Abtak Media Google News

સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણ ફેલાયું છે. વિશ્વના અનેક શહેરો-રાજ્યો અને દેશોમાં સંક્રમણની પરિસ્થિતિને અટકાવવા માટે લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું છે. અનેક દેશોમાં કોરોના સંક્રમણને કારણે લોકો ટપોટપ મરી રહ્યાં છે. ત્યારે પ્રજામાં ભયનો માહોલ ઉભો થયો છે. તેવા સમયમાં અનેક લોકો દુબઈ જઈને વસવાટ કરવાનો વિચાર કરી રહ્યા છે. ખાસ ભારતમાંથી પણ અનેક લોકો દુબઈ તરફ હિજરત કરી રહ્યા છે કે, જ્યાં કોરોના સંક્રમણ નહિવત પ્રમાણમાં છે અને ત્યાં લોકોને વિવિધ સુવિધાઓ સાથે રોયલ લાઈફ સ્ટાઈલ પણ મળશે તેવી ધારણા સાથે લોકો દુબઈ તરફ દોટ લગાવી રહ્યા છે પરંતુ રણમાં ઝાંઝવાના જળ સમાન દુબઈ ફક્ત લાલચ બતાવી મૂર્ખ બનાવી શકે છે પરંતુ શીતળ જળ આપી તરસ છુપાવી શકે નહિ.

દુબઈ એક માયા નગરી સમાન રાજ્ય છે.  જેના સંદર્ભે અમુક ઘટનાઓની ચર્ચા કરવામાં આવે તો દુબઈના શેખ જો પોતાની દીકરીને મારી નાખવાનો પ્રયત્ન કરતા હોય તો પછી આવા રાજાને તેમની જનતા પ્રત્યે કેટલો લગાવ હોય તે સમજી શકાય છે. દુબઈ એક એવું રાજ્ય છે કે, ત્યાં આગળ વસવાટ કરનારા લોકોએ દુબઈને ફરજિયાતપણે ટેક્સ અથવા એક યા બીજી રીતે પૈસાની ચુકવણી કરવી પડતી હોય છે. અન્યથા પૈસાની ચુકવણી નહીં કરનાર નાગરિકને તેમના મૂળ વતન ભેગો કરી દેવામાં આવે છે. જેના કારણે માયાનગરી દુબઈમાં મોટા ભાગે સ્મગલર, માફિયા અને કસીનો સંચાલકો જ વસવાટ કરી શકે છે. સામાન્ય નાગરિક માટે દુબઈમાં રહેવું એટલે લોઢાના ચણા ચાવવા સમાન ગણી શકાય છે.

આ તમામ બાબતોની નકારાત્મક અસર કોઈપણ દેશના અર્થતંત્ર અને વેપારને ચોક્કસથી થતો જ હોય છે. ત્યારે દુબઈની જો વાત કરવામાં આવે તો એક સમયે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 230 ટકાનો ઉછાળો નોંધાયો હતો જ્યારે બીજી બાજુ એક તબક્કામાં કુલ વેપારના 40 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. દુબઈ ખાતે સતત નાણાની હેરફેર યથાવત રહે, રિયલ એસ્ટેટ ક્ષેત્રને ફટકો ન પડે તેના માટે સતત રિયલ એસ્ટેટ ક્ષેત્રના અનેક પ્રોજેક્ટનો વૈશ્વિક સ્તરે બ્રાન્ડિંગ કરવામાં આવતું હોય છે. આધુનિક ટેકનોલોજીયુક્ત બિલ્ડીંગો અને લકઝરીયસ જીવનશૈલીની લાલચ આપીને લોકોને દુબઇ તરફ આકર્ષવામાં આવતા હોય છે. જેની અમુક સમયે હકારાત્મક તો ક્યારેક નકારાત્મક અસર પણ જોવા મળતી હોય છે. ખાસ દુબઈ અને સમગ્ર વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલિફાની જો વાત કરવામાં આવે તો વર્ષ 2013માં પ્રતિ સ્ક્વેર ફૂટ બુર્જ ખલીફા ખાતે જગ્યાની કિંમત 1300 યુએસ ડોલર જેટલો હતો પરંતુ હાલ બુર્જ ખલીફાની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયો છે. હાલ બુર્જ ખલીફા ખાતેની કિંમત ફક્ત 400 યુએસ ડોલર પ્રતિ સ્ક્વેર ફૂટ સુધી પહોંચી ગઈ છે.

કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં દુબઈ કોરોનામુક્ત રાજ્ય તરીકે ઉપસી આવવા પ્રયત્ન કરી રહ્યું છે. હાલ દુબઈ દ્વારા સમગ્ર વિશ્વમાં એક એવો સંદેશ પહોંચાડવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે કે, કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં દુબઈ વેકેશન માટે સૌથી શ્રેષ્ઠ સ્થળ છે. જ્યાં લક્ઝરીયસ જીવનશૈલીની સાથે કોરોનામુક્ત વાતાવરણ પણ મળશે. આ તમામ માર્કેટિંગ ફક્ત તેના રિયલ એસ્ટેટ ક્ષેત્રને જીવંત રાખવા માટે છે નહિ કે લોકોની સલામતી અને લક્ઝરિયસ જીવનશૈલી માટે કેમકે,  જે રીતે દિનપ્રતિદિન દુબઈની વિશ્વસનીયતા સમગ્ર વિશ્વમાં ઘટી રહી છે તેના કારણે બની શકે છે કે આગામી ટૂંક સમયમાં દુબઈ ફક્ત માફિયાઓ અને સ્મગલરનો અડ્ડો બની ને રહી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.