Abtak Media Google News

રાજકોટમાં ચૂંટણી સભા દરમિયાન સ્ટેજ પર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા સાથે કરી વાતચીત

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગઇકાલે રાજકોટમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં એક ચુંટણી સભા સંબોધી હતી. આ વેળાએ તેઓએ સ્ટેજ પર રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા સાથે વાતચીત કરી હતી અને રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં મતદારોનો મિજાજ અને ભાજપનો માહોલ જાણી લીધો હતો. વડાપ્રધાનના ચહેરા પર કોઇ વિશેષ ટેન્શન લાગતું ન હતું. તેઓ રૂપાણી અને વાળા સાથે હસતા મુખે વાતચીત કરતા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પર અડિખમ વિશ્ર્વાસ છે. ચુંટણી જાહેર થયા પૂર્વ પર તેઓ જયારે સૌરાષ્ટ્રમાં પ્રવાસે આવતા હતા ત્યારે વિજયભાઇ રૂપાણીને પોતાની પાસે બોલાવી વાતચીત કરતાં હતા આ સિલસિલો ગઇકાલે રાજકોટમાં પણ જોવા મળ્યો હતો. સ્ટેજ પર આવતાની સાથે જ વડાપ્રધાનને વિજયભાઇ રૂપાણી અને વજુભાઇ વાળા સાથે વાતચીત કરી હતી. મોદીની ખુરશી વચ્ચે હતી વાળા તથા રૂપાણી આજુબાજુના બેઠા હતા.

વિજયભાઇ રૂપાણીના ખભે હાથ મૂકી તેઓ ચર્ચા કરતા નજરે પડયા હતા. તેઓ એવું કહી રહ્યા હોય કે તમે બેઠા છો એટલે મને રાજકોટ કે સૌરાષ્ટ્રની બહુ ચિંતા નથી તેવું ફલીત થતું હતું. બન્ને વચ્ચે ત્રણથી ચાર વાર વાત થઇ હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા સાથે પણ  સ્ટેજ પર વાતચીત કરી હતી. સૌરાષ્ટ્રના આ બન્ને રાજકીય માંધાતાઓ સાથે થોડી મીનીટોની વાતચીતમાં જાણે વડાપ્રધાને સૌરાષ્ટ્રની તમામ બેઠકો માટે ચિતાર મેળવી લીધો હોય તેવું ફલીત થતું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.