Abtak Media Google News

લો-પ્રેશર, સીએર ઝોન, મોનસુન ટ્રફ અને ઓફ સોર ટ્રફ જેવી સિસ્ટમો સક્રિય થતા ૩ દિવસ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્રમાં છેલ્લા ૩ દિવસથી અવિરત કૃપા વરસી રહી છે જેનાં પગલે આજસુધીમાં સૌરાષ્ટ્રમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનનો ૧૦૦ ટકા વરસાદ પડી ગયો છે. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક ૧ થી લઈ ૬ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય પંથકમાં ૧૦ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આજે સવારથી રાજયનાં અલગ-અલગ ૧૪ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો હોવાનાં અહેવાલ મળી રહ્યા છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનાં જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૩૨ જિલ્લાનાં ૨૦૧ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ ગીર-સોમનાથ જિલ્લાનાં તાલાલામાં ૬ ઈંચ જેટલો વરસી ગયો છે. રાજયમાં આજ સુધીમાં મોસમનો કુલ ૧૦૫.૪૧ ટકા વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં પણ મોસમનો ૧૦૦ ટકા વરસાદ વરસી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાથી લઈ ૬ ઈંચ સુધી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. વાંકાનેર અને તાલાલા પંથકનાં ગ્રામય વિસ્તારોમાં ૧૦ ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનાં અહેવાલો મળી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૧૩.૨૩ ટકા, રાજકોટ જિલ્લામાં ૧૦૧.૨૬ ટકા, મોરબી જિલ્લામાં ૧૨૮.૨૩ ટકા, જામનગર જિલ્લામાં ૧૨૦.૪૧ ટકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૭૩.૮૩ ટકા, પોરબંદર જિલ્લામાં ૭૭.૪૫ ટકા, જુનાગઢ જિલ્લામાં ૯૪.૯૦ ટકા, ગીર-સોમનાથ જિલ્લામાં ૮૩.૨૮ ટકા, અમરેલી જિલ્લામાં ૯૨.૭૧ ટકા, ભાવનગર જિલ્લામાં ૧૦૧.૮૬ ટકા, બોટાદ જિલ્લામાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૧૨૯.૩૦ ટકા જેટલો વરસાદ પડયો છે. સૌરાષ્ટ્રમાં આજ સુધીમાં મોસમનો ૧૦૦ ટકા વરસાદ વરસી ગયો છે.

કચ્છ રીઝયનમાં ૧૩૦.૮૭ ટકા, નોર્થ ઉતર ગુજરાતમાં ૮૪.૮૨ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૦૦.૧૧ ટકા જયારે દક્ષિણ ગુજરાતમાં ૧૧૪.૯૮ ટકા વરસાદ પડયો છે. રાજયનો એક પણ તાલુકો એવો નથી કે જયાં ૫ ઈંચથી ઓછો વરસાદ પડયો હોય ૫ થી ૧૦ ઈંચ વરસાદ પડયો હોય તેવા બે તાલુકા, ૧૦ થી ૨૦ ઈંચ સુધી વરસાદ પડયો હોય તેવા ૫૦ તાલુકા, ૨૦ થી લઈ ૪૦ ઈંચ સુધી વરસાદ પડયો હોય તેવા ૧૩૯ તાલુકા, ૪૦ ઈંચ કે તેથી વધુ વરસાદ પડયો હોય તેવા ૬૦ તાલુકા છે. આ વર્ષ સૌરાષ્ટ્ર સહિત રાજય માટે સવાયું સાબિત થઈ રહ્યું છે. હાલ મોનસુન ટ્રફ, ઓફ સોર ટ્રફ, સીઅર ઝોન અને લો-પ્રેશર એમ ૪ સિસ્ટમો સક્રિય હોય આજે દક્ષિણ ગુજરાતનાં નવસારી, વલસાડ, સૌરાષ્ટ્રનાં જુનાગઢ અને ગીર-સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય અતિભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, દ્વારકા, દીવ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, નર્મદા, સુરેન્દ્રનગર, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે શનિવારે વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર અને દ્વારકામાં ભારેથી અતિભારે જયારે છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, પોરબંદર, જુનાગઢ, ગીર-સોમનાથમાં ભારે વરસાદની, રવિવારે પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જુનાગઢ અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આગામી ૩ દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય તંત્ર એલર્ટ થઈ ગયું છે.

