- 133 વર્ષમાં માર્ચ માસ સૌથી ગરમ
- સુરેન્દ્રનગર 42.8 ડિગ્રી સાથે મંગળવારે રહ્યું રાજયનું સૌથી ગરમ શહેર: ભૂજ 42.4 ડિગ્રી અને રાજકોટ 42.3 ડિગ્રી સાથે ધગ્યા: રાજયના 14 જિલ્લામાં તાપમાન 41 ડિગ્રીથી વધુ
133 વષના ઈતિહાસમાં માર્ચ મહિનો સૌથી ગરમ રહ્યો છે. મંગળવારે રાજયનાં 9 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતુ. રાજયના 3 જિલ્લામાં મંગળવારે તાપમાન 42 ડિગ્રીથી વધુ રહેવા પામ્યું હતુ. જયારે 14 જિલ્લામાં તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાયું હતુ. દરમિયાન આજે રાજયના 9 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને ત્રણ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હીટવેવના પ્રકોપથી બચવા માટે રાજય સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, સુરત, ગાંધીનગર, આણંદ અને મોરબી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જયારે સાબરકાંઠા ભાવનગર અને પોરબંદરમા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 133 વર્ષમાં માર્ચ મહિનામાં પ્રથમ પખવાડીયામાં સૌથી વધુ ગરમી પડી છે. સુર્યનારાયણ આકાશમાંથી અગ્નીવર્ષા કરી રહ્યા છે. જનજીવન ત્રાહિમામ પોકારી ગયું છે.
મંગળવારે 42.8 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજયનું સૌથી ગરમ શહેર રહ્યું હતુ. આ ઉપરાંત કચ્છના ભૂજનું તાપમાન 42.4 ડિગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતુ. જયારે રાજકોટનું તાપમાન 42.3 ડિગ્રી, કેશોદનું તાપમાન 41.9 વલ્લભ વિધાનગરનું તાપમાન 41.9 ડિગ્રી, જૂનાગઢનું તાપમાન 41.8 ડિગ્રી, અમરેલીનું તાપમાન 41.6 ડિગ્રી, ડીસાનું તાપમાન 41.6 ડિગ્રી, નલીયાનું તાપમાન 41.4 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 41.2 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 41.2 ડિગ્રી, વડોદરાનું તાપમાન 41.2 ડિગ્રી, કંડલા એરપોર્ટ પરનું તાપમાન 41.2 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 41 ડિગ્રી, અને સુરતનું તાપમાન 40 ડિગ્રી નોંધાયું હતુ. રાજયમાં સૌથી ઓછુ તાપમાન ઓખાનું માત્ર 32 ડિગ્રી રહેવા પામ્યું હતુ. આજે નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને ત્રણ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. માર્ચ મહિનામાં સૂર્ય નારાયણ આકાશમાંથી આગ ઓકી રહ્યા છે. એપ્રીલ મે માસમા શુ થશે તેની કલ્પના લોકોને ધ્રુજાવી રહી છે.