રાજકોટના એટીએમ ઉપર રાત્રીના સમયે વગર કાર્ડે ‘પૈસા’ મળશે!!!

ચોકીદારોની બેદરકારી હરામખોરો માટે મોકળુ મેદાન સર્જી રહ્યું છે !

બેન્કિંગ વ્યવસ્થાને સતત ધબકતી રાખવા તેમજ લોકોની સવલત માટે બેંકો દ્વારા ઠેર ઠેર એટીએમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાતી હોય છે. લોકો ગમે તે સમયે, ગમે તે સ્થળેથી પોતાના નાણાંની લેવડ – દેવડ બેંક સાથે કરી શકે તે માટે એટીએમ અને કેશ ડિપોઝીટ સુવિધા ઠેર ઠેર ઉભી કરવામાં આવી છે. આ પ્રકારના મશીનો બેંકોના ખજાના સમાન હોય છે કારણ કે, એટીએમ અને કેશ ડિપોઝીટ મશીન નાણાંથી ’છલોછલ’ રાખવા પડતા હોય છે જેથી લોકોએ ધક્કા ખાવા પડે નહીં. જ્યારે મોટી મતા મશીનના હવાલે હોય ત્યારે તેની સુરક્ષાની પૂરતી સગવડતા કરવી તે પણ જરૂરી હોય છે કારણ કે, અંતે નાણાં તો પ્રજાના  જ હોય છે. જેના માટે મોટાભાગની બેંકો દ્વારા ૨૪X૭ કાર્યરત એટીએમ મશીન ખાતે સતત સિક્યુરીટી ગાર્ડને તૈનાત રાખવામાં આવતો હોય છે. આ પ્રકારની બેંકની શાખાઓ ખાતે તિસરી આંખ સ્વરૂપે સીસીટીવી કેમેરા કાર્યરત હોય છે પરંતુ પાણી પૂર્વે પાળ બાંધવા સિક્યુરીટી ગાર્ડને તૈનાત રાખવામાં આવતો હોય છે. તેમાં પણ ખાસ સિક્યુરીટી ગાર્ડની જરૂરિયાત રાત્રીના સમયે વધુ રહેતી હોય છે. અવાર નવાર તસ્કરો અને ચોરો એટીએમ મશીનો ખાતે તરખાટ મચાવી જતા હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. બેંકના નાણાં જે મૂળ પ્રજાના હોય છે તેની ચોરી જવાનો મોકો ચોરો ક્યારેય મુકતા નથી. સીસીટીવી કેમેરાના માધ્યમથી ઘટના બાદ આરોપીની ઓળખ કરી લેવામાં આવતી હોય છે પરંતુ જેટલા સમયમાં આરોપીની ઓળખ થાય એટલી વેળામાં આરોપી જિલ્લામાંથી નાસી છુટતો હોય છે ત્યારે આવી ઘટનાઓને થતી અટકાવવા બેંકો દ્વારા સિક્યુરીટી ગાર્ડને ઠેર ઠેર તૈનાત કરવામાં આવતા હોય છે.

સિક્યુરીટી ગાર્ડની જરૂરી સૌથી વધુ રાત્રીના સમયે પડતી હોય છે કારણ કે, દિન દહાડે કોઇ અઘટિત ઘટના બનવાની શકયતા જૂજ હોય છે પરંતુ રાત્રીના અંધારામાં સુમસાન – વેરાન પરિસ્થિતિનો લાભ લઈને તસ્કરો ત્રાટકતા હોય છે. ત્યારે ફરજ પરના સિક્યુરીટી ગાર્ડે રાત્રીના સમયમાં વધુ સચેત અને સજાગ રહેવાની જરૂર હોય છે પરંતુ વાસ્તવિકતા ખરેખર કંઈક અલગ જ છે. શું રાજકોટ શહેરમાં એટીએમ ખાતે ફરજ બજાવતાં સિક્યુરીટી ગાર્ડ તેમની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે કે કેમ? તે અંગે ’અબતક’ દ્વારા રાજકોટ શહેરના વિવિધ એટીએમ ખાતે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

ચોરોને ચોરીની સાથે સાયકલની સગવડતા ફ્રી મળશે !

