તમે પણ બાળકોને આપો છો કેચપ-જામ તો થઈ જાવ સાવધાન.

આજકાલના બાળકો આપણા પરંપરાગત ભારતીય ફૂડ જેવાં કે ઇડલી, હાંડવો અને ઢોકળાં સાથે પણ  કેચપ ખાય છે. તો કેટલાક બાળકો તો રોટલી પર જામ લગાડયા વગર જમતાં જ નથી. પાસ્તા કે પિઝાના સોસમાં કે ચાઇનીઝ-મેક્સિકન સોસમાં પણ બેઝ તરીકે કેચપ વપરાવવા લાગ્યો છે. એમ પણ આપણે આજે રેડી ફૂડ પ્રોડક્ટ પર એટલા નિર્ભર થઇ ગયા છીએ કે તે રોજિંદા ખોરાકનો ભાગ બની ગયો છે. તેનાથી થતા નુકસાન વિશે આપણે વિચારતા નથી. કોઇ વ્યક્તિ એવી નહીં મળે જેના કિચનમાં રેડી ફૂડ પ્રોડક્ટ ન હોય.

ટીવી પરની જાહેરાતોમાં પણ આ બધી પ્રોડક્ટસને એ રીતે પ્રમોટ કરાય છે કે બાળકો તે ખાવા લલચાય છે ને આ લોભામણી જાહેરાતો મમ્મીઓને પણ ભોળવી લે છે. ટોમેટો કેચઅપમાં ટોમેટોની પેસ્ટ ૨૪ ટકા જેટલી હોય છે.

એટલે કે તેમાં ઓરિજિનલ ટામેટા પૂરા ૨૫ ટકા પણ નથી. આ ઉપરાંત તેમાં ખાંડ, મીઠું, મસાલા, એસિડિફાઇંગ એજન્ટ્સ, થિકનિંગ એજન્ટ્સ, પ્રિઝર્વેટિવ નાખવામાં આવે છે.

કેચઅપને વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમા વધુ પડતી ખાંડ અને મીઠું ઉમેરવામાં આવે છે.

કેટલાક લોકો એમ પણ માને છે કે બાળકો ખાંડ ખાય તો ચાલે, પરંતુ એે ભૂલભરેલી માન્યતા છે. ખાંડ કે મીઠું મોટાને નુકસાન કરે તેટલું બાળકોને પણ કરે જ છે. કેચપ કે સોસ ખૂબ જ એસિડિક હોય છે.

જેના લીધે તે શરીરમાં આયર્ન અને કેલ્શિયમનું એબ્સોર્બશન ઓછું કરે છે. તે ખોરાક સાથે ખાવામાં આવે છે તેથી ખોરાકમાંથી મળતા મિનરલ્સ, વિટામિન્સ અને એન્ટિઓક્સિડન્ટને શરીર સુધી પહોંચવા દેતો નથી.

બાળકોને અલગઅલગ ફ્રૂટના જામ ખૂબ ભાવે છે. બજારમાં પાઇનેપલ, સ્ટ્રોબેરી, મેંગો, મિક્સ ફ્રૂટ જેવા અલગ-અલગ ફ્લેવરના જામ મળે છે. આ જામની ૨૫૦ ગ્રામની બોટલની  કિંમત ૬૦થી ૭૦ રૂપિયા હોય  છે.

ઘરે તમે સ્ટ્રોબેરી લઇને ૨૫૦ ગ્રામ જામ બનાવવા જશો તો લગભગ એક કિલો સ્ટ્રોબેરીની જરૂર પડશે. વળી તેમાં ખાંડ નાખો અને ગેસ બાળો એ ખર્ચો અલગ. તો આ રીતે બજારમાં મળતા જામમાં માત્ર સુગર સિરપ અને જુદાં જુદાં ફળોની ફ્લેવર તેમજ આર્ટિફિશિયલ કલર્સ હોય છે.

આ ઉપરાંત પ્રિઝર્વેટિવ અને ઇન્વર્ટ સુગર વપરાય છે, જે સફેદ સુગર કરતાં પણ ખરાબ છે.

આ બધાં કારણોના લીધે બાળકો હવે વાતવાતમાં ગુસ્સો કરતા થઇ ગયાં છે અને તેમની એકાગ્રતા પણ ઘટી છે.