Abtak Media Google News

પ્રથમ પાના ઉપર ફોટો અને અંગુઠાની છાપ પણ નહીં લગાવી શકાય : તાજેતરમાં વકીલો સાથે થયેલ ફ્રોડના કિસ્સાને ધ્યાને લઇ નોંધણી સર નિરીક્ષક દ્વારા જાહેર કરાયો આદેશ

દસ્તાવેજની નોંધણી વખતે દસ્તાવેજ લખી આપનાર, લખાવનાર તથા ઓળખ આપનારની આધારકાર્ડની ખરી નકલ રજૂ કરવામાં આવે તો તેને દસ્તાવેજના ભાગ સાથે જોડવાની નથી તેવી સ્પષ્ટ સુચના નોંધણી સર નિરીક્ષક દ્વારા જાહેર કરવામાં આવી છે.

રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી કરતા વકીલોના ખાતામાંથી નાણાં ઉપડી જવાના 35 જેટલા કિસ્સા પ્રકાશમાં આવ્યા બાદ રેવન્યુ બાર એસોસિએશનની રજૂઆતના પગલે સાયબર ક્રાઇમ પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે ત્યારે હજુ પણ વકીલોના ખાતામાંથી નાણાંની ઉઠાંતરી ચાલુ રહેતા ગાંધીનગરથી સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પસ દ્વારા વધુ એક પરિપત્ર કરવામાં આવ્યો જેમાં હવેથી નોંધણી અર્થે રજૂ થતા દસ્તાવેજના પ્રથમ પાના ઉપર દસ્તાવેજ રજૂ કરનારનો પાસપોર્ટ ફોટો કે અંગૂઠાની છાપ લગાવવાના રહેશે નહીં તેવો સ્પષ્ટ આદેશ કર્યો છે.

સુપ્રીટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પસે જારી કરેલા પરિપત્રમાં તમામ સબ રજિસ્ટ્રારને જણાવ્યું હતું કે, દસ્તાવેજ નોંધણી વખતે લખી આપનાર, લખાવી લેનાર તથા ઓળખ આપનારાઓની ઓળખ માટે આધારકાર્ડની નકલ રજૂ કરવામાં આવે તો તેને દસ્તાવેજનો ભાગ તરીકે જોડવાની નથી. તેમજ દસ્તાવેજમાં કોઇપણ જગ્યાએ લખી આપનાર, લખાવી લેનાર કે ઓળખાણ આપનારના આધારકાર્ડનો ઉલ્લેખ કરવાનો નથી.

તેમ છતાં કોઇ પક્ષકારને દસ્તાવેજમાં આધારકાર્ડ નંબરનો ઉલ્લેખ કરવો હોય તો તેના માત્ર છેલ્લા ચાર આંકડા લખવાના રહેશે. મિલકત દસ્તાવેજ નોંધણી નંબર જાહેર દસ્તાવેજ હોવાથી કોઇપણ અરજદાર તેની નકલ મેળવી આધાર નંબર તથા આંગળાની છાપનો દુરુપયોગ કરે તેવી સંભાવના રહેલી છે. જેથી દસ્તાવેજમાં લખી આપનાર, લખાવી લેનાર કે ઓળખ આપનારના આધારકાર્ડનો નંબરનો ઉલ્લેખ કરવાનો રહેશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.