Abtak Media Google News

ઈજીપ્ત, બેહરીન, અફઘાનિસ્તાન, યુગાન્ડા, સોમાલીયા, લેબેનોન, લીબીયા, યમન અને તુર્કી સહિતના દેશો આતંકવાદના ખાત્મા માટે મેદાને: પાકિસ્તાનના નિવૃત્ત જનરલ રાહીલ શરીફને કમાન્ડર ઈન ચીફ બનાવાયા

વિશ્વના અનેક દેશો આતંકવાદથી દાઝયા છે. અમેરિકા, રશિયા, ભારત સહિતના દેશોએ આતંકવાદ સામે જંગ છેડયો છે. ત્યારે હવે મુસ્લિમ દેશોએ પણ આતંકવાદનો સફાયો કરવા માટે હથિયારો સજ્જ કર્યા છે. સાઉદી અરેબીયાના પાવરફૂલ ક્રાઉન પ્રિન્સની આગેવાનીમાં ૪૦ મુસ્લિમ દેશોએ આતંકવાદનો પૃથ્વી પરથી સફાયો કરવા માટે શપથ લીધા છે.

Advertisement

વિશ્ર્વમાં આતંકવાદ પાછળ મુસ્લિમ દેશોનું પીઠબળ હોવાનો આક્ષેપ અનેક વખત થયો છે. ત્યારે હવે મુસ્લિમ દેશોએ જ આતંકવાદને નેસ્તનાબૂદ કરવા મેદાને ઉતરવાનું નક્કી કર્યું છે. ગઈકાલે સાઉદી ક્રાઉન પ્રિન્સે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં આપણા દેશોને આતંકવાદનો સામનો કરવો પડી રહ્યો છે. આતંકવાદથી પીડાવાનું કારણ આપણી વચ્ચે સંકલન ન હોવાનું છે. જો કે હવે એક સાથે કદમ મિલાવી આતંકવાદનો સામનો કરવાનો છે.

સાઉદી અરેબિયાના વડપણ નીચે તૈયાર થયેલા ૪૦ ઈસ્લામીક સંગઠનને પાન-ઈસ્લામીક યુનિફાઈડ ફ્રન્ટ તરીકે ઓળખવામાં આવશે. આ ગઠબંધનની જાહેરાત તો વર્ષ ૨૦૧૫માં થઈ ગઈ હતી.

જો કે, હવે આ સંગઠનને વધુ મજબૂત બનાવવાની તૈયારીઓ ક્રાઉન પ્રિન્સના વડપણ હેઠળ થઈ રહી છે. ઈજીપ્ત, યુનાઈટેડ આરબ અમિરાત, બહેરીન, અફઘાનિસ્તાન, યુગાન્ડા, સોમાલીયા, લેબનોન, લીબીયા, યમેન અને તુર્કી સહિતના દેશોએ આ સંગઠનમાં જોડાવાનું નક્કી કર્યું છે. સંગઠનના કમાન્ડર ઈન ચિફ તરીકે પાકિસ્તાનના નિવૃત જનરલ રાહીલ શરીફને નિમવામાં આવ્યા છે !

આતંકવાદના ખાત્મા માટે ૪૦ દેશોના સ્ત્રોત, સુવિધાઓ, જાણકારી સહિતની વસ્તુઓનું સંકલન કરવામાં આવશે. ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રે પણ તમામ દેશો એકબીજાને સહયોગ કરશે. અત્યાર સુધી આ તમામ દેશો વચ્ચે આર્થિક સહયોગ વધુ મજબૂત હતો. જો કે, હવે સાઉદી ક્રાઉન પ્રિન્સની આગેવાની હેઠળ આતંકવાદ સામે પણ લડાઈ લડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.