ફરી સ્વેટર-ટોપી ધારણ કરવા પડે તેવી ઠંડક: રાત્રે પણ ઠંડા પવનો ફૂંકાયા: આકાશમાં વાદળો બંધાયા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે  વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. સવારે આકાશમાં વાદળો બંધાયા હતા. ઠંડાગાર પવનો ફૂંકાવાના કારણે ફરી લોકો ગરમ વસ્ત્રોમાં વિંટોળાયેલા જોવા મળ્યા હતા. રાત્રીના સમયે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. મહતમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. ગઈકાલે મંગળવારે મોડી સવારે ઝાકળવર્ષા થયા બાદ આજે વાદળછાયુ વાતાવરણ છવાયું હતુ.

ફેબ્રુઆરી માસમાં રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે. જોકે છેલ્લા બે  દિવસથી વાતાવરણમાં પલ્ટો નોંધાયો છે. ગઈકાલે મોડી સવાર સુધી ઝાકળ વર્ષા થવા પામી હતી. દરમિયાન આજે સવારે આકાશમાં વાદળો બંધાયા હતા. ઠંડીનો અહેસાસ  થતો હતો. સવારે શાળાએ જતા બાળકો આજે ગરમ વસ્ત્રોમાં વિટોળાયેલા જોવા મળતા હતા. ગઈકાલે રાત્રે પણ ઠંડા પવનો ફૂંકાયા હતા જેના કારણે  વાતાવરણમાં  ઠંડકનો અહેસાસ  થતો હતો. હજી એકાદ બે  દિવસ ગરમીમાં થોડી રાહત રહેશે ત્યારબાદ ફરી સૂર્યનારાયણ કાળઝાળ બનશે.

દરમિયાન  ગઈકાલે અમરેલીનું મહતમ તાપમાન  38.2 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 31.4 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 30.7 ડિગ્રી, રાજકોટનું તાપમાન  36.7 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 35.7 ડિગ્રી, મહુવાનું તાપમાન  36.6 ડિગ્રી, કેશોદનું તાપમાન  35 ડિગ્રી, અમદાવાદનું તાપમાન  34.5 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન  36.5 ડિગ્રી, વલ્લભ વિધાનગરનું તાપમાન  36.5 ડિગ્રી વલસાડનું તાપમાન  38 ડિગ્રી, અને કંડલાનું  તાપમાન  36.7 ડિગ્રી રહ્યું હતુ.

અમરેલી-તાલાલાની ધરા ધ્રુજી

સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે સવારે 9:31 કલાકે અમરેલીથી 45 કિમી દૂર 2.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ બપોરે 11:22 કલાકે તાલાલાથી 24 કિમી દૂર 1.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ બપોરે 12:08 કલાકે અમરેલીથી 45 કિમી દૂર 2.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.