ભારતીય મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ત્યારે ભારતીય ટીમ સેમી ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ માત્ર અઢી વર્ષના ગાળામાં જ ટીમની હાલત એવી હતી કે તે પેરિસ ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય થઈ શકી ન હતી. ભારતીય મહિલા હોકી ખેલાડીઓ તેમજ દરેક ભારતીય રમતપ્રેમી માટે આ એક મોટો આંચકો છે. રાંચીના બિરસા મુંડા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે ભારત-જાપાન વચ્ચે મેચ રમાઈ હતી.

જાપાનની કાના ઉરાતાએ છઠ્ઠી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો. ભારતને ગોલ કરવા માટે ઘણા મોકા મળ્યા હતા, પરંતુ જાપાન ડિફેન્સની સામે ભારત ગોલ કરી શક્યું ન હતું. ભારતને ગોલ કરવા માટે 9 પેનલ્ટી કોર્નર મળ્યા હતા, પરંતુ ટીમ ગોલ કરી શકી ન હતી. આ મેચમાં ઉદિતા અને દીપિકા જૂનિયરનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.

ભારતીય મહિલા ટીમનો જાપાન સામે 0-1 થી પરાજય

ભારતીય મહિલા હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024 માટે ક્વોલિફાય થવા માટે જાપાનને કોઈપણ કિંમતે હરાવવાનું હતું, પરંતુ તે મેચ હારી ગઈ હતી. જાપાને ભારતને 1-0થી હરાવીને કરોડો રમતપ્રેમીઓની અપેક્ષાઓ તોડી નાખી. ભારતીય ટીમને અહીં 9 પેનલ્ટી કોર્નર મળ્યા પરંતુ તે તેમાંથી એકને પણ ગોલમાં ફેરવી શકી નહીં. બીજી તરફ જાપાનના કાના ઉરાતાએ પેનલ્ટી કોર્નર પરથી ગોલ કરીને પોતાની ટીમને લીડ અપાવી હતી.આ મેચ પૂરી થઈ ગઈ છે અને તેની સાથે જ પેરિસ ઓલિમ્પિક માટે ભારતીય મહિલા હોકી ટીમની આશાઓ પણ સમાપ્ત થઈ ગઈ છે. હવે માત્ર થોડા જ પ્રશ્નો છે, જેના જવાબ મળવાના બાકી છે. આમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે છેલ્લા અઢી વર્ષમાં એવું શું બન્યું કે ટોક્યોમાં ચોથા સ્થાને રહીને પ્રસંશા મેળવનારી ભારતીય મહિલા હોકી ટીમ આજે પેરિસ ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય ન થઈ શકી?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.