યુસુફ પઠાણે ક્રિકેટના તમામ ફોર્મેટ્સમાંથી લીધી નિવૃત્તિ, સોશિયલ મીડિયા શેર પર કરી ભાવુક પોસ્ટ

ભારત તરફથી ક્રિકેટ રમનારા ઓલરાઉન્ડર યુસુફ પઠાણે ક્રિકેટના તમામ ફોર્મેટ્સમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. આ ભાવુક ક્ષણે, તેમણે તેમના પરિવાર, મિત્રો, ચાહકો, ટીમ, કોચ અને સમગ્ર દેશને ખૂબ જ પ્રેમ આપ્યો તે માટે તેમને હૃદયપૂર્વક આભાર માન્યો. સાથે તેમણે એક નોટ પણ શેર કરી છે જેમાં તેમણે લોકો સાથે પોતાની યાદો શેર કરી છે. યુસુફ પઠાણ ભારતીય ફાસ્ટ બોલર ઇરફાન પઠાણનો ભાઈ છે.

યુસુફ પઠાણે ટ્વીટર પર શેર કરેલી નોટ લખ્યું છે કે, મને હજીપણ એ દિવસ યાદ છે જ્યારે મેં પહેલી વાર ભારતની જર્સી પહેરી હતી. મેં ફક્ત જર્સી જ નહોતી પહેરી પરંતુ મારા પરિવાર, કોચ, મિત્રો અને આખા દેશની આશાઓને મારા ખભા પર રાખી હતી. નાનપણથી જ મારું જીવન ક્રિકેટની આજુબાજુ ફરે છે. મેં આંતરરાષ્ટ્રીય, ઘરેલું અને આઈપીએલ ફોર્મેટમાં રમ્યું છું. પરંતુ આજે પરિસ્થિતિ જુદી છે. આજે પણ વર્લ્ડ કપની ફાઇનલ કે આઈપીએલની ફાઇનલ નથી, પરંતુ આજે પણ મહત્વનો દિવસ છે. હવે સમય આવ્યો છે કે મારે આ યાત્રા અહીં રોકાવી જોઈએ. હું ક્રિકેટના તમામ સ્વરૂપોથી સત્તાવાર રીતે નિવૃત્તિ લેવાની જાહેરાત કરું છું.

2007માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું

ગુજરાતના વડોદરામાં જન્મેલા યુસુફે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વન-ડે ડેબ્યૂ કર્યું હતું. 24 સપ્ટેમ્બર 2007 ના રોજ તેણે પાકિસ્તાન સામે ટી 20 રમ્યા હતા. યુસુફ પઠાણે 2008માં વન-ડે ડેબ્યૂ કર્યું હતું. તે આક્રમક અને ઝડપી ગતિવાળો ખેલાડી તરીકે જાણીતો હતો. જોકે, તે વધુ સમય રમી શક્યો નહીં અને કોઈ વિશેષ રેકોર્ડ બનાવી શક્યો નહીં. યુસુફે 57 વન-ડે અને 22 ટી 20 મેચ રમી હતી. તે 2007ની ટી 20 વર્લ્ડ કપ ટીમનો પણ ભાગ હતો. યુસુફે માર્ચ 2012માં તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ રમી હતી. યુસુફે 2019માં આઈપીએલની છેલ્લી મેચ રમી હતી.