રાજકોટ શહેરના હાર્દસમાન વિસ્તાર ઢેબર રોડ ખાતે બેંક ઓફ બરોડાનું એટીએમ આવેલુ છે ત્યાં રિયાલિટી ચેક વેળાએ રજાકભાઈ નામના સિક્યુરીટી ગાર્ડ વિલાસની મુદ્રામાં ઝડપાયા હતા. બેંકમાં બે ખુરશીઓ નાખી નિરાંતે સિક્યુરીટી ગાર્ડ આરામ ફરમાવી રહ્યો હતો. સિક્યુરીટી ગાર્ડ નિરાંતે આરામ ફરમાવી રહ્યો હતો પરંતુ તેની સાથોસાથ ગાર્ડે બહાર સાયકલ પણ રાખી હતી જેથી ચોરોને ચોરી કર્યા બાદ નાસી છૂટવા માટે વાહનની જરૂર પડે તો સાયકલ લઈને ભાગી શકે. તેમને આ બાબતે પૂછતા ચોંકવનારી વિગતો આપતા કહ્યું હતું કે, હું અહીં ફરજ નથી બજાવતો. અહીં સંદીપભાઈ નામના સિક્યુરીટી ગાર્ડ ફરજ બજાવે છે જેઓ આજે રજા પર છે એટલે તેમણે મને અહીં ફરજ બજાવવા કહ્યું હતું જેથી હું અહીં આવ્યો છું. જેથી સ્પષ્ટ થાય છે કે, બંને સિક્યુરીટી ગાર્ડને તેમની જવાબદારી અંગે કોઈ ભાન જ નથી. તેમણે કહ્યું હતું કે, હું દિવસ દરમિયાન અન્ય બેંકમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવું છું જેથી રાત્રીના સમયે ફરજ દરમિયાન ઊંઘ કરી લઉં છું. અગાઉ તેમણે કહ્યું કે, હું અહીં છેલ્લા કેટલાક દિવસથી અવેજી બનીને ફરજ બજાવું છું જે બાદ તેમણે યુ ટર્ન મારતા કહ્યું હતું કે, ફક્ત આજે એક જ દિવસ માટે અહીં ફરજ બજાવવા આવ્યો છું.

બારમો પ્લેયર પાણી આપવાની બદલે મેદાનમાં ઉતર્યા જેવો ઘાટ

રાજકોટની એસ્ટ્રોન ચોક ખાતે આવેલી આઇસીઆઇસીઆઇ બેંકની ઇ કોર્નર ગેલેરી ખાતે રિયાલિટી ચેક કરતી વેળાએ અબતકની ટીમને ચોંકાવનારી વિગતો સામે આવી હતી. રિયાલિટી ચેક સમયે અહીં આ ગાર્ડ મળી આવ્યા ન હતા પરંતુ તેમની જગ્યાએ ૧૨ પ્લેયર તરીકે કોઈ અન્ય જ વ્યક્તિજે આસપાસ બીજે ક્યાંય સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો જવાન મસ્ત ખુરશીમાં ચાદર ઓઢીને ઊંઘ કરી રહ્યો હતો. આ ગાર્ડે વાતચીતમાં જાતે જ સ્વીકાર્યું હતું કે, હું અહીં નજીકમાં અન્ય સ્થળે ફરજ બજાવું છું પણ અહીંના સિક્યુરીટી ગાર્ડ કે જેનું નામ કિશોરસિંહ જાડેજા છે તેની નોકરી છે પણ તેમણે મને અહીં બેસવાનું કહ્યું હતું એટલે હું અહીં બેઠો છું અને તેઓ આસપાસમાં ક્યાંક તાપણું કરી રહ્યા છે. સિક્યુરીટી ગાર્ડે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, હું તો અહીં નજીકમાં ફક્ત બે જ દિવસથી નોકરી કરી રહ્યો છું પણ કિશોરસિંહે મને કહ્યું એટલે હું ઊંઘી રહ્યો છું. આ દરમિયાન કિશોરસિંહ જાડેજા નામનો સિક્યુરીટી ગાર્ડ આવી પહોંચ્યો હતો.જેણે કહ્યું હતું કે, હું નજીકમાં ચા લેવા ગયો હતો જેથી અહીં અન્ય સિક્યુરીટી ગાર્ડને તૈનાત કર્યા હતા પરંતુ મને ખબર ન હતી કે તેઓ અહીં ઊંઘી જશે. સિક્યુરીટી ગાર્ડને તેની ભૂલનો અહેસાસ કરતા તેમણે સ્વીકાર્યું હતું કે, આ સમયગાળા દરમિયાન કોઈ અઘટિત ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી મારી રહે છે.

