Abtak Media Google News
12 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી રૂ. 1.53 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે લેતી સ્ટેટ મોનિટરિંગ સેલ, હોટલ સંચાલક સહિત આઠ પકડાયા: ચારની શોધખોળ

ભાવનગર જિલ્લામાં આવેલી રોલીંગ મીલમાંથી લોખંડના સળીયા ભરી રાજ્ય ઉપરાંત પર પ્રાંતના શહેરોમાં ડિલીવરી આપવા જતાં વાહનોમાંથી આ લોખંડના સળીયા ભાલ પંથકમાં એક હોટલ સંચાલક દ્વારા સસ્તા ભાવે ખરીદી-વેચી નાખવાનું મોટું કૌભાંડ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપ્યું હતું. જેમાં રુપિયા દોઢ કરોડના મુદ્દામાલ સાથે આઠ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

જ્યારે અન્ય ચાર શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.ભાવનગર-અમદાવાદ શોર્ટ રુટ પર ભાલ પંથકમાં આવેલા અધેલાઈ ગામની સીમમાં ગાયત્રી હોટલ આવેલી છે. આ હોટલનો સંચાલક ગિરીરાજસિંહ ભીખુભા ચુડાસમા પોતાની હોટલના પટાંગણમાં રોડ પરથી પસાર થતી લોખંડ ભરેલી ટ્રકના ડ્રાઈવરો તથા વાહન માલિકો સાથે સેટીંગ કરી ભરેલી ટ્રકો પોતાની હોટલ પર થોભાવી આ ટ્રકોમાંથી લોખંડનો કેટલોક જથ્થો સસ્તા ભાવે ખરીદી રોલીંગ મીલ ધારકો તથા લોખંડની ખરીદી કરતાં આસામીઓ સાથે છેતરપીંડી આચરતા હતાં.

ટીમે દરોડા પાડી આઠ શખ્સોને ઝડપી લીધા દરમિયાન ટીમે હોટલ પર ટ્રકમાંથી લોખંડનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો એ દરમિયાન રેડ કરી આઠ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં ભવરામ કેસારામ જાટ, જેઠારામ ભીખારામ જાટ, નિતીન કૈલાસ યાદવ, મહેન્દ્ર દાસોપંડિત કુંભાર, નિકુલ ધરમશી ખસીયા, સુરેશ બટુક ચૌહાણ, ભરત ભુપત ચુડાસમા અને ગિરીરાજસિંહ ઉર્ફે ગિરુભા ભીખુભા ચુડાસમાની ધડપકડ કરી હતી. જ્યારે અન્ય 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં હતા. આ ઉપરાંત લોખંડના સળીયા, ભંગાર, મોબાઈલ, ટ્રક અને રોકડ રકમ મળી કુલ રુ. 1 કરોડ 53 લાખ 70 હજાર 355નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમજ આરોપી અને મુદ્દામાલનો કબ્જો સોંપી વધુ તપાસ હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.