Abtak Media Google News

આઇઆઈટીના વિદ્યાર્થીએ તૈયાર કર્યું રેડિએટિવ કૂલીંગ સિસ્ટમ: ઘરની છત પર લગાવી દેવાથી પરંપરાગત એરકન્ડિશનર્સના વિકલ્પ તરીકે કરશે કાર્ય

આગામી દિવસોમાં અથવા નવરાત્રીની આસપાસ ક્ધઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સ 8 ટકા સુધી મોંઘા થાય તેવી શક્યતાઓ છે. આ કારણે લોકોએ સ્માર્ટફોન, ટીવી, એસી, લેપટોપ વગેરે ખરીદવા માટે હજુ વધારે રૂપિયા ચુકવવા પડી શકે છે. ત્યારે આઈઆઈટી ગુવાહાટીના સંશોધકોએ એક એવું ’રેડિએટિવ કૂલર’ કોટિંગ મટીરિયલ વિકસાવ્યું છે જેના સંચાલન માટે વીજળીની જરૂર નહીં પડે. એર કન્ડિશનિંગ સિસ્ટમના વિકલ્પ સમાન આ સંશોધન કિંમતમાં પણ ખૂબ જ પરવડે તેવું હશે.

આ મટીરિયલ એક ઈલેક્ટ્રિસિટી ફ્રી કૂલીંગ સિસ્ટમ તરીકે કામ આપશે. તેને ઘરની છત પર લગાવી દેવાથી તે દિવસ અને રાત્રિ દરમિયાન પરંપરાગત એર કન્ડિશનર્સના વિકલ્પ તરીકે કામ આપશે.  આઈઆઈટી ગુવાહાટીમાં રિસર્ચ સ્કોલર આશિષ કુમાર ચૌધરીએ જણાવ્યું કે, અત્યારે આ કૂલિંગ સિસ્ટમ દિવસના સમયે પૂરતી ઠંડક આપવા માટે સક્ષમ નથી. તેઓ આ સમસ્યાનું નિરાકરણ શોધીને એક પોષાય તેવી કિંમતની વધુ સક્ષમ રેડિએટિવ કૂલીંગ સિસ્ટમ વિકસાવવા માટે પ્રયત્નશીલ છે જે ચોવીસે કલાક કામ આપી શકે.

તેમનું આ સંશોધન યુકેમાં આઈઓપી પબ્લિશિંગના ’જર્નલ ઓફ ફિઝિક્સ ડી: અપ્લાઈડ સાયન્સ’માં છપાયું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના આસિસ્ટન્ટ પ્રોફેસર દેવવ્રતે જણાવ્યું કે, આ પ્રકારના રેડિએટિવ કૂલર્સને તેના સંચાલન માટે કોઈ પણ પ્રકારના બાહ્ય એનર્જી સ્ત્રોતની જરૂર નથી પડતી. ઠંડક મેળવવા માટેની પરંપરાગત ટેક્નોલોજીમાં જે ગરમી કે ઉષ્મા બને તે આજુબાજુના વાતાવરણમાં ઠલવાતી હતી પરંતુ રેડિએટિવ કૂલીંગ એક અનન્ય પ્રક્રિયા છે.

આ સંશોધનમાં સામેલ ટીમના કહેવા પ્રમાણે એક વખત આ વસ્તુ બજારમાં પહોંચશે ત્યાર બાદ મોટાપાયે પ્રોટોટાઈપ વિકસાવી શકાશે તથા વિવિધ આબોહવા અંતર્ગત તેનું પરીક્ષણ કરી શકાશે. નવું સંશોધિત મટીરિયલ વધુ પ્રમાણમાં સૌર વિકિરણોને પોતાનામાં સમાવી શકે છે અને દિવસ દરમિયાન તેનું ઓછા પ્રમાણમાં ઉત્સર્જન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.