Abtak Media Google News

ગોંડલ લોકમેળામાં વીજશોક લાગતા બે યુવાનોના કરુણ મોત

જેતપુર મેળામાં આખલો ભૂરાયો થતા નાસભાગ

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી નિમિતે ઠેર ઠેર યોજાયેલ મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું જે મેળામાં અનેક દુર્ઘટના સામે આવી છે જેમાં ગોંડલના લોકમેળામાં સાતમના દિવસે બે આશાસ્પદ યુવાનોના વીજશોક લાગતા મોત નિપજ્યાં હતાં. ટીઆરબી જવાન ભૌતિક કીરીટભાઇ પોપટ લાઇટીંગ ટાવરને અડી જતાં તેમને વીજ કરંટ લાગ્યો હતો. ભૌતિકને બચાવવા દોડેલા નગરપાલીકાના ફાયરબ્રિગેડના કર્મચારી નરશીભાઈ ભુદાજી ઠાકોરને પણ જોરદાર કરંટ લાગતા બંન્ને યુવાનોનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

જ્યારે રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં ચાલી રહેલા લોકમેળામાં દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક યુવાન ચાલુ રાઈડ દરમિયાન નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જો કે, રાઈડ સંચાલકની સમય સુચકતા કારણે તાત્કાલિક રાઈડ બંધ કરી યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.લોકમેળાના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે આવેલી બીજી જ રાઈડમાં એક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં બ્રેક ડાન્સ નામની રાઇડમાં એક યુવક રાઇડની મજા માનતો હતો, ત્યારે અચાનક બીજી સેક્ધડે યુવક રાઇડમાંથી નીચે પટકાયો હતો અને માથાના ભાગે ઉપર ખાડો થઇ જતા ગંભીર ઇજા પહોંચી હતી. રાઇડ સંચાલકે સમય સુચકતા કારણે તત્કાલીન રાઈડ બંધ કરી યુવકને નીચે ઉતારી રાઇડના જ સંચાલકોએ નજીકમાં મેળાના ગેઇટ પાસે ઊભેલી મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

જ્યારે ગઈ કાલે મેળામાં આવેલા એક મોતના કુવામાં ચાલુ શો દરમિયાન એક કાર નીચે પટકાતા નાસભાગ મચી જવા પામ્યો હતો.જો કે સદનસીબે કોઈ જાનહાની ન થઈ હતી.ચાલુ શો દરમિયાન કારનું ટાયર નીકળી જતા દુર્ઘટના સર્જાઈ હતી.જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

જેતપુરમાં પણ લોકમેળો જામ્યો છે. જ્યાં ગત રાત્રે મેળામાં એક આખલો ઘૂસી જતા નાસભાગ મચી હતી. લોકોની બૂમાબૂમને કારણે આખલો વધુ ભૂરાયો થયો હતો. આથી બેકાબૂ બનેલા આખલાએ લોકોને શીંગડે ચડાવી ઉલાળ્યા હતા. લોકોની નાસભાગમાં બાળકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે એક બાળક તો તેના માતા-પિતાથી વિખૂટો પડી ગયો હતો. આખલાના આતંકને કારણે લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.