Abtak Media Google News

સમાધાન વેળાએ બહેન સાથે પ્રેમ સંબંધ રાખવા મુદ્દે કોળી યુવકને તેના પડોશી  આહીર શખ્સે છરીના ઘા ઝીંકયા’તા

યુવકનું સારવારમાં મોત થતા પોલીસે હત્યાના આરોપીને સંકજામાં લીધો

ઉપલેટના કાદી વિસ્તારમાં પ્રેમ સંબંધ રાખવા મુદ્દે કોળી યુવકને તેના જ પડોશીએ આહીર યુવાને છરીની એક ઘા ઝીકી જીવલેણ હુમલો કરતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ચાલુ સારવાર દરમિયાન યુવકનું  મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. ઉપલેટા પોલીસે દોડી જઇ મૃતદેહને પી.એમ અર્થે ખસેડી હત્યાની કલમનો ઉમેરો કર્યો છે.હત્યાના બનાવ અંગે દિલીપ જગુ પરમાર  ( ઉ.વ ૫૨ ) ની ફરિયાદ પરથી ઉપલેટા પોલીસે પાડોશમાં રહેતા હાર્દિક જીવા સોલંકી વિરુદ્ધ આઈ.પી.સી ૩૦૨ , ૩૨૬, ૫૦૪,૫૦૬, ૪૪૭ , જાહેરનામા ભંગની કલમો હેઠળ ગુનો નોંધી નોંધ્યો છે. પી.આઈ કે.જે. રાણાની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સોમવારના દિવસે મહેન્દ્ર ઉર્ફ બાવનજી પરમાર ,તેનો પુત્ર રાજેશ, ભાવેશ પરમાર બધા પોતાના ઘરે બેઠા હતાં. ત્યારે પાડોશમાં રહેતા હાર્દિક જીવ સોલંકીએ ધસી આવી ’ આ અમિત પરમાર ક્યાં છે, મારી બહેન આરતી આહીરને કેમ ૧૫ દિવસથી ફોન કરે છે, તેને બોલાવો હું જોઈ લઈશ’ કહી કોળી પરિવાર સાથે ઝગડો કર્યો હતો.’ મારો દીકરો ફર્નિચરની દુકાને ગયો છે, હમણાં બોલવું છું’કહી કોળી પરિવારે હાર્દિક સોલંકીને સમજાવટ કરી હતી. બાદમાં અમિત પરમાર પોતાના ઘરે આવી જતા હાર્દિક આહીર સાથે  પ્રેમ સંબંધ મુદ્દે સમજાવટ કરી સમાધાન કર્યું હતું. બાદમાં હાર્દિક સોલંકી ઘરની બહાર નીકળી ગયા બાદ ફરી કોળી પરિવારના ઘરમાં પ્રવેશ કરી ખુરશી પર બેઠેલા અમિત પરમારના પેટના ભાગે છરીનો જીવલેણ ઘા ઝીકી દઈ ’ હવે તું વાત કરીશ , જાનથી મારી નાંખીશ ’ કહી ભૂંડા ગાળો આપી નાશી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા અમિત પરમારને બાઇકમાં બેસાડી તેના કૌટુંબિક વનરાજ ઝીંઝુવાડિયા, અજય પરમારે સારવાર અર્થે માણાવદર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં કોળી યુવકની તબિયત લથડતા વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવ અંગેની જાણ થતાં પી.આઈ કે.જે.રાણાની ટીમે  સિવિલ હોસ્પિટલ ખાતે દોડી જઇ મૃતદેહને પી.એમ અર્થે ખસેડયો હતો.હાલ ઉપલેટા પોલીસે હત્યા નિપજાવનાર હાર્દિક સોલંકીને સંકજામાં લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.