યુવા ભાજપ સન-ડે, સ્લમ-ડે અભિયાન શરૂ કરશે: કિશન ટીલવા

મેયર ડો.પ્રદિપ ડવ અને રાજકોટ શહેર યુવા ભાજપના નવનિયુક્ત પ્રમુખ કિશન ટીલવા મહામંત્રી, કુલદીપસિંહ જાડેજા અને હેમાંગ પીપળીયા ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

યુવા ભાજપની ટીમ એક સપ્તાહમાં જાહેર કરી દેવાશે: યુવાધનને ભાજપની વિચારધારા સાથે જોડવા કોલેજ કેમ્પસ અને હોસ્ટેલમાં ખાસ અભિયાન હાથ ધરાશે

અબતક, રાજકોટ

રાજકોટ શહેરમાં યુવા ભાજપ દ્વારા ઝુંપડપટ્ટી વિસ્તારોમાં આગામી દિવસોમાં સન-ડે, સ્લમ-ડે અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં યુવા ભાજપના કાર્યકરો દર રવિવારે ઝુંપડપટ્ટી વિસ્તારોની મુલાકાત લઇ ત્યાં સફાઇ અને સેવાકીય કાર્યો હાથ ધરશે. તેમ આજે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા રાજકોટ શહેર યુવા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા અને હેમાંગભાઇ પીપળીયાએ જણાવ્યું હતું. આ તકે મેયર ડો.પ્રદિપ ડવ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

શહેર ભાજપના નવનિયુક્ત હોદ્ેદારોએ વધુમાં ઉમેર્યું હતું કે ભાજપ દ્વારા જે નવી જવાબદારી સોંપવામાં આવી છે તે માટે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીનો આભાર વ્યક્ત કરીએ છીએ. આગામી દિવસોમાં પક્ષને વધુ મજબૂત બનાવવા માટે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેશું. યુવાધન ભાજપની વિચાર ધારા સાથે જોડાય તે માટે કોલેજ કેમ્પસ, હોસ્ટેલ સહિતના સ્થળોએ ખાસ અભિયાન ચલાવવામાં આવશે. વધુ યુવાનો રાષ્ટ્રવાદને વરેલા ભાજપ સાથે જોડાય તેવા પ્રયાસો કરવામાં આવશે. વિધાનસભાની આગામી ચુંટણીમાં રાજકોટની ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારો ઐતિહાસિક લીડથી જીતે તેવા પ્રયાસો કરવામાં આવશે.

પ્રમુખ કિશન ટીલવાએ જણાવ્યું હતું કે ભાજપની સંગઠન ખૂબ જ મજબૂત છે. સંગઠનમાં સ્થાન મળવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે વ્યક્તિમાં ઘડતર અને સંસ્કારનું સિંચન થાય છે. અગાઉ યુવા મોરચામાં રહેલા કેટલાક કાર્યકરો હાલ રાજ્ય સરકારમાં મંત્રી તરીકે ફરજ અદા કરી રહ્યાં છે. જેઓના અનુભવનો અમને લાભ મળી રહ્યો છે. આગામી એક સપ્તાહમાં યુવા ભાજપનું સંગઠન માળખું જાહેર કરી દેવામાં આવશે ત્યાર બાદ વોર્ડ વાઇઝ ટીમ અને કારોબારી પણ જાહેર કરવામાં આવશે. સેવાકીય ભાવના ધરાવતા યુવાનોને સંગઠનમાં તક આપવામાં આવશે.

‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમ્યાન મેયર ડો.પ્રદિપ ડવ, શહેર ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા અને હેમાંગભાઇ પીપળીયા ઉપરાંત કોર્પોરેટર પરેશ પીપળીયા, યુવા મોરચાના પૂર્વ પ્રમુખ પૃથ્વીસિંહ વાળા અને પૂર્વ મહામંત્રી હિરેન રાવલ ઉપસ્થિત રહ્યાં હતાં.

સફાઇ અભિયાનને આંદોલન સ્વરૂપે ચલાવાશે: મેયર

યુવા મોરચામાં જવાબદારી સંભાળી ચુકેલા અનેક કાર્યકરો હાલ સરકારમાં પ્રતિનિત્વ કરી રહ્યાં છે: ડો.પ્રદિપ ડવ

યુવા મોરચાની ટીમ સાથે આજે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા રાજકોટના પ્રથમ નાગરિક ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે રાજકોટ સફાઇમાં દેશનું  નંબર-1 શહેર બને તે માટે મહાપાલિકા દ્વારા સફાઇ અભિયાનને આંદોલન સ્વરૂપમાં ચલાવવામાં આવશે. તેઓએ ઉમેર્યું હતું કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નિર્ણયથી અગાઉ યુવા મોરચામાં હોદ્ેદાર તરીકે ફરજ બજાવી ચુકેલા અનેક કાર્યકરોને સરકારમાં પ્રતિનિત્વ પ્રાપ્ત થયું છે. ભાજપ દ્વારા નવી કેડર તૈયાર કરવામાં આવી રહી છે. યુવા ભાજપમાં હોદ્ેદાર રહી ચુકેલા હર્ષ સંઘવી અને અરવિંદ રૈયાણી આજે રાજ્ય સરકારના મંત્રી છે જ્યારે પ્રદિપસિંહ વાઘેલા સંગઠનમાં મહામંત્રી તરીકે મહત્વની જવાબદારી નિભાવી રહ્યાં છે. યુવાનોમાં નેતૃત્વના ગુણ વિકસે તેવા પ્રયાસો માત્ર ભાજપ દ્વારા કરવામાં આવે છે.