Abtak Media Google News

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં, કોઈએ ગભરાવાની જરૂર નથી

જીલ્લ્લા કલેકટર રેમ્યા મોહનની અપીલ – પૂરતી સાવચેતી રાખવી તેમજ બિનજરૂરી બહાર ના નીકળવું

ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક- તંત્ર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ

રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને લોકોને ખાસ અપીલ કરતા જણાવ્યું છે કે, દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. લોકોએ કોઈપણ પ્રકારની અફવાથી દોરવાઈ પેનિક નહીં થવા ખાસ વિનંતી કરી છે. રાજકોટ વાસીઓને હાલની પરિસ્થિતિમાં ખાસ સાવધાની રાખવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને લોકો સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક તેમજ વારંવાર હાથ ધોઈ કોરોના સંક્ર્મણથી સચેત રહેવા ભારપૂર્વક જણાવ્યું છે.

આજરોજ કલેકટર રેમ્યા મોહને રાજકોટ શહેર તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે આરોગ્ય સંબંધી સમીક્ષા બેઠક યોજી હતી. હાલ વિભાગીય તંત્ર કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ હોવાનું અને તંત્ર દ્વારા તમામ ટેસ્ટિંગ બુથ શરુ કરી દેવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું છે. હાલ રાજકોટ શહેરમાં પૂરતો મેડિકલ સ્ટાફ, વેન્ટિલેટર, દવાઓ સહીત હોસ્પિટલ્સમાં ૨૦૦૦ થી વધુ બેડ ઉપલબ્ધ હોવાનું કલેકટર રેમ્યા મોહને જણાવ્યું છે. રાજકોટ શહેરની પરિસ્થિતિ સંપૂર્ણ કંટ્રોલમાં છે, તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું અને લોકોએ બિલકુલ ગભરાવવું નહીં પરંતુ કોરોના સંક્રમણથી બચવા પૂરતી તકેદારી રાખવા કલેકટર તેમજ વહીવટી તંત્ર દ્વારા ખાસ સંદેશ પાઠવવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.