યુવા ભાજપ દ્વારા કાલે 8 મહાપાલિકા 156 નગરપાલિકામાં રન ફોર ડેવલપમેન્ટ મેરેથોન દોડ

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સુરતમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અમદાવાદમાં આવશે દોડને લીલીઝંડી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની ભાજપ દ્વારા સેવા પખવાડીયા તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત યુવા ભાજપ દ્વારા આવતીકાલે રવિવારે રાજ્યની આઠ મહાપાલિકા અને 156 નગરપાલિકાઓમાં રન ફોર ડેવલપમેન્ટ મેરોથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના એક લાખથી પણ વધુ યુવાનો ઉત્સાહભેર સામેલ થશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સુરત ખાતે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અમદાવાદમાં મેરોથોન દોડને લીલીઝંડી આપશે.

આ અંગે વધુ માહિતી આપતા પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો.પ્રશાંતભાઇ કોરાટે જણાવ્યું હતું કે ગુજરાતના પનોતાપુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે યુવા મોરચા દ્વારા 2 ઓકટોબર સુધી સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ભારતમાં ભાજપના યુવા મોરચાના કાર્યકરો દ્વારા અનેક સેવાકીય કાર્યો યોજાઇ રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા વિવિધ કાર્યોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ રાજ્યભરમાં આશરે 322 બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમા માત્ર એક દિવસમાં 23763 બ્લડની બોટલનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું.

યુવા મોરચાના સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા 25 સપ્ટેમ્બરના રોજ રન ફોર ડેવલોપમેન્ટ મેરોથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમા 8 મહાનગર પાલિકા અને 156 નગરપાલિકામાં મેરોથોન દોડ યોજાશે. જેમા એક લાખથી વધુ યુવાનો ભાગ લેશે. મેરોથન દોડમાં 18 થી 25 વર્ષના યુવાનો વધુમાં વધુ જોડાય તેવા પ્રયાસ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં યુવાનોને ટી-શર્ટ આપવામાં આવશે. વલસાડની અંદર બીચ મેરોથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સુરત ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તો કર્ણાવતી ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહેશે.

અમદાવાદમાં કાંકરિયા તળાવ ખાતે ગાંધીનગરમાં ધ-6 ખાતે, જામનગરમાં તળાવની પાળ ખાતે, જૂનાગઢમાં બાહુદિન કોલેજ ખાતે, ભાવનગરમાં રૂપાણી સર્કલ ખાતે, રાજકોટમાં રેસકોર્ષ રિંગ રોડ ખાતે, સુરત વીએનજીયુ ગેટથી જ્યારે વડોદરામાં સુર સાગર તળાવ ખાતેથી મેરોથોન દોડનો આરંભ થશે.