Abtak Media Google News

વર્ષ ૨૦૨૨માં માનવ તસ્કરીના ૪૦ ગુન્હા નોંધી ખેડા,નડીયાદ સહિત દેશભરમાંથી ૨૦ તસ્કરોની ધરપકડ કરાઈ

જાન્યુઆરીમાં કેનેડાની સરહદ નજીક ગાંધીનગરના ડીંગુચામાંથી એક પરિવારના ચાર લોકોના મૃતદેહો મળી આવ્યા બાદ ગેરકાયદેસર ઇમિગ્રેશન રેકેટ ચલાવતા એજન્ટોના રાષ્ટ્રવ્યાપી નેટવર્ક અને સ્થળાંતર કરનારાઓને ગેરકાયદેસર રીતે યુ.એસ.માં પ્રવેશવામાં મદદ કરવા માટે વિકૃત પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે તેવું સામે આવ્યું હતું. દુર્ઘટના પછીના લગભગ એક વર્ષમાં દિલ્હી પોલીસે ૪૦ પ્રવાસીઓ સાથે સંકળાયેલા ગેરકાયદેસર ઇમિગ્રેશનના ઓછામાં ઓછા ૨૦ કેસોમાં ૧૨ ગુજરાતી માનવ તસ્કરો સામે ગુનો નોંધ્યો છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ વર્ષમાં તેમની સામે નોંધાયેલા માનવ તસ્કરીના કેસની સંખ્યા બમણી થઈ ગઈ છે. ૨૦૧૯ માં દિલ્લી એરપોર્ટ પોલીસે આઠ એફઆઇઆર દાખલ કરી અને ૧૦ આરોપીઓ નોંધ્યા જે વર્ષ ૨૦૨૨માં આ આંકડો ૨૦ એફઆઇઆર અને ૪૦ આરોપી સુધી પહોંચી ગયો.

દિલ્હી પોલીસ પાસેથી મેળવેલા દસ્તાવેજો અનુસાર આઈજીઆઈ એરપોર્ટ પોલીસે ૨૦૨૧ માં માનવ તસ્કરીના કેસમાં સાત આરોપીની ધરપકડ કરી હતી. છ આરોપીઓની મહેસાણા અને એકની નડિયાદથી ધરપકડ કરી હતી. આ તમામ એજન્ટો પર છેતરપિંડી, બનાવટી દસ્તાવેજ બનાવવા અને તેનો અસલ તરીકે ઉપયોગ કરવાની  કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

૨૦૨૨ માં તેઓએ અમદાવાદમાંથી ત્રણ, ગાંધીનગર, વલસાડ અને ખેડામાંથી બે-બે અને પાટણ, જામનગર અને વલસાડમાંથી એક-એક સહિત ૧૨ એજન્ટોની ધરપકડ કરી હતી.

દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે પાટણના માનવ તસ્કર મનીષ ઉર્ફે કેતન પટેલ લોકો વિરુદ્ધ ગેરકાયદેસર રીતે યુએસ મોકલવા માટે પાસપોર્ટ અને વિઝા બનાવવા બદલ ચાર અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યો છે. અન્ય માનવ તસ્કર ખેડાના દુષ્યંત બ્રહ્મભટ્ટ પર ત્રણ અલગ-અલગ કેસમાં આરોપ મૂકવામાં આવ્યો હતો.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, એક પરિવાર માનવ તસ્કરને રૂ. ૭૫ લાખથી રૂ. ૧ કરોડ સુધીની ચુકવણી કરે છે. આ નાણાંમાં ફ્લાઇટની ટિકિટ, ભોજન અને રહેવાથી લઈને સિમ કાર્ડ સુધીની દરેક વસ્તુ આવરી લેવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.