Abtak Media Google News

ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્ર્નો, મંત્રીઓએ આપેલા જવાબો, ગૃહમાં વિવિધ મુદ્દાઓ પર થતી ચર્ચા વગેરે દર્શાવાશે

ગુજરાત વિધાનસભાએ ગુજરાતના લોકોના પ્રશ્ર્નોને વાચા આપવા માટેનું લોકશાહીનું મંદિર છે. ગુજરાત વિધાનસભામાં થતી સંસદીય બાબતોની કાર્ય પ્રણાલીથી લોકો અવગત થાય તે માટે ખાસ ગુજરાત વિધાનસભાની યુ ટયુબ ચેનલ શરુ કરવામાં આવી છે. જેનું આજરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

ગુજરાત વિધાનસભાની આજે યુ ટયુબ ચેનલ શરુ કરાઇ છે. જેમાં ગૃહમાં ચાલતી કાર્યવાહીના વિડીયો ગુજરાત વિધાનસભાની યુ ટયુબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે અલબત આ ચેનલ પરના વિડીયો સેન્સર્ડ હશે. એટલે કે તમામ કાર્યવાહી લાઇવ બતાવવાને બદલે અમુક કાર્યવાહીના વિડીયો અને તે પણ સંકલન કરીને મૂકવામાં આવશે. ઘણી વાર વિધાનસભામાં ચર્ચા દરમિયાન સભ્યો બિનસંસદીય શબ્દોનો પોતાના ભાષણમાં ઉપયોગ કરે છે. તેથી આવા શબ્દોને અઘ્યક્ષ વિધાનસભાના રેકર્ડ પરથી દુર કરાવે છે. આ શબ્દો વીડીયો સ્વરુપે જાહેરમાં પ્રસારિત ન થાય.

તે માટે વિધાનસભાની કાર્યવાહીના વિડીયોનું સંકલન કરીને તેને પબ્લિક ડો મેઇનમાં મૂકવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચેનલનો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે. આ યુ ટયુબ ચેનલના માઘ્યમ થકી સંસદીય બાબતો પ્રજા સુધી પહોચશે. ગુજરાત વિધાનસભા ચેનલ માટે તૈયાર કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ આ ચેનલનું વિધિવત રીતે લોચીંગ કર્યુ છે. અને આ ચેનલની લિંક ગુજરાત વિધાનસભાની વેબસાઇટ પર પણ મૂકવામાં આવશે. જેમાં તમામ ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્ર્નો, મંત્રીઓએ આપેલા જવાબો, ગૃહમાં વિવિધ મુદાઓ પર થતી ચર્ચા વગેરે તેમાં દર્શાવાશે. વિધાનસભાની પોતાની વેબસાઇટ પર ગૃહની કાર્યવાહી સંદર્ભમાં દસ્તાવેજો નિયમિત મૂકાય તેવું નકકી કર્યુ છે.

અગાઉ ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું લાઇવ પ્રસાર કરી શકાતું હતું. પરંતુ ભૂતકાળની એક ઘટનાને કારણે તત્કાલીન અઘ્યક્ષે નિર્ણય લઇને તેમની મંજુરી સિવાય વિધાનસભાની અંદરની કાર્યવાહીના વિડીયો કે ફોટોગ્રાફ જાહેર કરવા પર પ્રતિબંધ મૂકયો હતો. હવે માત્ર બજેટના દિવસે નાણામંત્રીનું નિવેદન જ લાઇવ કરી શકાય છે.

અગાઉ ઘણા ધારાસભ્યોએ પોતાના વિસ્તારના લોકો સંબંધીત વિધાનસભા ગૃહમાં ઉઠાવેલા મુદાના વિડીયો સોશિયલ મીડીયા પર મુકવા દેવા મંજુરી માંગી હતી. પરંતુ માગ સ્વીકારાઇ ન હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.