Abtak Media Google News

જેતપુરના શંકાસ્પદ કોંગો ફિવરના દર્દીએ દમ તોડયો

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હાહાકાર મચાવી રહેલા સ્વાઈનફલુને નાથવામાં આરોગ્ય તંત્રને નેવાના પાણી મોભે ચડયા હોય તેમ આરોગ્ય તંત્ર નાકામ રહ્યું છે. સ્વાઈન ફલુએ ૨૪ કલાકમાં સ્વાઈનફલુથી ચાર મહિલાના અને કોંગો ફીવરના દર્દીએ દમ તોડતા લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો છે. સ્વાઈન ફલુના વધુ ચાર મોતથી મૃત્યુ આંક ૧૨૭ પર પહોંચ્યો છે અને ચાલુ સિઝનમાં કોંગો ફિવરથી બે દર્દીના મોત નિપજયા છે. હાલ સિવિલ હોસ્પિટલના સ્વાઈન ફલુ વોર્ડમાં આઠ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં સાત દદીના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે અને હજુ એક દર્દીનો રીપોર્ટ બાકી છે.  સ્વાઈનફલુની મહામારીએ ૨૪ કલાકમાં એક કોંગો ફિવર અને ચાર સ્વાઈન ફલુના દર્દીઓના મોત નિપજયા છે. જેમાં જેતપુરમાં ધર્મભકિત ગૌશાળામાં ગૌસેવા કરતા સુખદેવ રતીગીરી અપારતાથી નામના ૩૦ વર્ષના યુવાનને કોંગો ફીવરની અસર થતા ગત તા.૧૬મીએ સિવિલના સ્વાઈનફલુ વોર્ડમાં દાખલ કરાયો હતો. જયાં તેનો રિપોર્ટ આવે તે પૂર્વે જ યુવાનનું મોત નિપજયું હતું અને શહેરની ખાનગી હોસ્પિટલમાં સ્વાઈનફલુની સારવાર મેળવી રહેલા મોરબીના ૪૫ વર્ષના મહિલા અને સિવિલ હોસ્પિટલમાં શહેરના ૪૫ વર્ષના મહિલા તેમજ ૮૦ ફુટ રોડ પર રાધાનગરમાં રહેતા વિજયાબેન દામજીભાઈ ભાલીયા નામના ૬૫ વર્ષના વૃદ્ધ અને કુંકાવાવ તાલુકાના સનાળી ગામના કાંતાબેન બાવાભાઈ મુંજપરા નામના ૬૫ વર્ષના વૃદ્ધાએ આજે વહેલી સવારે સિવિલ હોસ્પિટલના સ્વાઈનફલુ વોર્ડમાં દમ તોડતા દાખલ દર્દીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. રાજકોટ હોસ્પિટલમાં નવ માસમાં કુલ ૧૨૭ દર્દીઓ સ્વાઈનફલુનો ભોગ બન્યા છે.  જેમાં રાજકોટ શહેરના ૪૧, રાજકોટ ‚રલના ૩૧ અને અન્ય જીલ્લા ૫૫ દર્દીઓનો સમાવેશ થાય છે. રાજકોટ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ ૫૨૮ દર્દીઓ સ્વાઈનફલુના ભરડામાં આવી ચુકયા છે. જેમાં ૪૦૧ દર્દીઓને સ્વાઈનફલુથી બચાવી લેવાયા છે. હાલ સિવિલ હોસ્પિટલના સ્વાઈનફલુ વોર્ડમાં કુલ આઠ દર્દીઓને સારવાર હેઠળ રખાયા છે. જેમાં ૨ પુરુષ, ૪ મહિલા અને એક બાળક મળી કુલ સાતના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે અને હજુ એક દર્દીના રીપોર્ટની રાહ જોવાઈ રહી છે. દાખલ દર્દીઓના રાજકોટ જીલ્લાના ત્રણ, સુરેન્દ્રનગર અને જુનાગઢના એક અને મોરબીના ત્રણ દર્દીઓનો સમાવેશ થાય છે અને રાજકોટ શહેરનો એક પણ દર્દી સિવિલના સ્વાઈનફલુ વોર્ડમાં સારવાર હેઠળ ન હોવાથી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે. દાખલ દર્દીઓમાંથી એક દર્દીની તબિયત વધુ પડતી ખરાબ હોવાથી તેને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.