Abtak Media Google News

દિલ્હી, મુંબઈ અને કોલકત્તા એરપોર્ટ પર થર્મલ સ્કેનર સહિતના સંશાધનો મુકાયા: ચીનના પ્રવાસે જતા લોકોને એનીમલ માર્કેટ કે ફિશ બજારથી દૂર રહેવા તાકીદ

ચીનના વુહાન વાયરસનો ખૌફ ધીમે ધીમે સમગ્ર દુનિયામાં ફેલાઈ રહ્યો છે. પ્રારંભીક તબક્કે અમેરિકાએ ચેતવણી આપ્યા બાદ હવે ભારત પણ વધુ સચેત થઈ ગયું છે. ચીની આવતા યાત્રીકો માટે અમેરિકા બાદ હવે ભારતે પણ એડવાઈઝરી જાહેર કરી છે. અત્યાર સુધીમાં વુહાન વાયરસના કારણે જાપાનમાં ૧ જ્યારે ચીનમાં ૨ વ્યક્તિના મોત નિપજી ચૂકયા હોવાનું માનવામાં આવે છે.

આ વાયરસને નોવલ કોરોનાવાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અત્યાર સુધીમાં વાયરમાં ૪૧ જેટલા લોકો સપડાઈ ચૂકયા છે. ચીનના વુહાન શહેરમાંથી આ વાયરસ ફાટી નીકળ્યો હતો. પ્રારંભીક તબક્કે સી ફૂડની હોલસેલની બજારમાંથી આ વાયરસ એક વ્યક્તિને લાગ્યો હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ આ વાયરસ લોકોમાં ફેલાવા લાગ્યો છે. વાયરસના પગલે અમેરિકાએ બે દિવસ પહેલા એડવાઈઝરી જાહેર કરી હતી. ત્યારબાદ હવે ભારતે પણ ચીનથી આવતા લોકોને તપાસવાનું શરૂ કર્યું છે. દિલ્હી, મુંબઈ અને કલકત્તા સહિતના એરપોર્ટ પર થર્મલ સ્કેનર લગાવવામાં આવ્યા છે. ભારતમાંથી લાખો લોકો વેપાર-ધંધા માટે ચીનનો અવાર નવાર પ્રવાસ કરતા હોય છે. આવી સ્થિતિમાં ચીનનો પ્રવાસ કરતા લોકો ભારતમાં પ્રવેશે તે પહેલા તેમનું સ્કેનીંગ કરવામાં આવશે. જે લોકો એનીમલ માર્કેટ કે ફીશ બજાર જેવા સ્થળોએ પ્રવાસ કરી ચૂકયા હશે. તેમને આ વાયરસ લાગવાની દહેશત વધુ છે. આ વાયરસનો ચેપ લાગવાથી પ્રારંભીક તબક્કે સામાન્ય તાવનો ભોગ વ્યક્તિ બને છે. આ વાયરસ મીડલ ઈસ્ટ રિસ્પેટ્રોરી સિન્ડ્રોમ અને સેવર એક્યુટ રિસ્પેટ્રોરી સિન્ડ્રોમ જેવા રોગને આમંત્રણ આપે છે.

ઉંટ, બિલાડી અને ચામાચીડીયા જેવા પ્રાણીઓથી સજાગ રહેવાની ચેતવણી અપાઈ છે.  આ પ્રાણીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિને વાયરસ લાગ્યા બાદ હવે આ વાયરસ એકથી બીજી વ્યક્તિમાં ફેલાવા સક્ષમ થઈ ચૂકયો છે. અગાઉ એસએઆરએસ પ્રકારનો વાયરસ ચીનમાંથી ઉદ્ભવ્યો હતો. આ વાયરસના કારણે ચીન અને હોંગકોંગમાં વર્ષ ૨૦૦૨ થી ૨૦૦૩ દરમિયાન ૬૫૦ જેટલા લોકોના મોત નિપજયા હતા. વર્તમાન સમયે ફેલાયેલો વુહાન વાયરસ એસએઆરએસ પ્રકારનો છે. જેના કારણે અત્યાર સુધીમાં ૩ વ્યક્તિના ભોગ લેવાઈ ચૂકયા છે. અનેક લોકો આ વાયરસના સંપર્કમાં હોવાની ભીતિ વચ્ચે ચીનમાંથી આ વાયરસ અન્ય દેશમાં તબાહી ન સર્જે તે માટે પગલા લેવામાં આવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.