નોકરી નેવે મૂકી રખેવાળ વામકુક્ષીમાં મસ્ત છે !

રાજકોટના બાલાજી હોલ ખાતે આવેલી બેંક ઓફ બરોડાની રીંગ રોડ શાખાની ઇ ગેલેરી ખાતે તો જાણે રખેવાળને કંઈ પડી જ ન હોય તે રીતે તેઓ એટીએમમાં જ ગાદલા પાથરી અને ધાબળા ઓઢીને વામકુક્ષી કરી રહ્યા હતા. રજાકભાઈ નામના રખેવાળ ગ્લોબલ મેન પાવર્સ સિક્યુરીટી એજન્સી વતી ફરજ બજાવતા ગાર્ડ અહીં કોઈ પણ જાતની ચિંતા વિના નસકોરા ખેંચી તસ્કરો અને ચોરોને એટીએમ લૂંટી જવા નોતરું આપી રહ્યા હતા. રખેવાળના નસકોરાનો અવાજ છેક રોડ સુધી સંભળાય તે રીતે ગાર્ડ ઊંઘ કરી રહ્યો હતો. તેમની સાથે વાત કરવા જતા પ્રથમ તો તેમણે વાત કરવાનું ટાળતા ધાબળાથી મોઢુ ઢાંકી લીધું હતું પરંતુ પછી ભૂલનો અહેસાસ થતા રખેવાળ ચાર પગે એટીએમની બહાર નીકળવા પ્રયત્નો કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, હું કંઈ દરરોજ આવી રીતે સૂતો નથી પરંતુ ગાદલા, ધાબળા, ઓશિકા સહિતની સુવાની તમામ વ્યવસ્થાઓ દરરોજ સાથે લઈને આવું છું. એમની આ વાત પણ સાચી છે કે, અચાનક ઊંઘ આવે તો શું કરવું જેથી પૂર્વ તૈયારી જરૂરી છે. એટીએમની સુરક્ષા અંગે સવાલ કરતા તેમણે હવાતિયાં માર્યા હતા.

ચોર કે ચોકીદાર?

કેન્દ્ર સરકારની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખાઓ ખાતે પણ સિક્યુરીટી ગાર્ડ લાલીયાવાડી જ ચલાવી રહ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ભક્તિનગર શાખા ખાતે રાત્રીના અંદાજે ૧૨ વાગ્યાના અરસામાં ફરજ પર રહેલો સિક્યુરીટી ગાર્ડ  બેભાન હાલતમાં હોય તે રીતે નિંદ્રા કરી રહ્યો હતો. જે રીતે સિક્યુરીટી ગાર્ડ રાત્રીના સમયે ઊંઘી રહ્યો હતો તે જોતા પ્રથમ નજરે તો ચોક્કસ એવો સવાલ આવે કે આ ચોર છે કે ચોકીદાર ? અંધારા ખૂણામાં એટીએમની બાજુમાં ખુરશી નાખીને, માથે ટોપી પહેરી, આખા શરીરમાં ધાબડી લપેટીને ચોકીદાર ચૈનની નીંદમાં હતો. ગાર્ડે વાતચીતમાં જણાવ્યુ હતું કે, અહીં દરરોજ રાત્રીના ૮ થી સવારના ૮ વાગ્યા સુધી ચોકીદારીની નોકરી કરે છે. ગાર્ડે પોતે સ્વીકાર્યું હતું કે, દરરોજ આ પ્રકારે તે ઊંઘી જતો નથી, ૨-૩ વાગ્યા સુધી પોતે જાગતો હોય છે જેથી ’ગ્લાસ અડધો ખાલી છે તો અડધો ભરાયેલો પણ છે’ જેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. ગાર્ડને તેની સિક્યુરીટી કંપની વિશે પૂછતાં તે ઘેઘે… પેપે… થઈ ગયો હતો. સતત ત્રણવાર પૂછ્યા બાદ પણ ગાર્ડે કહ્યું હતું કે, મને અમારી કંપનીનું નામ હૈયે છે પણ હોઠે આવતું નથી. ચોકીદારની ઘોર બેદરકારીને લીધે  એટીએમની સલામતી અંગે પ્રશ્નો ઉદ્દભવ્યા છે.

