Abtak Media Google News

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિરામ લીધેલા ચોમાસાએ હવે આજથી ફરી જમાવટ કરી છે. હવામાન વિભાગ દ્વારા આજથી રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારથી જ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં મેઘમહેર થઈ હતી. જેમાં સૌથી વધુ રાજકોટમાં બપોર સુધીમાં જ દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

ગોંડલમાં દોઢ ઈંચ વરસાદ વરસતા શહેર પાણી-પાણી, રાજકોટમાં પણ સાર્વત્રીક વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા

આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં સાર્વત્રીક વરસાદની હવામાન વિભાગની આગાહી: માછીમારોને દરિયો ન ખેડવા સુચના

આજે સવારથી જ સૌરાષ્ટ્રમાં ક્યાંક ધીમે ધારે તો ક્યાંક ભારે વરસાદ શરૂ: આવતીકાલે રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદ પડે તેવી શકયતા

આ ઉપરાંત મોરબી અને રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેમાં મોરબી હાઈવે, યુનિવર્સિટી રોડ, આકાશવાણી ચોક, ઈન્દિરા સર્કલ અને રૈયારોડ સહિતના વિસ્તારોમાં 1 કલાકમાં જ દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ગોંડલ પંથકમાં પણ ભારે કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજથી ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે સવારથી રાજકોટમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને મેઘરાજાએ પધરામણી કરી હતી. શહેરના 150 ફૂટ રીંગ રોડ, યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, મોરબી રોડ, સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્તા શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરના અનેક વિસ્તારો એવા હતા કે જ્યાં તડકો જોવા મળી રહ્યો હતો. જો કે અહીં પણ સાંજ સુધીમાં મેઘરાજા મંડાઈ જાય તેવી આશા સૌ કોઈ રાખી બેઠા છે. વરસાદને કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્રમાં સાર્વત્રીક વરસાદની આગાહી કરી છે. રાજકોટ જિલ્લામાં વાવણી બાદ વરસાદ  ખેંચાતા કપાસ, મગફળી, મગ, અડદ, મકાઈ સહિતના પાકો સુકાવા લાગ્યા છે ત્યારે વરસાદની આગાહીના પગલે ખેડૂતોના પાક બચી જાય તેવી આશા જાગી છે.

Rain Monsoon

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં સાર્વત્રીક વરસાદ થયો છે. આજથી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરતા રવિવારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં લોપ્રેસર સક્રિય થયું છે જેના લીધે આગામી ચાર દિવસમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે જેમાં કેટલાંક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. આજરોજ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી આણંદ, દાહોદ, મહિસાગર, ભરૂચ, ડાંગ, તાપી, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જ્યારે આવતીકાલે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી અને ભાવનગર જ્યારે સોમવારે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ

ગુજરાતમાં હજુ સુધી 8.57 ઈંચ સાથે મોસમનો સરેરાશ 25.92 ટકા વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી કચ્છમાં 4.72 ઈંચ સાથે 28.35 ટકા, ઉત્તર ગુજરાતમાં 5.43 ઈંચ સાથે 19.29 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 6.96 ઈંચ સાથે 22.5 ટકા વરસાદ અને સૌરાષ્ટ્રમાં 6.61 ઈંચ સાથે 24.7 ટકા જ્યારે દક્ષિણ ગુજરાતમાં 18.22 ઈંચ સાથે મોસમનો 31.92 ટકા વરસાદ નોંધાઈ છૂક્યો છે.

આજે સવારથી બપોરના 2 વાગ્યા સુધીનો વરસાદ

જિલ્લોતાલુકોવરસાદ (મીમી)
રાજકોટગોંડલ37 મીમી
રાજકોટરાજકોટ33 મીમી
મોરબીટંકારા20 મીમી
જામનગરજોડીયા15 મીમી
નવસારીચિખલી15 મીમી
રાજકોટલોધીકા11 મીમી
રાજકોટજેતપુર15 મીમી
ભાવનગરપાલીતાણા10 મીમી
અમરેલીજાફરાબાદ10 મીમી
જૂનાગઢમાળીયા10 મીમી

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.