- 150 ફૂટ રીંગ રોડ પર આર.કે.આઇકોનીક બિલ્ડીંગમાં ઝેપ્ટોના ગોડાઉનમાંથી 35 કિલો માંસ અને ઇન્ફીનીટી બિલ્ડીંગમાં સ્વિગીના ગોડાઉનમાંથી 60 કિલો નોનવેજનો જથ્થો પકડાયો: બંને ઓનલાઇન ફૂડ ડિલેવરી કંપનીને રૂ.10-10 હજારનો દંડ ફટકારતું કોર્પોરેશન
મહા શિવરાત્રિના પર્વ નિમિતે આજે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં કતલખાના બંધ રાખવા માંસ, મટન અને મચ્છીનું વેંચાણ બંધ કરવા અંગે કોર્પોરેશન દ્વારા જાહેરનામું પ્રસિદ્વ કરવામાં આવ્યું છે. દરમિયાન ઓનલાઇન ફૂડ ડિલેવરી કરતી કંપનીઓ દ્વારા આ જાહેરનામાનો ઉલાળીયો કરીને ઓનલાઇન ઓર્ડર લઇ નોનવેજનો જથ્થો ગ્રાહક સુધી પહોંચાડવામાં આવતો હોવાની ઘટનાનો પર્દાફાશ આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો.જયેશ વંકાણીએ જણાવ્યું હતું કે ઝેપ્ટો કંપની દ્વારા ઓનલાઇન ઓર્ડર સ્વીકારી આજે જાહેરનામાનો ભંગ કરી મહા શિવરાત્રિએ પણ નોનવેજનું વેંચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ મળતા સવારે આરોગ્ય શાખાનો કાફલો શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આર.કે. આઇકોનિક બિલ્ડીંગમાં આવેલા ડ્રોગેરીયા સેલર પ્રાઇવેટ લીમીટેડ (ઝેપ્ટો)ના ગોડાઉનમાં ત્રાટક્યો હતો. અહિં ઓનલાઇન નોનવેજનું વેંચાણ કરવામાં આવતું હોવાનું માલૂમ પડ્યું હતું. ઝેપ્ટોના ગોડાઉનમાંથી 35 કિલો નોનવેજના નાના-મોટા પેકેટ જપ્ત કરી લેવામાં આવ્યા હતા. આજે મહા શિવરાત્રિએ નોનવેજનું વેંચાણ કરવા પર પ્રતિબંધ લાદતું જાહેરનામું અમલમાં હોય જીપીએમસી એક્ટની કલમ-336નો ભંગ થતો હોવાનો કેસ કરવામાં આવ્યો હતો. તમામ નોનવેજના 35 પેકેટ ખોલી નાંખવામાં આવ્યા હતા અને ટીપરવાનમાં સોખડા ડમ્પીંગ સાઇટ ખાતે આ માલનો નાશ કરવામાં આવ્યો હતો.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે ઓનલાઇન ફૂડ ડિલેવરી કરતી સ્વિગી કંપની દ્વારા પણ ઓનલાઇન નોનવેજના ઓર્ડર લઇ ડિલેવરી કરવામાં આવતી હોવાની ફરિયાદ મળતા ખૂદ કોર્પોરેશનની ટીમે ઓનલાઇન ઓર્ડર આપી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ગોકુલ મથુરાની સામે આવેલા ઇન્ફીનીટી બિલ્ડીંગમાં સ્વિગી સ્વિઇન્ટા સ્માર્ટ સેન્ટર પ્રાઇવેટ લીમીટેડ દ્વારા ઓનલાઇન નોનવેજનું વેંચાણ કરવામાં આવતું હોવાનું પકડાયું હતું. કંપનીના સેલર વિભાગમાંથી આશરે 60 કિલો નોનવેજના પેકેટ પકડી પાડવામાં આવ્યા હતા. જાહેરનામાનો ભંગ સબબ રૂ.10,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જ્યારે સોલીડ વેસ્ટ વિભાગના ટીપરવાન જીજે03-જીએ-1327માં આ નોનવેજના જથ્થાનો સોખડા ડમ્પીંગ યાર્ડ ખાતે મોકલી નાશ કરવામાં આવ્યો હતો.