Abtak Media Google News

રાજકોટના લોકમેળા સમિતિની આવકમાંથી ગોંડલ બાદ હવે ઉપલેટામાં પણ રૂ. 40 લાખના ખર્ચે અત્યાધુનિક શિશુ કેર સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું આગામી શનિવારના રોજ લોકાર્પણ કરવામાં આવનાર છે.

રાજકોટના રેસકોર્સ ખાતે દર વર્ષે જન્માષ્ટમીના પર્વે લોકમેળો યોજાય છે.

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીનું પ્રેરણાદાયી પગલું : લોકમેળા સમિતિના ફંડમાંથી વધુ એક આરોગ્ય સવલત ઉભી થશે

શનિવારે સાંસદ રમેશ ધડુકના હસ્તે કોટેજ હોસ્પિટલના અલાયદા વોર્ડમાં ઉભા કરેલ અત્યાધુનિક સુવિધાનું થશે લોકાર્પણ

આ લોકમેળામાંથી લોકમેળા અમલીકરણ સમિતિને મોટી આવક થાય છે. આ આવકને લોકમેળા અમલીકરણ સમિતિના ફંડમાં જમા લેવામાં આવે છે અને ત્યારબાદ તેમાંથી અનેક સેવા કાર્યો હાથ ધરવામાં આવે છે.  જિલ્લા કલેકટર પ્રભાવ જોશી એ આ વખતે જન્માષ્ટમી એ લોકમેળાનું સફળ આયોજન કર્યું હતું જેમાંથી ખૂબ મોટી આવક પણ થઈ હતી. હવે આ આવક તેઓ આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા પાછળ ખર્ચી રહ્યા છે.

અગાઉ તેઓએ ગોંડલની સિવિલ હોસ્પિટલમાં 10 બેડના શિશુ કેર સેન્ટર બનાવવા માટે આ આવકમાંથી ખર્ચ ઉઠાવ્યો હતો. ત્યારબાદ ઉપલેટામાં પણ તાજા જન્મેલા બાળકોની સારવાર માટે ડોક્ટરો તો ઉપલબ્ધ હોય પરંતુ અતિ આધુનિક સાધનોનો અભાવ હોય તેવું જાણવા મળતા કલેકટરે ત્યાંની કોટેજ હોસ્પિટલમાં આધુનિક શિશુ કેર સેન્ટર સ્થાપવાનો નિર્ણય લીધો હતો. જેનું કામ હાલ પૂર્ણ થઈ ગયું છે. આ શિશુ કેર સેન્ટરમાં આધુનિક વોર્મર, મોનીટર, સિરિજ પમ્પ, ફોટોથેરાપી, મોબાઈલ એક્સરે, સેન્ટ્રલ ઓક્સિજન લાઈન ઉપરાંત અનેક આધુનિક સાધનો હશે.

આ શિશુ કેર સેન્ટરને કોટેજ હોસ્પિટલના અલાયદા વોર્ડમાં ઊભું કરવામાં આવ્યું છે. જેનું આગામી શનિવારના રોજ સાંસદ રમેશ ધડુકના હસ્તે ઉદઘાટન થવાનું છે. આ વેળાએ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે. આ સેવા શરૂ થતા હવે ઉપલેટાના લોકોને  શિશુની અત્યાધુનિક સારવાર માટે રાજકોટ સુધી લંબાવું નહીં પડે.  ઉલ્લેખનીય છે કે લોકમેળામાંથી થનાર આવકને જિલ્લા કલેકટરે આરોગ્ય સેવાઓ પાછળ ખર્ચવાનો પ્રેરણાદાય નિર્ણય લીધો છે જેના કારણે ગોંડલ બાદ હવે  ઉપલેટામાં પણ શિશુની સારવાર ઝડપી અને સઘન બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.