Abtak Media Google News

એસજીવીપીની ઇન્ટરનેશનલ હોસ્ટેલ, દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય અને મેમનગર ગુરુકુલના  900 વિદ્યાર્થીઓએ સમૂહ યોગાસનો કરી યોગદિન ઉજવ્યો

આંતરરાષ્ટ્રિય યોગ દિવસે એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ શા. માધવપ્રિયદાસજી સ્વામી પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં  એસજીવીપી ઇન્ટરનેશનલ હોસ્ટેલના વિદ્યાર્થીઓ, દર્શન સંસ્કૃત મહાવિદ્યાલય અને મેમનગર ગુરુકુલ ના 900 વિદ્યાર્થીઓએ એસજીવીપીના વિશાલ ફુટબોલ મેદાનમાં જુદા જુદા યોગાસનો કરી યોગદિન ઉજવ્યો હતો.

આ પ્રસંગે વિદેશયાત્રા કરી રહેલ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલીફોન દ્વારા યોગમાં  જોડાયેલ ત્રણેય સંસ્થાના વિદ્યાર્થીઓને આશીર્વાદ આપતા જણાવ્યું હતુ કે સામાન્ય રીતે લોકો પોતાના આરોગ્ય અને શારીરિક સુખાકારી માટે યોગ કરે છે પણ ખરેખર યોગ તેથી વિશેષ છે. યોગ તો વ્યક્તિને ભગવાન સાથે જોડે છે. યોગથી શુદ્ધ થયેલ ચિત્તથી ભકિતમાં હકારાત્મક શુભ સ્પંદનો જાગે છે. યોગ કરવાથી આત્મવિશ્વાસ પેદા થાય છે. શારીરિક કરતાં પણ માનસિક સ્તરે યોગના ઘણા લાભો હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ વિશ્વમાં સ્વીકૃતિ પામ્યા છે. આ પ્રસંગે પતંજલિ યોગ સંસ્થા હરિદ્વારના હરેશભાઇ સોનીએ પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર સાથે યોગાસન કરાવ્યા હતા અને યોગ અને પ્રાણાયામનું મહત્વ સમજાવ્યું હતું.

આ કાર્યક્રમની તમામ વ્યવસ્થા કુંજવિહારીદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે જાલમસિંહ, ઘનશ્યામભાઇ સુવા, સૂર્યકાંતભાઇ પટેલ અને અર્જુનાચાર્યે સંભાળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.