100-Percent-Rainfall-In-Saurashtra-Still-Three-Days-Forecast
100-percent-rainfall-in-saurashtra-still-three-days-forecast

સૌરાષ્ટ્રમાં મેઘ મલ્હાર: તાલાલામાં ૬ ઈંચ, ચોટીલા, લોધિકા, પડધરી, જોડિયામાં ૪ ઈંચ વરસાદ

જામજોધપુર, ગોંડલ, કોટડાસાંગાણી, ટંકારા, વાંકાનેર, માણાવદર, સુત્રાપાડામાં ૩ ઈંચ: ચુડા, સાયલા, જામકંડોરણા, જામનગરમાં અઢી ઈંચ: રાજકોટ, હળવદ, ભાણવડ, રાણાવાવ, મેંદરડા, વેરાવળમાં ૨ ઈંચ: કચ્છમાં પણ હળવા ઝાપટાથી લઈ અઢી ઈંચ સુધી વરસાદ

સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગુરુવારે ૧ ઈંચથી લઈ ૬ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. વાંકાનેર અને તાલાલાનાં ગ્રામય પંથકમાં ૧૦ ઈંચ સુધી વરસાદ પડયો હોવાનાં અહેવાલો પણ મળી રહ્યા છે. તાલાલામાં સાંબેલાધારે ૬ ઈંચ વરસાદ પડયો હતો તો લોધીકા, જોડિયા અને પડધરીમાં ૪ ઈંચ વરસાદ પડયો હતો. આગામી ૩ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. કચ્છમાં પણ ઝાપટાથી લઈ ૩ ઈંચ સુધી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

સૌરાષ્ટ્રનાં સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલામાં ૯૨ મીમી, ચુડામાં ૫૪ મીમી, દસાડામાં ૧૨ મીમી, ધ્રાંગધ્રામાં ૪૦ મીમી, લખતરમાં ૧૫ મીમી, લીંબડીમાં ૧૧ મીમી, મુડીમાં ૮૯ મીમી, સાયલામાં ૫૯ મીમી, થાનગઢમાં ૮૮ મીમી, વઢવાણમાં ૧૩ મીમી વરસાદ પડયો છે. રાજકોટ જિલ્લાનાં ધોરાજીમાં ૨૩ મીમી, ગોંડલમાં ૭૫ મીમી, જામકંડોરણામાં ૫૬ મીમી, જસદણમાં ૩૬ મીમી, જેતપુરમાં ૧૯ મીમી, કોટડાસાંગાણીમાં ૭૩ મીમી, લોધીકામાં ૧૦૪ મીમી, પડધરીમાં ૯૬ મીમી, રાજકોટમાં ૪૧ મીમી, ઉપલેટામાં ૩૨ મીમી, વિંછીયામાં ૧૭ મીમી, મોરબી જિલ્લાનાં હળવદમાં ૪૪ મીમી, માળીયા મિંયાણામાં ૧૪ મીમી, મોરબીમાં ૩૭ મીમી, ટંકારામાં ૮૫ મીમી, વાંકાનેરમાં ૭૨ મીમી, જામનગરનાં ધ્રોલમાં ૮૩ મીમી, જામજોધપુરમાં ૯૦ મીમી, જામનગરમા ૬૫ મીમી, જોડિયામાં ૧૦૪ મીમી, કાલાવડમાં ૩૨ મીમી અને લાલપુરમાં ૪૧ મીમી વરસાદ પડયો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ભાણવડમાં ૪૬ મીમી, દ્વારકામાં ૧૫ મીમી, કલ્યાણપુરમાં ૧૬ મીમી, ખંભાળીયામાં ૩૨ મીમી, પોરબંદરનાં કુતિયાણામાં  ૨૫ મીમી, પોરબંદરમાં ૨૦ મીમી, રાણાવાવમાં ૫૦ મીમી, જુનાગઢનાં ભેંસાણમાં ૧૮ મીમી, જુનાગઢ શહેર અને ગ્રામ્યમાં ૩૪ મીમી, કેશોદમાં ૩૨ મીમી, માળીયાહાટીનામાં ૩૯ મીમી, માણાવદરમાં ૨૬ મીમી, માંગરોળમાં ૮૩ મીમી, મેંદરડામાં ૪૫ મીમી, વંથલીમાં ૪૩ મીમી, વિસાવદરમાં ૩૭ મીમી, ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડામાં ૨૭ મીમી, સુત્રાપાડામાં ૭૦ મીમી, તાલાલામાં ૧૪૯ મીમી, ઉનામાં ૧૫ મીમી, વેરાવળમાં ૪૨ મીમી, અમરેલી જિલ્લાનાં ખાંભામાં ૩૧ મીમી, રાજુલામાં ૩૩ મીમી, વડીયામાં ૨૧ મીમી, ભાવનગર જિલ્લાનાં ઘોઘામાં ૧૯ મીમી જયારે બોટાદ જિલ્લાનાં બરવાળામાં ૩૦ મીમી અને રાણપુરમાં ૧૦ મીમી વરસાદ પડયો છે.

કચ્છમાં પણ સાર્વત્રિક વરસાદ પડયો હોવાનું નોંધાયું  છે. જેમાં અંજારમાં ૪૮ મીમી, ભચાઉમાં ૧૫ મીમી, ભુજમાં ૧૪ મીમી, ગાંધીનગરમાં ૨૮ મીમી, માંડવીમાં ૨૯ મીમી, મુંદ્રામાં ૫૯ મીમી વરસાદ પડયો છે. આજે સવારથી સૌરાષ્ટ્રનાં રાજકોટ, દેવભૂમિ દ્વારકા, કચ્છ જિલ્લામાં હળવા ઝાપટા વરસ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.