Abtak Media Google News

પ્રાચીનયુગથી આજપર્યંત માનવ સુખ, સુવિધા અને સગવડ મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહ્યો છે. મનુષ્ય પોતાના સુખમાં અભિવૃદ્ધિ કરવા પ્રતિક્ષણ કંઈક નવું વિચારે છે અને તેને અમલમાં મૂકી પૂર્ણ કરે છે.

Advertisement

એક સમયે બળદગાડા અને ઘોડાગાડીમાં મુસાફરી કરતો માણસ આજે વિમાનમાં ફરતો થયો. કબુતર દ્વારા સંદેશવ્યવહાર કરતો માણસ આજે મોબાઈલ અને ઈમેલ વાપરતો થયો. લાકડાં કે છાણાનું ઈંધણ વાપરી રસોઈ પકવતો આજે ઓવન કે સ્ટવ વાપરતો થયો. પોતાની જ્ઞાનપિપાસાને સંતોષવા માટે ગ્રંથોમાં ઊંડાણ શોધતો આજે ઈન્ટરનેટથી આખી દુનિયાને મુઠ્ઠીમાં રાખતો થયો. પર્ણકુટીરમાં નિવાસ કરતો મનુષ્ય આજે ગગનચુંબી ઈમારતોમાં વસવાટ કરવા લાગ્યો. પત્રાવળામાં ફળાહાર કરતો માણસ આજેપંચતારક – સપ્તતારક હોટલોમાં મિજબાનીની ઝયાફત ઉડાવતો થયો. આજના ભૌતિકયુગમાં 3ડી, 5ડી અને 7ડી ની કાલ્પનિક દુનિયા ખડી કરી તેની સહેલગાહ માણતો થયો, આજે માણસ ચંદ્ર ઉપર ગયો ધરતીના પેટાળમાં જઈ આવ્યો.

ખરેખર, લાઈફને બદલવા માટે માનવે લાઈફસ્ટાઈલ બદલી નાંખી. પરંતુ મૃગજળ સમ આ સુખને પામવા માટે મહદ્અંશે વ્યક્તિ કંઈક ગુમાવતો પણ થયો અને કંઈક મેળવતો પણ થયો છે.

કંઈક વધારે મેળવવાની દોડમાં માનવ પોતાનું સ્વાસ્થ્ય ગુમાવે છે.કોઈ સંબંધો ગુમાવે છે તો ઘણા લોકો જીવનના મૂલ્યો અને સંસ્કારને નષ્ટ કરે છે. ઘણા તો મૃત્યુને પણ આહવાન આપી બેસે છે. નંદરાજાએ ભગવાનને ભૂલી ધનને જ પરમેશ્વર માની આખી પૃથ્વીનું ધન ભેગુ કર્યું. પરંતુ તે જ ધનના અતિલોભે કરીને તેનુ મૃત્યુ થયુ.

આ તો થઈ કંઈક ગુમાવવાની વાત પરંતુ વધારે મેળવવાની લ્હાયમાં માનવ માન, ઈર્ષ્યા, ક્રુરતા મેળવે છે. અને સંસારનું અહીત કરવા લાગે છે. એક રાજ્યના રાજકુમારને (નેપાળના રાજકુમાર દિપેન્દ્ર) પોતાના શત્રુ પરિવારની યુવતી સાથે લગ્ન કરવાનો વિચાર આવ્યો. પરંતુ માતાએ ના પાડતા અતિશય ક્રોધે ભરાઈ ક્રુર રીતે પોતાના પરિવારની જ કરપીણ હત્યા કરી અને પોતે પણ મૃત્યુને વહાલું કર્યું.

ખરેખર, ભૌતિક સુખના નશામાં રચ્યોપચ્યો રહેતો માનવ શાશ્વતસુખના નિધિ એવા સુખસ્વરૂપ પરમાત્માને પણ ભૂલી જાય છે. ત્યારે તેનું પરિણામ ખુબ માઠુ આવતું હોય છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃત સારંગપુર પ્રકરણના 10માં કહે છે, અધર્મી માણસ હોય તે તો ચોરી, પરસ્ત્રીનો સંગ, મદ્ય-માંસનું ભક્ષણ, વટલવુ-વટલાવવું એ આદિક જે સર્વે કુકર્મ તેને વિષે જ ભરપૂર હોય, ને તેનો સંસારમાં કોઈ વિશ્વાસ કરે જ નહીં એના સગાં હોય તે પણ કોઈ એનો વિશ્વાસ ન કરે.

અંતમાં જે પરમાર્થી વ્યક્તિ પરહીત કરતો હોય છે તે પોતાના સ્વાર્થ માટે લાખો લોકોની શાંતિની અખંડિતાને હણી નાંખવા મચી પડે છે. પોતાના અહંકારનો જ ગુલામ થયેલો તે ‘હું જ સર્વસ્વ છું, મારાથી જ બધુ થાય છે’ તેવા દંભનો શિકાર બને છે.આવા વ્યક્તિને ભગવાન કે ભગવાન સંબધી કાર્યો સાથે કોઈ નિસબત નથી હોતી તેને તો કેવળ પોતાનુ હિત જ વહાલું હોય છે.

‘શુ પૂછો છો મુજને કે હું શું કરું છું

મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છુ

આવા અહંકારના મદમાં રાચવા માંડે છે.

ખરેખર, જે ભગવાનનાં માર્ગથી ભટકે છે તે આ સંસારમાં ભટકી પડે છે. અંતે તે અન્યને દુ:ખી કરવામાં પોતાના પાશવી આસુરી અહંને પોષે છે. તેને જ્ઞાન નથી કે જે કાર્ય દ્વારા તે આગળ વધે છે તે શાશ્વત શાંતિનો માર્ગ નથી. ભગવાનને ભૂલીને જે પણ કાર્ય કરે અંતે તેનુ ફળ નિશ્ચિત છે – અશાંતિ !!

દુર્યોધનને સ્વયં શ્રીકૃષ્ણ નારાયણ સમજાવવા ગયા હતા. છતાં જેણે બે કાન આડા હાથ કર્યા હોય તેને શું સંભળાય. ખરેખર, જે કેવળ પોતાના અહંકારનું જ સાંભળતો હોય તેને ભગવાનની વાણી પણ નથી સંભળાતી. ભગવાને દર્શાવેલા માર્ગથી દૂર ગયેલો દુર્યોધન અંતમાં પોતાના ભાઈઓ, પરિવારજનો, મિત્રો અને નગરજનો સહીત મૃત્યુનાં મુખમાં ધકેલાઈ જાય છે.

ન કેવળ આ એકલા દુર્યોધનની વાત છે અપિતુ હિરણ્યકશિપુ, કંસ, શિશુપાલ, જરાસંઘ, રાવણ, હિટલર, લાદેનની પણ આ જ કહાની છે. જેમણે ભગવાનના માર્ગનો ત્યાગ કર્યો અને વિશ્વની શાંતિને હણી નાંખવા માટેના પ્રયત્નો કર્યા.

એટલે જ ભગવાન શ્રીકૃષ્ણ નારાયણ શ્રીમદ્ ભગવતગીતાના (7/14) શ્લોકમાં કહે છે –

ન માં દુષ્કૃતિનો મૂઢા: પ્રપદ્યન્તે નરાધમા: ।

માયયાપહ્યતજ્ઞાના આસુરં ભાવમાશ્રિતા: ॥

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.