Abtak Media Google News

રાજકોટ ગ્રામ્યમાં ૧,જૂનાગઢમાં ૩,ભાવનગરના તળાજામાં ૨, જામનગરમાં ૮, અમરેલીમાં ૪ અને વેરાવળમાં ૨ કોરોના સંક્રમણમાં

અમરેલી અને સુરેન્દ્રનગરમાં ડબલિંગ રેટથી કોરોના સંક્રમણમાં વધારો

સૌરાષ્ટ્રમાં કોરોના કોવિડ ૧૯ની મહામારી વકરી રહી છે. ગઈ કાલથી અત્યાર સુધી સૌરાષ્ટ્રના ૬ જિલ્લામાં કોરોના વાયરસના વધુ ૨૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજકોટ ગ્રામ્યમાં ૧,જૂનાગઢમાં ૩,ભાવનગરના તળાજામાં ૨, જામનગરમાં ૮, અમરેલીમાં ૪ અને વેરાવળમાં ૨ કોરોના સંક્રમણમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લામાં ડબલિંગ રેટથી કોરોના સંક્રમિતના કેસો વધતા ચિંતાનો માહોલ છવાઈ રહ્યો છે.

રાજકોટમાં ગઈ કાલે કોરોના કોવિડના ચાર પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજ રોજ સવારે રાજકોટ તાલુકાના ભૂપગઢ ગામમાં રહેતા ૩૪ વર્ષના યુવાનને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેની હિસ્ટ્રી ચકાસતા થોડા દિવસો પહેલા કોરોનાગ્રસ્ત યુવાનના ઘરે આવેલા સુરતથી મહેમાનોનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધી ૫૪ પોઝિટિવ કેસ નોંધાયા છે.

ભાવનગરના તળાજા ગામના દર્શનસિંહ વનરાજસિંહ સરવૈયા(ઉ.વ.૨૪) અને તેમની ૫૮વર્ષીય માતા બન્ને કોરોનાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે. તેમની હિસ્ટ્રીમાં રાજકોટના ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા કોરોનાગ્રસ્ત ડો. જીગરસિંહ જાડેજાના સંપર્કમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગરમાં અત્યાર સુધી કુલ ૧૭૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

જૂનાગઢમાં આજે ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે.શહેરના જોષીપુરા મા ૨ તથા મેંદરડામાં એક મળી કુલ ત્રણ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.જૂનાગઢમા આજે જોષીપુરા વડલી ચોક માં અમદાવાદ થી જુનાગઢ આવેલ દંપતિ ને જેમાં ૬૦ વર્ષના પુરુષ તથા ૫૮ વર્ષની સ્ત્રી નો સિવિલ હોસ્પિટલમાં સેમ્પલ ચેકિંગ દરમિયાન કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જોષીપરા મા મુખ્ય ગણાતા વડલી ચોક માં દંપતીને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવવા ને પગલે જૂનાગઢ મહાનગરપાલિકા ની ટીમની આરોગ્ય શાખા દ્વારા પોઝિટિવ કેસ આવેલા વિસ્તારને ક્ધટેન્મેન્ટ ઝોન કરવાની તજવીજ હાથ ધરી છે.આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના મેંદરડા માં  રાજકોટ ખાતે જ દાખલ દર્દીના ૪૮ વર્ષીય પત્નીને પણ કોરોના પોઝિટિવ કેસ આવતા જૂનાગઢ શહેર પંથકમાં આજે એકી સાથે ત્રણ પોઝિટિવ કેસ આવતા કુલ પોઝિટીવ કેસનો આકડો ૫૦ થયો છે.

અમરેલીમાં પણ સાવરકુંડલા ૨, ધારીમાં ૧, અને વિઠ્ઠલપુર ખંભાળિયામાં પણ ૧ કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેઓની હિસ્ટ્રી તપાસ કરતા ચારેય દર્દીઓ અમદાવાદથી આવેલા લોકોના સંપર્કમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગીર સોમનાથના વેરાવળમાં પણ ખાનગી હોસ્પિટલના બે તબીબ અને એક કમ્પાઉન્ડરને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. અને કેન્દ્રશાસિત પ્રદેશ દિવમાં ક્વોરેઇન્ટઇન કરાયેલી એક યુવતી પણ કોરપના સંક્રમણમાં આવી છે.

જામનગરમાં અને દેવભૂમિ દ્વારકામાં વધુ ૮ લોકો કોરોનાની ઝપટે ચડ્યા છે. જેમાં પડાણાંના એક પુરુષ અને થાવરિયાના એક પુરુષનો સમાવેશ થાય છે. આ બન્ને લોકો મુંબઇ અને અમદાવાદથી આવ્યા હોવાનું જાણવાં મળ્યું છે. જ્યારે અમદાવાદથી ભાણવડ આવેલી ૩૧ વર્ષીય યુવતીને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ખમભાળિયામાં પણ માતા – પુત્ર કોરોનાગ્રસ્ત જાહેર થયા છે. માતા પુત્ર મુંબઇથી આવ્યા હોવાની હિસ્ટ્રી નોંધાઈ છે.  અને અમદાવાદ થી ફરજ બજાવીને આવેલા જીજી હોસ્પિટલના ૫૦ વર્ષીય તબીબને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.

રાજ્યમાં આખરે સુધી કોરોના મુક્ત રહેલા અમરેલી જિલ્લામાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં ડબલિંગ રેટથી કોરોના સંક્રમણના કેસ વધતા આરોગ્ય વિભાગમાં ચિંતા વિપરી છે. લોક ડાઉનમાં છૂટછાટ મળ્યા બાદ અમરેલી અને સુરેન્દ્રનગર પંથકમાં અન્ય શહેરોમાંથી લોકોના ઘસારા સાથે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા પણ બમણા પ્રમાણમાં વધી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.