Abtak Media Google News

વાવડી રોડ પર બાઇક પર આવેલા બે શખ્સો આંખમાં મરચુ છાંટી રોકડ, ચેક અને મહત્વના દસ્તાવેજ સાથેનો થેલો ઝૂંટવી ફરાર

લૂંટારાને ઝડપી લેવા જિલ્લાભરમાં કરાઇ નાકાબંધી: બેન્ક લૂંટનો ભેદ ઉકેલાય તેવી કડી મળતી નથી

મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં બેન્ક ઓફ બરોડામાં પાંચેક દિવસ પહેલાં થયેલી લૂંટના ગુનામાં આતર રાજય લૂંટારૂ ગેંગને ઝડપી પોલીસ ખોખારો ખાઇ ત્યાં ફરી વાવડી રોડ પર સિરામિકના વેપારીની આંખમાં મરચુ છાંટી દિન દહાડે બે શખ્સોએ રૂા.૧૫.૮૦ લાખની રોકડ સાથેના થેલાની લૂંટ ચલાવી ફરાર થતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે બંને લૂંટારાને ઝડપી લેવા નાકાબંધી કરાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પરંતુ લૂંટનો ભેદ ઉકેલાય તેવી કોઇ મહત્વની કડી પોલીસને પ્રાપ્ત નથી થઇ પોલીસે કેટલાક શકમંદોની પૂછપરછ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના રવાપર રોડ પર આવેલા આલાપ પાર્ક સાઈન્ટીફીક વાડીમાં રહેતા અને જૂના રફાળેશ્ર્વર રોડ પર પ્લેટીના વિકટીફાઇવ પ્રા.લી. નામે ભાગીદારીમાં કારખાનું ધરાવતા હિતેશ લાલજીભાઇ સરડવા નામના ૪૫ વર્ષના પટેલ પ્રૌઢ પોતાના ઘરેથી વાવડી રોડ પર આવેલી સોમૈયા સોસાયટીમાં આવેલી પોતાની ઓફિસે ઇનોવા કાર લઇને પહોચી કારમાંથી રોકડ ભરેલો થેલો બહાર કાઢ્યો તે દરમિયાન પાછળથી ઘસી આવેલા બે અજાણ્યા શખ્સો પૈકી એક શખ્સે હિતેશભાઇ પટેલની આંખમાં મરચુ છાંટી રૂા.૧૫.૮૦ની રોકડ સાથેનો થેલો ઝૂંટવા પ્રયાસ કર્યો તેમ છતાં હિતેશભાઇ પટેલે રોકડ સાથેનો થેલો મુકતા ન હોવાથી એક શખ્સે પાછળથી ધોકો મારી હુમલો કરી લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

હિતેશભાઇ પટેલ પોતાના નિત્યક્રમ મુજબ વાવડી રોડ પર પોતાની ઓફિસે જતા હોય છે અને પાર્ટીને પેમેટ કરવાનું હોવાથી તેઓ સવારે નવેક વાગે ઘરેથી નીકળી ઓફિસે રોકડ અને પાર્ટીના આવેલા પેમેટના ચેક જમા કરાવવાના હતા તે પણ તેઓએ પોતાના થેલામાં રાખ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

લૂંટની ઘટનામાં જાણભેદુની સંડોવણી હોવાનું અને તેઓના ઘરેથી જ પીછો કરી વાવડી રોડ પરની તેમની સિરામીકની ઓફિસ સુધી આવ્યા બાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યાની શંકા સાથે પોલીસે તપાસ હાથધરી લૂંટારાને ઝડપી લેવા હાઇવે પર નાકાબંધી કરાવી હતી.હિતેશભાઇ પટેલ પર હુમલો કરી રૂા.૧૫.૮૦ લાખની લૂંટ ચલાવવા બાઇક પર આવેલા બે શખ્સો પૈકી એક શખ્સે હેલ્મેટ પહેરી હોવાનું અને પાછળ બેઠેલા શખ્સે કાળુ ઝાકીટ પહેર્યાના સીસીટીવી ફુટેજ મળી આવતા મોરબી જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલા એલસીબી પી.આઇ. વીશુભા જાડેજા સહિતના સ્ટાફે નંબર પ્લેટ વિનાના બાઇક પર આવેલા બંને લૂંટારાના સગડ મેળવવા કેટલાક શકમંદોની અટકાયત કરી પૂછપરછ હાથધરી છે. બીજી તરફ હિતેશભાઇ પટેલના તાજેતરમાં છુટા થયેલા કર્મચારીઓને પણ શંકાના પરિઘમાં રાખી તપાસ હાથધરવામાં આવી છે.

બેન્ક લૂંટનો ભેદ ઉકેલાયો ત્યાં ફરી લૂંટ થતા વેપારીઓમાં ફફડાટ

મોરબીના મહેન્દ્રનગરમાં બેન્કમાં પાંચ દિવસ પહેલાં થયેલી લૂંટના ગુનામાં સંડોવાયેલા પરપ્રાંતિય શખ્સોની ધરપકડ કરી લૂંટનો ભેદ ઉકેલ્યો ત્યાં ફરી વાવડી રોડ પર સિરામીકના વેપારી પર હુમલો કરી બે શખ્સોએ લૂંટ ચલાવતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે. મોરબીમાં મજુરી કામ અર્થે આવતા પરપ્રાંતય શખ્સો દ્વારા રેકી કરી લૂંટને અંજામ આપતા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.