‘નઝર હટી દુર્ઘટના ઘટી’: ઊંઘને કારણે પોતાનું જ વાહન ચોરાયું છતાં ચોકીદારને ‘અક્કલ’ ન આવી!!

રાજકોટની શારદાબાગ સ્થિત એચડીએફસી બેંકના એટીએમ ખાતે તો ઘોર બેદરકારીભરી ઘટના સામે આવી હતી. અહીં મોડર્ન ફેસિલિટીઝ મેનેજમેન્ટ લિમિટેડ એજન્સીના હર્ષદ વાજા નામનો ગાર્ડ ફરજ બજાવે છે. જે ગાર્ડ અગાઉ ફરજ દરમિયાન ઊંઘી જતા તેનું પોતાનું વાહન ચોરાઈ ગયું હતું પરંતુ તેમ છતાં ચોકીદારને અક્કલ ન આવી. આ ઘટના બાદ પણ ચોકીદારને દીવાલનો ટેકો મળતા ગાઢ નિંદ્રામાં ગરકાવ થઈ ગયો હતો. તેણે આ અંગે સવાલ પૂછતાં

’ચોરી પછી સીનાજોરી’ કરતા કહ્યું હતું કે, રાત્રીના સમયમાં અમુક ગાળો એવો હોય છે કે, ત્યારે આંખ બંધ થઈ જતી હોય છે. ગાર્ડે ડોકટર બનતા કહ્યું હતું કે, આ સમસ્યા મારી કે તમારી નહીં પરંતુ સૌની છે. તમામ લોકો આ સમસ્યાથી પીડાતા હોય છે. માનવશરીર રાત્રીના સમયમાં એકાદ વાર તો ઊંઘી જ જાય છે અને મારી સાથે પણ કંઈક એવું જ બન્યું. હું સામાન્ય રીતે તો ફરજ દરમિયાન ઊંઘતો નથી પણ ક્યારેક આવી રીતે ઊંઘ આવી જતી હોય છે જેમાં મારો કોઈ વાક નથી. ગાર્ડે સ્વીકાર્યું હતું કે, અહીંની તમામ સુરક્ષાની જવાબદારી મારી હોય છે. અમારું કામ જ્વાબાદરીવાળી નોકરી છે પણ કયારેક ઊંઘ આવી જાય તો શુ કરવું ?

એસબીઆઈનું ઇ-કોર્નર ‘રામ ભરોષે’!

કેન્દ્ર સરકારની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એટીએમ અને ઇ – કોર્નરો જાણે રામ ભરોષે છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટના કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે આવેલી એસબીઆઈની ઇ-કોર્નર ખાતે રિયાલિટી ચેક કરતા શાખા ખાતે એટીએમ અને કેશ ડિપોઝીટ મશીન ચાલુ અવસ્થામાં મળી આવ્યા હતા. બે કેશ ડિપોઝીટ અને બે એટીએમ મશીનથી સજ્જ શાખા ખાતે સુરક્ષા વ્યવસ્થાના નામે જાણે  કશું જ ન હોય તે રીતે કોઈ ચોકીદાર ધ્યાને આવ્યો ન હતો. બેંક આટલી મોટી ઇ-કોર્નર ખાતે શા માટે ગાર્ડ નથી રાખતી? અથવા બેંકે ગાર્ડ અપોઇન્ટ કર્યા હોય તો કેમ ગાર્ડ ત્યાં હાજર ન હતો ? તે સવાલ ઉદ્ભવી રહ્યો છે.