Abtak Media Google News

વિધાનસભાની આગામી ચૂંટણીમાં ટિકિટ ફાળવણી માટે ભાજપના નિયમો લગભગ ફાઇનલ: બે ડઝનથી વધુ સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કપાશે

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને આડે હવે માત્ર છ મહિનાનો સમયગાળો બાકી રહ્યો છે. ત્યારે સત્તાધારી પક્ષ ભાજપે વિધાનસભાની આગામી ચુંટણીમાં ટિકિટ ફાળવણી માટે કેટલાક નિતી નિયમો ફાઇનલ કરી દીધા હોવાનું જાણવા મળી રહ્યા છે. જેમાં 65 વર્ષથી વધુની ઉંમર ધરાવતા અને ચાર કે તેથી વધુ ટર્મ લડેલાને હવે ટિકિટ નહી આપવામાં આવે તે ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. ભાજપના બે ડઝનથી વધુ સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કપાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ વડાપ્રધાન, ગૃહમંત્રી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતના ટોચના નેતાઓના આંટાફેરા ગુજરાતમાં વધ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) બી.એલ.સંતોષ તાજેતરમાં બે દિવસની ગુજરાત મૂલાકાત પર હતા. તેઓએ અલગ-અલગ મોરચા સાથે સંગઠાત્મક બેઠકો યોજી હતી. વિધાનસભાની આગામી ચૂંટણીમાં ટિકિટ ફાળવણી માટેના કેટલાક સામાન્ય નિયમો બનાવવાની ચર્ચા થવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં 65 વર્ષથી વધુ ઉંમર ધરાવતા આગેવાનોને અને ચાર કે તેથી વધુ ટર્મ વિધાનસભાની ચૂંટણી લડેલાઓને હવે ટિકિટ  નહી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ફાઇનલ મનાઇ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે ગત વર્ષ ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રથમવાર ટિકિટ ફાળવણી માટે નિયમો બનાવ્યા હતા. જેમાં 60 વર્ષથી મોટી ઉંમરના કાર્યકર, સતત ત્રણ ટર્મથી ચૂંટણી લડતા અને જીતતા નેતા સંગઠનમાં સ્થાન ધરાવતા વ્યક્તિ, પ્રદેશ કે સ્થાનિક સંગઠનમાં હોદ્ો ભોગવતા નેતાના સંતાનો અને મહાપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં હોદ્ો ભોગવી ચૂકેલાઓને ટિકિટની ફાળવણી કરવામાં આવી ન હતી. દરમિયાન ગત સપ્ટેમ્બર માસમાં રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન કરવામાં આવ્યું હતું. તેમાં પણ ભાજપે નો-રિપીટ થિયરી અપનાવી હતી. મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળના તમામ સભ્યોને ઘરે બેસાડી દેવામાં આવ્યા હતા અને આવી સરકારમાં નવા ચહેરાને સ્થાન મળી હતું.

ગુજરાત હમેંશા ભાજપ માટે એક પ્રયોગ શાળા રહી છે. આવામાં ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણીમાં પણ ભાજપ ટિકિટ ફાળવણીમાં કેટલીક નીતી-નિયમોની અમલવારી કરે તેવું લાગી રહ્યું છે. જો ભાજપ નિયમો બનાવશે તો બે ડઝનથી વધુ સિટીંગ ધારાસભ્યોની ટિકિટ પર કાતર ફરી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.