં પણ ગીતો ગાયા છે. આજે બપ્પી લહેરીની વિદાયથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં સુનકાર વ્યાપી ગયો છે. ડિસ્કો ડાન્સર, નમક હલાલ, હિમ્મતવાલા અને શરાબી જેવી હિન્દી ફિલ્મોમાં ગાવા ઉપરાંત, બપ્પી દા ‘અરે પ્યાર કર લે’ અને ‘ઓહ લા લા’ જેવા ગીતો માટે પણ જાણીતા છે.