Abtak Media Google News

જોડીયા, કાલાવડ પંથકમાં અઢી ઈંચ

છ જળાશયોમાંથી પાણી છોડાય છે

જામનગર જિલ્લામાં સર્વત્ર મેઘવર્ષા થઈ રહી છે. જેમાં ખાસ કરીને જામનગર જિલ્લાના જોડિયા અને કાલાવડના ગ્રામ્ય પંથકમાં ગઈકાલે સાંજે ધીંગી મેઘસવારી થઈ હતી અને બે થી અઢી ઈંચ વરસાદ વરસી ગયો હતો. જેના કારણે નદી નાળાઓમાં પૂર આવ્યા હતાં. ગઈકાલના વરસાદને લઈને જામનગર જિલ્લાના ર૪ જળાશયો પૈકી ર૦ જળાશયો ઓવરફ્લો થઈ રહ્યા છે. ઉપરાંત છ ડેમોના પાટિયા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે અને નિચાણવાળા વિસ્તારના રહેવાસીઓને સલામત સ્થળે રહેવા માટે સૂચનાઓ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે.

જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં ગઈકાલે પણ સારો વરસાદ નોંધાયો હતો. જેમાં પીઠડ ગામમાં ગઈકાલે ૬૦ મી.મી. વરસાદ નોંધાયો હતો. બાલંભામાં ૪૦ મી.મી., હડિયાણામાં ર૦ મી.મી. વરસાદ નોંધાયો હતો. કાલાવડ તાલુકાના ખેરડીમાં ૬૦ મી.મી., ભલસાણ બેરાજામાં ૪૦ મી.મી., મોટા વડાળામાં ૩પ મી.મી., મોટા પાંચદેવડામાં ર૦ મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે નિકાવા ગામમાં પપ મી.મી. વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળ્યા છે.

લાલપુર તાલુકાના પીપરટોડામાં ર૯ મી.મી. અને મોટાખડબામાં ર૧ મી.મી. વરસાદ નોંધાયો છે. જામનગર તાલુકાના ધુતારપરમાં રપ મી.મી. અને મોટી બાણુગાર અને ફલ્લામાં ૧પ મી.મી. વરસાદ નોંધાયો છે. જામનગર જિલ્લામાં ગઈકાલે પડેલા વરસાદના કારણે જિલ્લાના કુલ ર૪ જળાશયોમાંથી ર૦ ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે અને તમામ ડેમના પાળા ઉપરથી પાણી જઈ રહ્યું છે. ઉપરાંત છ જળાશયોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે જામજોધપુર પંથકના કેટલાક ગામો કાલાવડ વિસ્તારના ગામોના નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે રહેવા માટે વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.