કૃષ્ણદેવ યાજ્ઞિકની પોલિટિકલ એક્શન થ્રીલર ફિલ્મ ‘રાડો’માં યશ સોનીનો રફ એન્ડ ટફ લૂક  

બોલીવૂડની સાથે સાથે હવે ઢોલિવૂડના કલાકારો ઈન્ડસ્ટ્રીમાં પોતાનો દબદબો કરી રહી છે. પ્રેક્ષકો ઢોલિવૂડ ફિલ્મોને વધુ પસંદ કરી રહ્યા છે. ત્યારે હાલ ઢોલીવુડ ફિલ્મ નિર્માતા કૃષ્ણદેવ યાજ્ઞિક તેમની બેક ટુ બેક હિટ ફિલ્મ રિલીઝને કારણે ચર્ચામાં છે. હાલ જ યશ સોની, જાનકી બોડીવાલા અને રોનક કામદાર ફિલ્મ ‘નાડી દોષ’ રિલિઝ થઈ છે જેને દર્શકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
‘રાડો’ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું ત્યારથી જ આ ફિલ્મ એક્શનથી ભરપૂર હોય તેવું લાગી રહ્યું છે. આ ફિલ્મ પોલિટિકલ થ્રીલરથી ભરપૂર છે. ફિલ્મ ‘રાડો’માં શહેરના યુવાનોમાં જોવા મળતા આક્રોશની વાત હોય તેવું ટ્રેલર જોતાં લાગી રહ્યું છે. ‘રાડો’ના ટ્રેલરમાં શહેરના યુવાનો રસ્તા પર ઉતરી આવીને હોબાળો મચાવતા જોવા મળી રહ્યા છે. સાથે જ પોલીસ અને રાજકારણની તાકાતની વાત પણ આ ટ્રેલરમાં જોવા મળી રહી છે. અભિનેતા યશ સોની એક રફ એન્ડ ટફ અવતારમાં જોવા મળશે. કૃષ્ણદેવ યાજ્ઞિક પાસે આ વખતે તેમના ચાહકો માટે કંઈક અલગ જ કોન્સેપ્ટ છે.

નિર્માતાઓએ ‘રાડો’નું ઑફિશિયલ ટ્રેલર રિલીઝ કર્યું છે અને તેને દર્શકો દ્વારા બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ટ્રેલરમાં મર્ડર મિસ્ટ્રીની સાથે પોલિટિકલ ડ્રામા પણ બતાવવામાં આવ્યો છે. સાથે જ કેટલાક પાવર-પેક્ડ એક્શન સીન અને સંવાદો પણ છે જે ચોક્કસપણે ફિલ્મ જોનારને છેલ્લી ઘડી સુધી જકડી રાખશે તેમ લાગી રહ્યું છે.
ફિલ્મના લીડ હીરોની વાત કરીએ તો યશ સોનીએ ઢોલિવૂડમાં છેલ્લો દિવસ ફિલ્મથી એન્ટ્રી કરી હતી. ત્યારબાદ ચાલને જીવી લઈએ, શું થયું ? અને હાલની જ નાડી દોષ જેવી હિટ ફિલ્મો આપી છે. ફિલ્મમાં આ ઉપરાંત હિતુ કનોડિયા, તર્જની ભાડલા, નિકિતા શર્મા, ભરત ચાવડા, નીલમ પંચાલ, દેવર્ષિ શાહ, પ્રાચી ઠાકર, ડેનિસા ઠુમરા, પ્રતિક રાઠોડ, રાજન ઠાકર, ચેતન દૈયા, ગૌરાંગ આનંદ અને હિતેન કુમાર સહિત અન્ય કલાકારો છે. એક્શનથી થ્રિલર ભરપૂર ફિલ્મ ‘રાડો’ 22 જુલાઈ, 2022ના રોજ રિલીઝ થવાની છે.