- જૈન આચાર્ય લોકેશજીએ વિશ્ર્વ શાંતિ કેન્દ્ર ખાતે બાળકોના સમર કેમ્પનું કર્યુ ઉદ્ઘાટન
વિશ્ર્વ વિખ્યાત જૈન આચાર્ય લોકેશજીના માર્ગદર્શન હેઠળ ગુરુગ્રામના વિશ્ર્વ શાંતિ કેન્દ્ર ખાતે બાળકો માટે સમર કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. શિબિર દ્વારા બાળકો જંક ફૂડ અને મોબાઈલના વ્યસનથી મુક્ત થઈ રહ્યા છે અને તેઓ શિસ્ત, વડીલો પ્રત્યે આદર અને દેશભક્તિ પ્રત્યે જાગૃત થઈ રહ્યા છે. વિશ્ર્વ શાંતિ કેન્દ્રમાં, જાતિ, સંપ્રદાય અને ધર્મથી આગળ વધીને બાળકોમાં સારા સંસ્કારના બીજ વાવી રહ્યા છે.
વિશ્ર્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશજીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે બાળકોના સર્વાંગી વિકાસ માટે યોગ, રમતગમત, કલા અને સંસ્કારની તાલીમ ખૂબ જ જરૂરી છે. અહિંસા વિશ્ર્વ ભારતીના નેજા હેઠળ આયોજિત શિબિરમાં ઉપસ્થિત બાળકો અને તેમના માતા–પિતાને સંબોધતા વિશ્ર્વ શાંતિના રાજદૂત આચાર્ય લોકેશજીએ જણાવ્યું હતું કે આ સમર કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સુરક્ષિત અને દેખરેખ હેઠળના વાતાવરણમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ કરવાનો છે. કેમ્પમાં બાળકો માટે યોગ, રમતગમત, નૃત્ય, સર્જનાત્મક પ્રવૃત્તિઓ, શિક્ષણ અને અન્ય મનોરંજક પ્રવૃત્તિઓ હશે, જે તેમના શિક્ષણ અને વ્યક્તિગત વિકાસમાં મદદ કરે છે.