Abtak Media Google News

મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેઈલ કોરોનાની સારવામાં અક્સીર હોવાના કારણે 70 ટકા કેસમાં હૉસ્પિટલાઈઝેશનથી રાહત મળી શકે તેવો દાવો

અબતક, રાજકોટ: કોરોનાની બીજી લહેર પહેલી લહેર કરતા વધુ ઘાતકી સાબિત થઈ છે. આ સાથે રસીકરણ અભ્યાનને પણ વેગ આપવામાં આવ્યો છે. આ સાથે ઝાયડસ કેડિલાએ કોરોનાની સારવાર માટે વધુ એક ક્લિનિક ટ્રાયલની માંગ કરી છે. કોરોનાની સારવારમાં આ દવા ખુબ અસરકારક સાબિત થશે તેવું પણ કંપની દ્વારા કહેવામાં આવ્યું છે.

ઝાયડસ કેડિલાએ એન્ટીબોડી કોકટેઈલથી કોરોનાની સારવારની ક્લિનિકલ ટ્રાયલ માટે DCGI પાસે અનુમતિ માંગી છે. મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેઈલ કોરોનાની સારવામાં અક્સીર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાથે જ તેના કારણે 70 ટકા કેસમાં હૉસ્પિટલાઈઝેશનથી રાહત મળી શકે તેવો દાવો કરવામાં આવ્યો છે.

ઝાયડસે આ થેરાપીને ZRC-3308 નામ આપ્યું છે. જે કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર માટે કામ આવે છે. આ એક મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેઈલ છે. જેમાં બે એન્ટી-સાર્સ-કોવ-2 મોનેક્લોનલ એન્ટીબોડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે કોરોનાની અસરનો નાશ કરે છે. ઝાયડસ આ પ્રકારનું કોકટેઈલ બનાવનારી એકમાત્ર ભારતીય કંપની છે. જેના ક્લિનિકલ ટ્રાયલની હવે ઝાયડસે અનુમતિ માંગી છે. આ થેરાપીથી વધુ લાંબા સમય માટે સુરક્ષા આપશે સાથે જ ગંભીર બીમારીઓ થવાના રિસ્કને ઓછું કરશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

હરિયાણાના ગુડગાંવમાં હાલમાં જ 84 વર્ષના વૃદ્ધ મોહબ્બત સિંહની સારવાર મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ દવાથી કરવામાં આવી છે. આ દર્દીને કોરોના સહિત અનેક બીમારીઓ હતી. મોહબ્બત સિંહ એન્ટિબોડી કોકટેલ દવાથી સાજા થનારા દેશની પ્રથમ વ્યક્તિ બની ગયા છે. આ અગાઉ ગત વર્ષે તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ કોરોના પોઝિટવ આવ્યા પછી આ પ્રકારે સાજા કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, જો કોરોના સંક્રમિત વ્યક્તિને 7 દિવસની અંદર આ દવાનો ડોઝ આપવામાં આવે તો એમાં 70-80% લોકો કે જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય છે તેઓ ઘરે જ સ્વસ્થ થઈ જાય છે. તેમણે હોસ્પિટલે જવાની જરૂર રહેતી નથી. તેમણે કહ્યું હતું કે મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ દવાથી ઈલાજ કરવાનું ચલણ સૌથી વધુ અમેરિકા અને યુરોપમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.