Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવને શાળા-કોલેજો બંધ અંગેના વાલીઓના મંતવ્યો લીધા: માર્ચ ૨૦૨૦થી શાળા-કોલેજો બંધ છે, વિદ્યાર્થીઓ ઘરે છે તેની શૈક્ષણિક બાબતો પર ગહન અસર પડી છે

હાલની પરિસ્થિતી ખૂબ કથળી રહી છે ત્યારે શિક્ષણ પર ખૂબ નિષેધક અસર થતી જોવા મળે છે. શાળા- કોલેજો બંધ હોવાથી બે થી ત્રણ  વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી. અત્યારે શાળા- કોલેજો બંધ હોવાથી ભણતા છોકરાઓ પર કેવા પ્રકારની અસર થાય છે અને વર્તમાન પરિસ્થિતિને કારણે શાળા કોલેજો બંધ હોવાથી માતા-પિતાની તેમના સંતાનો પ્રત્યેની ચિંતા અને સંતાનોમાં જોવા મળતા મનોવૈજ્ઞાનિક લક્ષણો પ્રત્યે  માતા-પિતાના મંતવ્યો વિષય પર મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ડિમ્પલ રામાણી અને પીએચ. ડી. વિદ્યાર્થી તૌફિક જાદવ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. ૬૩૩  વાલીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર શાળા- કોલેજોમાં શિક્ષણ બંધ હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને  મુશ્કેલી અનુભવી રહ્યા છે. મોટા ભાગના વાલીઓનું એવું માનવું છે કે શાળા-કોલેજો હવે સત્વરે ખૂલી જવી જોઈએ. સર્વેના પરિણામો આ મુજબ છે.

*તમને એવું લાગે છે કે શાળા – કોલેજો ખોલવા માટે પરિસ્થિતી હજુ વધુ સામાન્ય બને તેની રાહ જોવી જોઈએ?

– ૭૦.૨૦ % વાલીઓ હવે વધુ રાહ જોવા માટે તૈયાર નથી જ્યારે ૨૯.૮૦ % વાલીઓ પરિસ્થિતિ સામાન્ય બને તેની રાહ જોવા માંગે છે.

*માર્ચ ૨૦૨૦ થી તમારા સંતાનો ઘરે છે તો તેના વર્તનમાં કોઈ મૂડ પરિવર્તન જોવા મળે છે?

– ૮૮% વાલીઓએ જણાવ્યુ કે હા, વર્તનમાં મૂડ પરિવર્તન જોવા મળે છે જ્યારે ૧૨ % વાલીઓ ના કહે છે કે આવું કોઈ પરીવર્તન જોવા મળ્યું નથી.

*શાળા -કોલેજોમાં ન જવાથી અને મિત્રોને ન મળવાથી તમારા સંતાનો એકલાપણું અનુભવે છે?

– ૭૪.૪ % વાલીઓ જણાવે છે કે હા,એકલતાનો ભાવ અનુભવે છે કારણકે  અમારા સંતાનો અમને જે વાત નથી કરી શકતા તે શિક્ષકો કે મિત્રોને કહે છે, જ્યારે ૨૫.૬% વાલીઓના સંતાનો એકલતા અનુભવતા નથી.

*તમારા સંતાનો શાળા – કોલેજે નથી જતાં એટલે તેઓ ઘરે જ રહે છે ?

– ૬૯.૯ % વાલીઓ જણાવે છે કે હા અમારા સંતાનો ઘરે રહે છે પણ ખૂબ કંટાળી ગયા છે અને ૩૦.૧ % વાલીઓ ના જણાવે છે.

હાલ શાળા કોલેજો બંધ છે ત્યારે દરેક માતા પિતાએ

પોતાના સંતાનો સાથે કેવા પ્રકારનું વર્તન કરવું જોઈએ?

–  તમારા સંતાનો સાથે હંમેશા એક મિત્રતાની ભાવના કેળવીને વાતચીત કરો જેથી એક શિક્ષક સાથે જેટલી સરળતાથી તે વાત કરતો હશે તેટલી સરળતાથી તમારી સાથે ખૂલીને વાતચિત કરી શકે.

–  વાલીએ બાળકની ક્ષમતાને અનુકૂળ વર્તન કરવું જોઈએ. જેમાં કોઈ જબરજસ્તી ન હોવી જોઈએ.

–  સંતાનમાં આત્મવિશ્વાસ દ્રઢ બને તેવા પ્રયાસો કરવા.

–  તેના મિત્રો સાથે ટેલીફોનીક વાતચીત કરો.

–  તેની દરેક બાબતો પર ધ્યાન આપો.

– તમારા પોતાના અંગત જીવનમાથી સમય કાઢી તમારા સંતાન માટે સમય ફાળવો અને તેની  સાથે વાતચીત કરો અને જરૂરિયાત અનુસાર જરૂરિયાત પૂરી કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.