Abtak Media Google News

વાવાઝોડાના કારણે કામ એક સપ્તાહ બંધ રહ્યું: લોડ ટેસ્ટીંગ ચાલુ, મુખ્યમંત્રીનો સમય મળતા જ લોકાર્પણની તારીખ જાહેર કરાશે

શહેરમાં ટ્રાફીકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં અન્ડરબ્રિજ અને ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. શહેરના કાલાવડ રોડ અને 150 ફૂટ રીંગ રોડ પર આવેલા કેકેવી સર્કલ ખાતે હયાત બ્રિજ પર શહેરનો પ્રથમ એલીવેટેડ બ્રિજ બની રહ્યો છે. જેનું લોકાર્પણ એક યા બીજા કારણોસર સતત પાછું ઠેલાઇ રહ્યું છે. અગાઉ એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી કે 20 જુન આસપાસ બ્રિજનું લોકાર્પણ કરી દેવામાં આવશે. પરંતુ વાવાઝોડાના કારણે કામગીરી પર અસર પડી છે. હવે જુલાઇના પ્રથમ સપ્તાહમાં બ્રિજનું લોકાર્પણ થશે. તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

કેકેવી ચોકમાં હયાત ઓવરબ્રિજ પર રૂ.129 કરોડના ખર્ચે એલીવેટેડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. બ્રિજનું નિર્માણકામ પુરૂં કરવાની અવધિ પૂર્ણ થઇ ગયાના ઘણા મહિનાઓ વિતી ગયા છે. વધારાની મુદ્ત આપવામાં આવી હતી. એ પણ વિતી ગઇ છે. 95 થી 97 ટકા જેટલું કામ પૂર્ણ થઇ ગયુ છે. અગાઉ પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી કે 20મી જૂન આસપાસ બ્રિજ વાહનચાલકો માટે ખૂલ્લો મૂકી દેવામાં આવશે.

પરંતુ ગત સપ્તાહે ત્રાટકેલા બિપરજોય વાવાઝોડાની અસરના કારણે બ્રિજની કામગીરી અટકી પડી છે. ડામરમાં ભેજ હોવાના કારણે હાલ મેટલીંગ થતું નથી. રંગરોગાનનું કામ પણ આજથી જ શરૂ કરવામાં આવ્યું છે. ત્રણેક દિવસથી એક સાઇટ લોડ ટેસ્ટીંગ શરૂ કરાયું છે. જે આવતીકાલે પૂર્ણ થયા બાદ બીજી સાઇટ શરૂ કરવામાં આવશે. હવે જુલાઇના પ્રથમ સપ્તાહમાં બ્રિજ ખૂલ્લો મૂકવામાં આવે તેવું લાગી રહ્યું છે. જો કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સમય આપે ત્યારબાદ બ્રિજની લોકાર્પણની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.