Abtak Media Google News

કાર્બન ઉત્સર્જનની સમસ્યાને શૂન્ય સુધી લઈ જનાર ભારત બનશે પ્રથમ દેશ

પ્રદુષણમુકત ભવિષ્ય માટે રેલવેને વિદ્યુતકરણ તરફ આગળ ધપાવવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે આગામી ૩ થી ૪ વર્ષમાં જ રેલવેને સંપૂર્ણ વિદ્યુતીકરણ કરવા માટેનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે જેનાથી ભારત વિશ્ર્વની પ્રથમ કાર્બન ઉત્સર્જન મુકત રેલવે બનશે. સાથોસાથ પોતાની જરૂરીયાત માટે રેલવે સુર્યઉર્જાનું ઉત્પાદન કરી રહી છે ત્યારે રેલમંત્રી પિયુષ ગોયલે ટવીટર પર દેશવાસીઓને આ અંગે માહિતી આપી હતી. રેલવે મંત્રી પિયુષ ગોયલે જણાવતા કહ્યું હતું કે, ૨૦૨૦ સુધીમાં ભારતીય રેલવે કાર્બન ઉત્સર્જનની સમસ્યાને શૂન્ય સુધી લઈ જનારી વિશ્ર્વની પ્રથમ રેલવે બનશે. સરકાર જુના કોલ આધારીત કેન્દ્રો બંધ કરી પર્યાવરણ, પ્રદુષણ ઘટાડી રહ્યું છે અને નવા કેન્દ્રો સ્થાપિત કરી રેલવે ઈતિહાસ સર્જશે તેવું પણ જાણવામાં આવી રહ્યું છે જે અંગે ઉર્જાપંચની ત્રીજી બેઠક ગત માસમાં જ મળી હતી જેમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી છે.

7537D2F3 1

નીતિ આયોગનાં આંકડા મુજબ ભારતીય રેલવે ૨૦૧૪માં ૬.૮૪ મિલીયન ટન કાર્બન ડાયોકસાઈડનું પ્રદુષણ હવામાં મુકત કર્યું હતું. હાલ કલાયમેન્ટ ચેન્જ માટે કાર્બનનું પ્રમાણ અને પ્રદુષણ ઘટાડવા માટે સરકાર તનતોડ મહેનત કરી રહી છે ત્યારે આગામી ૨૦૨૩ સુધીમાં રેલવે ૧૦૦ ટકા વિદ્યુત સંચાલિત ચાલશે તે માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, આગામી ૨૦૨૩ સુધીમાં ભારતીય રેલવે વિશ્ર્વની પ્રથમ એવી રેલવે બની જશે કે જેનું સંપૂર્ણ કદ અને તેનું પ્રમાણમાં ૧૦૦ ટકા વિદ્યુત સંચાલિત રહેશે. વાયુ પ્રદૂષણથી લોકોને મુક્તિ મળે તે માટે રેલવેએ તબક્કાવાર ડીઝલ એન્જિન બંધ કરી તેની જગ્યાએ ઇલેક્ટ્રિક એન્જિનનો ઉપયોગ શરૂ કરવાની કવાયત હાથ ધરી છે. ગુજરાતમાં પણ તમામ રેલવે રૂટનું ઝડપી ઇલેક્ટ્રિફિકેશન કરાઈ રહ્યું છે, જેના પગલે ૨૦૨૧ના અંત સુધીમાં સંપૂર્ણ ગુજરાતમાં ઇલેક્ટ્રિક એન્જિનનો ઉપયોગ શરૂ કરી દેવાશે. આ વિશે વધુ માહિતી આપતા રેલવે અધિકારીએ જણાવ્યું કે, વાયુ પ્રદૂષણ ઘટાડવા ગુજરાત સહિત દેશભરમાં ડીઝલ એન્જિનનું સંચાલન બંધ કરવાની જાહેરાત કરી છે. ડીઝલ એન્જિન બંધ કરાતા ડીઝલનો ખર્ચ બચવાની સાથે ટ્રેનો ઝડપી દોડશે. હાલ ગુજરાતમાં અમદાવાદ-મુંબઈ રૂટ પર દોડતી તમામ ટ્રેનો ઈલેક્ટ્રિક એન્જિનથી દોડી રહી છે, જેના પગલે આ રૂટની ટ્રેનો ૮૦થી ૧૩૦ કિલોમીટરની ઝડપે દોડી રહી છે. તેમણે જણાવ્યું કે, પશ્ચિમ રેલવેમાં ૧૫૦૦ કિલોમીટર લાઈનનું ઇલેક્ટ્રિફિકેશન કામ પૂર્ણ કરી દેવાયું છે, જેમાં અમદાવાદ – મુંબઈ રૂટ ઉપરાંત અમદાવાદ-દિલ્હી રૂટ પર પણ ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી ચાલી રહી છે. તેમાં અમદાવાદથી પાલનપુર સુધીની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. એ જ રીતે અમદાવાદ-વિરમગામ- રાજકોટ – હાપા, સુરત – જલગાંવ, રતલામ – આંબેડકરનગર – ઇન્દોર, રતલામ-નીમચ રેલ સેક્શનમાં પણ ઇલેક્ટ્રિફિકેશનનું કામ પૂર્ણ થયું છે. બાકીના રૂટ પર ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી ચાલે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.