Abtak Media Google News

ભાજપનાં ભવ્ય વિજય બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા પક્ષ પ્રમુખ અમિતભાઈ શાહને અભિનંદન પાઠવતા રાજુભાઇ ધ્રુવ.

કર્ણાટક વિધાનસભાનાં પરિણામો જાહેર થતા ૧૦૪ બેઠકો પરથી વિજયી થતા સાથે ભારતીય જનતા પાર્ટી કર્ણાટકમાં સૌથી મોટા પક્ષ તરીકે જીત મેળવનાર પાર્ટી બની છે. ભાજપનાં સીમાચિહ્નરૂપ વિજયને વધાવતા પાર્ટી પ્રવક્તા રાજુભાઇ ધ્રુવે હર્ષભેર જણાવ્યું હતું કે દક્ષિણ ભારતના રાજ્યમાં પણ હવે ભાજપની વિજયકુચનો પ્રારંભ થઈ ચૂક્યો છે. દેશનાં અન્ય રાજ્યોની જેમ કર્ણાટક પણ હવે કોંગ્રેસ મુક્ત બન્યું છે અને આગળ જતા ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ ભૂતકાળ બની જશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

વિજયનું વિશ્લેષણ કરતાં રાજુભાઈએ જણાવ્યું હતું કે આ પરિણામે ફરી એક વખત સાબિત કર્યું છે કે નરેન્દ્રભાઈ મોદી આ દેશના એકમાત્ર સર્વાધિક લોકપ્રિય અને વિરાટ રાજનેતા છે. તેમની વિકાસની રાજનીતિ પર પ્રજાએ મહોર મારી છે. દેશના  કરોડો ગરીબો, કિશાનો અને છેવાડાના માનવીની સુખાકારી માટે મોદીજીના નેતૃત્વ હેઠળ ભાજપની સરકારે કરેલી વિકાસ અને જનકલ્યાણની કામગીરીની પ્રજાએ કદર કરી છે જેનું પરિણામ  પંચાયતની હોય કે  પાર્લામેન્ટની દરેક  ચુંટણીમાં ભાજપને મળ્યું છે. કર્ણાટકની ઐતિહાસિક જીત ભાજપની સાથોસાથ કર્ણાટકની જનતાની પણ જીત છે .

તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ના પ્રજાલક્ષી અભિગમ અને અમિતભાઈ શાહની સંગઠન શક્તિ, રણનીતિ તથા છેક બુથ લેવલ સુધીના યોગ્ય મેનેજમેન્ટ સામે બાકીના બધા પક્ષો વામણા સાબિત થઈ રહ્યા છે. પક્ષના લાખો -કરોડો રાષ્ટ્રવાદી અને રાષ્ટ્ર સમર્પિત કાર્યકરોની મહેનત રંગ લાવતી રહી છે અને સરકાર માં નરેન્દ્રભાઈ નું અને પક્ષ માં અમિતભાઈના નેતૃત્વ તથા કાર્યકરોની મહેનતને કારણે એક પછી એક રાજ્યોમાં ભગવો શાનથી લહેરાઈ રહ્યો છે. આજે દેશનાં ૭૦ ટકાથી વધુ ભાગ અને ૨૧ રાજ્યોમાં કેસરિયો લહેરાઈ ચૂક્યો છે.

રાજુભાઈએ કોંગ્રેસની ભાગલા પાડો અને રાજ કરોની નીતિની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે માત્ર સતાના સ્વાર્થ ખાતર કોંગ્રેસે કર્ણાટકમાં હિંદુઓમાં ભાગલા પડાવવાનું પાપ આચર્યું હતું, પણ કર્ણાટકની શાણી પ્રજાએ કોંગ્રેસને પાઠ ભણાવ્યો છે. ચૂંટણીમાં કારમા પરાજય અને ચૂંટણી અગાઉ જે.ડી.એસ. ના વિરોધ માં લડનાર કોંગ્રેસે હવે તેની સાથે તકવાદી ગઠબંધન કર્યું છે.

પણ એવા એક પણ અનૈતિક કારસાને કર્ણાટકની પ્રજા સ્વીકારશે નહીં અને કર્ણાટકમાં ભાજપની સરકાર જ રચાશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા સાથે તેમણે એ પણ જણાવ્યું હતું કે, કર્ણાટક ચુંટણી દરમિયાન રાહુલ ગાંધી વાંરવાર પોતાની સભાઓમાં નરેન્દ્રભાઈ મોદીને પ્રશ્ર્નો પૂછી રહ્યા હતા એ બધા જ સવાલોનો જવાબ કર્ણાટકની જનતાએ ચુંટણીના પરિણામો દ્વારા આપ્યો છે. કોંગ્રેસ ગમે તેટલા હવનમાં હાડકાં નાખે પરંતુ હજુ વધુને વધુ લોક કલ્યાણકારી કાર્યો દ્વારા નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં ભાજપ વિકસિત ભારતનું નિર્માણ કરશે એવું રાજુભાઈ ધ્રુવ જણાવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.