Abtak Media Google News

આગામી ગુરુવાર, શુક્રવાર અને શનિવારે પણ વેકસીનેશન હાથ ધરાશે: ૨૮૩ સેશન સાઇટ ઉપર ૧૪ હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓને અપાશે રસી

કોરોના સામેના રસીકરણમાં પહેલા તબક્કા અંતર્ગત શનિવારે ૧૨,૩૨૦ આરોગ્ય કર્મચારીઓના વેક્સીનેશન બાદ આજથી ફરી વેકસીનેશનનો રાઉન્ડ યોજાશે. જેમાં આજે રસી આપવામાં આવ્યા બાદ ગુરુવાર, શુક્રવાર અને શનિવારના રોજ પણ વેકસીનેશન હાથ ધરવામાં આવનાર છે.

સરકારી અને ખાનગી ક્ષેત્રે આરોગ્ય વિષયક સેવાઓમાં કાર્યરત ડોક્ટર, નર્સ સહિતના સ્ટાફને કોરોનાથી સલામત રાખવા સરકારે શરૂ કરેલા વેક્સીનેશન કાર્યક્રમ હેઠળ પહેલા તબક્કામાં રાજ્યના ૪.૩૩ લાખ કોરોના વોરિયર્સને આવરી લેવાશે. શનિવારે પહેલા રાઉન્ડ બાદ આજે મંગળવારે ૧૪ હજાર જેટલા હેલ્થવકર્સને કોવિશિલ્ડનો પહેલો ડોઝ આપવામાં આવશે. આરોગ્ય કમિશનરેટમાં વેક્સીનેશન પ્રોગ્રામના નોડલ ઓફિસર મુકેશ પંડયાએ કહ્યુ કે, હવે સપ્તાહમાં ચાર દિવસ એટલે કે મંગળવાર, ગુરૂવાર, શુક્રવાર અને શનિવાર એમ ચાર દિવસે કોરોના સામેના રસીકરણને આગળ ધપાવાશે. આ ચારેય દિવસમાં એક સેસન સાઈટ ઉપર વધુમાં વધુ ૧૦૦ હેલ્થ વર્કરોને રસી અપાશે. રાજ્યમાં કુલ ૨૮૩ સેસન સાઈટ નક્કી કરવામાં આવી છે જો કે, એક દિવસમાં ૧૬૧ સાઈટ ઉપર જ વેક્સીનેશન થશે. જે સાઈડ ઉપર તમામ હેલ્થ વર્કરને વેક્સીન અપાઈ હશે તેનો નંબર ૨૮ દિવસ પછી બીજા ડોઝ માટે આવશે. એટલે કે, રાજ્યમાં સેસન સાઈડ બદલાતી રહેશે.

ઉલ્લેખનીય છે કે ગત શનિવારથી વેકસીનેશનની કામગીરીનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ ફ્રન્ટ લાઇન વોરીયર્સ એવા હેલ્થ વર્કરને રસી આપવામાં આવી હતી. હજી આજ રોજ વેકસીનેશનની કામગીરીમાં પણ હેલ્થ વર્કરોને જ રસી આપવામાં આવનાર છે.

કેન્દ્ર સરકારે દરેક રાજ્યો માટે વેકસીનેશનના દિવસો નક્કી કર્યા છે. જેમાં મોટા રાજ્યોમાં સપ્તાહમાં ચાર દિવસનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેથી ગુજરાતમાં પણ સપ્તાહમાં ચાર દિવસ વેકસીનેશનની કામગીરી ચાલવાની છે.

જ્યારે નાના રાજ્યોમાં માત્ર બે દિવસ જ રસીકરણનો કાર્યક્રમ જાહેર કરાયો છે. ઉતર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ગોવામાં બે દિવસનો કાર્યક્રમ જાહેર થયો છે જ્યારે આંધ્રપ્રદેશમાં સપ્તાહમાં સૌથી વધુ છ દિવસોનો સૌથી મોટો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.

જો કે અગાઉ સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોમાં ચાર દિવસ રસીકરણ અભિયાન ચલાવવાનું નક્કી કર્યું હતું પરંતુ અન્ય સ્વાસ્થ્ય સેવાને અસર પહોંચવાની ભીતિને ધ્યાને લઇ રાજ્યોમાં જનસંખ્યાના આધારે વેકસીનેશનનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા ચાર દિવસના વેક્સીનેશનને લઇને તમામ તૈયારીઓ સોમવાર સુધીમાં જ પૂર્ણ કરી દેવામાં આવી હતી. જેથી તમામ હેલ્થ વર્કરોને વહેલીતકે રસી આપી દીધા બાદ સામાન્ય લોકોને રસીનો લાભ મળતો થાય.

હાલ આરોગ્ય કર્મચારીને પ્રથમ વેકસીન આપવામાં આવી રહી છે. હવે જ્યારે આરોગ્ય કર્મચારીઓને  વેકસીન આપવાની પ્રક્રિયા પૂર્ણ થશે. ત્યારબાદ સરકાર દ્વારા ૫૦ વર્ષથી ઉપરની ઉમરના લોકો અને બીમારી ધરાવતા લોકોની જે યાદી તૈયાર કરવામાં આવશે.  તે મુજબ તેઓને વેકસીન આપવામાં આવશે.

રાજ્યમાં ૧૨૨ સેશન સાઇટ વધી

રાજ્યમાં કોરોના વેકસીનેશન માટે વિવિધ મહાનગરો અને જિલ્લાઓમાં ૧૬૧ સેશન સાઇટ નક્કી કરવામાં આવી હતી. જો કે આ સેશન સાઇટ ઉપર શનિવારના રોજ વેકસીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાદમાં આજ રોજ વેકસીનેશન માટે ૧૨૨ સેશન સાઇટ વધારવામાં આવી છે. જેથી હવે ૨૮૩ સેશન સાઇટ ઉપર વેકસીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.