જેતપુરમાં લીફટ આપતા યુવક લૂંટાયો: સોનાનો ચેન અને મોબાઇલ લૂટી લીધા

સાત શખ્સોએ આંતરી ઢીકાપાટુ મારી રૂ 60 હજારની મત્તા લૂંટી સાતેય શખ્સો ફરાર

જેતપુરના સીસીટીવી કેમેરા અને સાડી છાપ કામના મશીનનું રિપેરીંગ કરતા યુવાને અજાણ્યા યુવાનને બાઇકમાં લીફટ આપ્યા બાદ થોડે દુર બાઇક ઉભુ રખાવી સાત જેટલા સાગરીતો સાથે મળી રૂા.60 હજારની મત્તાના મોબાઇલ અને સોનાના ચેનની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુરના સેલુકા ગામે રહેતા ચિરાગ કાંતીભાઇ રાદડીયા નામના 28 વર્ષના પટેલ યુવાને સાત અજાણ્યા શખ્સોએ સોનાનો ચેન અને મોબાઇલ લૂંટી લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ચિરાગ રાદડીયા ગઇકાલે બાઇક પર શ્રધ્ધા આર્ટ નામના કારખાને મશીન રિપેરીંગ કરી પરત આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં અજાણ્યા યુવાને લીફટ માગી બાઇકમાં બેસી ગયો હતો. થોડે દુર પહોચ્યા ત્યારે પાછળ બેઠેલા અજાણ્યા શખ્સે ચાલુ બાઇકે છરી બતાવી બાઇક ઉભુ રખાવી અન્ય છ જેટલા સાગરીતો સાથે મળી રૂા.60 હજારની કિંમતના સોનાના ચેન અને મોબાઇલની લૂટ ચલાવી ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.