જિલ્લા પંચાયત નાણાં પંચના કામો સત્વરે પૂર્ણ કરશે : ભુપત બોદર

પંચાયતના નવા ભવન માટે બનેલી 30 કરોડની યોજનામાં ડિઝાઈન તૈયાર હોવાથી તેનો ઠરાવ કરવા માટે કાલે ખાસ બેઠક યોજાશે

ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડે તે પહેલા નાણાં પંચના કામોને બહાલી આપવા આવતી કાલે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી રહી છે.

રાજકોટ જિલ્લા પંચાયતની શુક્રવારે ખાસ સામાન્ય સભા મળનાર છે તેમાં નાણાં પંચના કામોને બહાલી આપવા સહિતના મુદ્દાઓને બહાલી અપાશે તેમ જિલ્લા પંચાયતના કાર્યદક્ષ પ્રમુખ ભુપત બોદરે જણાવ્યું હતું.

જિલ્લા પંચાયતની ખાસ સાધારણ સભા આવતી કાલ તા.5 ને શુક્રવારે મળી રહી છે. પંચાયતના નવા ભવન માટે બનેલી 30 કરોડની યોજનામાં ડિઝાઈન તૈયાર હોવાથી તેનો ઠરાવ કરવા માટે આ ખાસ બેઠક જિલ્લા પંચાયત પ્રમુખે બોલાવી છે. આ બેઠકમાં પ્રશ્નોતરી સત્ર નહિ રાખવામાં આવે. માત્ર આ ઠરાવ પુરતા સદસ્યો મળશે અને કાર્યવાહી કરીને સરકારને ઠરાવ મોકલી દેશે. ખાસ સામાન્ય સભા 11 કલાકે મળનાર છે.

રાજકોટ જિ.પંચાયતની તા. 5 મીએ મળનારી સામાન્ય સભામાં પ્રશ્નોની ચર્ચા નહિ કરાઈ. રાજકોટ જિલ્લા પંચાયતમાં નાણાં પંચનાં કેટલાક આયોજનનાં કામો જરુરી મંજૂરીનાં વાંકે લાંબા સમયથી ખોરવાયા છે આ કામો આગામી ચૂંટણીઓ પહેલા પુરા થાય તે માટે જિલ્લા પંચાયતનાં શાસકોએ કવાયત શરુ કરી છે.

ખાસ નાણાં પંચનાં કામોને બહાલી આપવા આગામી તા.5 મી ઓગસ્ટે જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી છે.લાંબા સમયથી નાણાં પંચનાં કામો ખોરવાયેલા હોવાથી ચૂંટણી પહેલા કામો પુરા કરવા કવાયત હાથ ધરાઈ છે. જિલ્લામાં આરોગ્ય, રોડ – રસ્તા અને ખાસ કરીને લમ્પી વાયરસથી પશુઓ મોતનાં મુખમાં ધકેલાઈ રહયા હોવા સહિતનાં અનેક પ્રશ્નો છે ત્યારે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષની ચર્ચાથી બચવાનાં વ્યુહ રચનાનાં ભાગરુપે ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી છે. ખાસ સાધાસણ સભા હોવાથી પ્રશ્નોતરી રાખવામાં આવશે નહિ. માત્ર એજન્ડા પરની દરખાસ્તોને બહાલી જ આપવામાં આવશે. દરમિયાન આગામી ઓકટોબર – નવેમ્બરમાં ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડે તે પહેલા વધુ એક સામાન્ય સભા મળે તેવી શકયતા છે.

50 હજાર બાળકને વિનામૂલ્યે ટીડી વેક્સિન અપાશે

રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ દરમિયાન ખાસ ઝુંબેશ હાથ ધરી જિલ્લાના અંદાજે 50,000 થી વધુ બાળકોને ટી.ડી.વેક્સિન આપવાનું કાર્ય હાથ ધરાયું છે. આ વેક્સિનને કારણે બાળકોને ટીટેનસ અને ડિપ્થેરિયા જેવા પ્રાણ ઘાતક રોગો સામે રક્ષણ મળશે તેવો તંત્ર દ્વારા દાવો કરાયો છે.જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ આરોગ્ય કર્મચારીઓની ટુકડી દરેક શાળાઓની મુલાકાત લઇ 10 – વર્ષથી માંડી 16 વર્ષની ઉંમરના – તમામ બાળકોને વિનામૂલ્યે વેક્સિન અપાશે. જિલ્લામાં અંદાજે 1300 થી વધુ પ્રાથમિક શાળા અને 450 થી વધુ હાઇસ્કૂલોમાં રસીકરણની કામગીરી હાથ ધરાશે.

જિ.પંચાયતમાં 12 થી 15 તારીખ સુધીની રજાઓ રદ

રાજ્યના પંચાયત વિભાગમાં વિકાસ કમિશનરે 3 ઓગસ્ટે પરિપત્ર કરીને જિલ્લા પંચાયત હેઠળ આવતા તમામ કર્મચારીઓની રજા રદ કરવા માટે આદેશ કર્યો છે. પત્રમાં જણાવ્યું છે કે, દેશમાં હ2 ઘ2 તિરંગા કાર્યક્રમ ચાલી રહ્યો છે જેને સફળ બનાવવા માટે વિવિધ કામગીરીઓ કરવી પડશે જેથી તા.12 થી 15 ઓગસ્ટ દરમિયાન જિલ્લા પંચાયત સંલગ્ન તમામ તાબાની કચેરીઓમાં અધિકારી કે કર્મચારીને રજા આપવાની કે મુખ્ય મથક છોડવાની મંજૂરી આપી શકાશે નહીં. 15 મી – ઓગસ્ટ સોમવારે છે અને 14 મી એ રવિવાર છે. આ દરમિયાન જ રજા તેમજ મુખ્ય મથક છોડવા પર મનાઈ આવી જતા પંચાયત કર્મચારીઓના અલગ અલગ મંડળોએ રજાઓ મામલે રજૂઆત કરવા વિચારણા કરી છે.