Abtak Media Google News
  • લૂંટ-ખંડણી સહિતના 54 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો ઇભલો 6 વાર પાસા તળે જેલની હવા ખાઈ ચૂકેલો રીઢો ગુનેગાર

મોરબી રોડ પર આવેલા ચામડીયા ખાટકીવાસ, લાતી પ્લોટ અને ગણેશનગર વિસ્તારના વેપારીઓને ધાક- ધમકી દઈ બળજબરીથી ખંડણી વસુલતા નામચીન ઇભલો અને તેના ભાઈએ 20 દિવસ પહેલા ગણેશનગરમાં વેપારી પર તલવારથી હુમલો કરી ફરાર થયા બાદ બી ડીવીઝન પોલીસે બંને ભાઈઓને મહારાષ્ટ્રમાંથી ઝડપી કાયદાનું ભાન કરાવ્યું છે.

Advertisement

ગણેશનગર શેરી-11 માં રહેતા અનાજ કરીયાણાના વેપારી યોગેશભાઈ હરજીવનભાઈ મકવાણાની દુકાને પરપ્રાંતીય શ્રમજીવીઓ ખરીદી કરવા આવતા હોવાથી પરપ્રાંતિયોને કેમ દુકાને બેસાડે છે તેમ કહી ઈબ્રાહીમ ઉર્ફે ઇભલો કરીમ કથારોટીયા અને તેનો ભાઈ ફિરોઝ ઉર્ફે ફીરીયો કરીમ કાથરોટીયા તેમજ તેમની સાથે રહેલા બે અજાણ્યા શખ્સોએ તલવારથી ખૂની હુમલો કર્યાની બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી..

અગાઉ 6 વખત પાસા હેઠળ જેલ હવાલે થયેલા અને મારામારી, લુંટ, બળજબરીથી પૈસા પડાવવા અને દુકાન સળગાવી દેવાના 54 જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલો ઈભલો પોતાના ભાઈ ફીરીયા સાથે મહારાષ્ટ્રમાં છુપાયો હોવાની બાતમીનાં આધારે બી ડીવીઝન પીઆઈ એસ.એમ.જાડેજા, પીએસઆઈ કે.ડી.મારું, હેડ કોન્સ્ટેબલ રાજેશ બાળા, ક્રિપાલસિંહ જાડેજા, પંકજભાઈ માળી, વિશ્વજીતસિંહ ઝાલા અને જગદીશભાઈ વાંક સહિતના સ્ટાફે બંને ભાઈઓને વાપીથી 15 કિમી દુર મહારાષ્ટ્રની હદમાંથી ઝડપી લીધા છે.

ચામડિયા ખાટકીવાસ લાતી પ્લોટ અને ગણેશનગર વિસ્તારમાં અવારનવાર આંતક મચાવતા ઈભલાની રંજાડમાંથી મુક્ત કરાવવા 6 વર્ષ પહેલા ભગવતીપરા વિસ્તામાં પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આમ છતાં લુખ્ખાગીરી કરતો ઇભલો વેપારીઓ પાસેથી ખંડણી વસુલ કરવા ધાક ધમકી દેતો હોવાનું અને મારામારી કરતો હોવાથી પોલીસ માટે માથાનો દુખાવો બની ગયેલા ઇભલો અને તેના ભાઈ ફીરીયાને પોલીસે કાયદાના પાઠ ભણાવી શાન ઠેકાણે લાવી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.