Abtak Media Google News

-:: આજે શ્રાવણ પર્વ સમાપન ::-

દેવતાઓમાં ભગવાન શિવની પૂજા અને શ્રાવણ માસનું મહત્વ છે, શ્રવણ નક્ષત્રની પૂર્ણિમા તિથિ જોડે યોગ હોવાથી આ માસને શ્રાવણ કહેવાય છે, આ માસની વિશેષતા એ છે કે તેનો દરેક દિવસ વ્રત કરવા યોગ્ય છે

આજે શ્રાવણ માસની પવિત્ર અમાસ છે, કાલથી ભાદરવા માસનો શુભારંભ થશે

આજે શિવાલયોમાં મહામૃત્યુંજય મંત્ર, શતરૂદ્રનો પાઠ, પંચક્ષર આદિ શિવમંત્રોના જાપ કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે

જેના પરિવારના તમામ સભ્યો પૂજાય તેવો એક માત્ર મહાદેવ પરિવાર છે. ભગવાન શિવની પરિવાર અને પરિવારની વિશિષ્ટતાનો કયાંય જોટો મળે તેમ નથી. આપણે રામ, કૃષ્ણ, બુઘ્ધ, મહાવીર, હનુમાન, સ્વામીનારાયણએ તમામ માત્ર એક એક જ પૂજાય છે. એમના પરિવારનો એક પણ સભ્ય પૂજતો નથી. પરંતુ જેના પરિવારના તમામ સભ્યો પૂજાય એવો એક માત્ર પરિવાર છે અને તે છે કે શિવ પરિવાર

શિવ પરિવારની ખાસ વિશેષતા એ છે કે, શિવ પરિવારના તમામ સભ્યો પોત-પોતાની વિશિષ્ટતાથી સ્વતંત્ર રીતે યા સંયુકત રીતે દેવ તરીકે પૂજનીય રહ્યા છે. શિવની પૂજા આદ્યદેવ તરીકે મહાદેવના રૂપમાં અને શિવા અર્યાત માતા પાર્વતીની પૂજા આદ્યશકિત મહાદેવી રૂપે  આપણે કરીએ છીએ. શિવ પરિવારમાં માતા અન્નપૂર્ણાદેવી સ્વરૂપ, માતા ભવાની સ્વરૂપ, પાર્વતીજીનું સ્થાન અદ્વિતીય છે. આપણે ત્યાં બહેનોમાં જયા પાર્વતીનું વ્રત અત્યંત પ્રસિઘ્ધ છે. આપણી લગ્ન વ્યવસ્થા, પતિ-પત્નિ સંબંધો, પારિવારિક જીવન અને ગૃહસ્થાશ્રમનાં સંદર્ભમાં પાર્વતી પૂજનના તહેવારો આપણે વ્રત તરીકે ઉજવીએ છીએ. પાર્વતીજીનું એક નામ ગૌરી પણ છે. આપણી બહેનો ગૌરીવ્રત પણ ઉજવે છે. આ ગૌરી વ્રત વિવાહ, સુહાગ રક્ષા અને પારિવારિક સુખાકારી માટે કરવામાં આવે છે. શિવમંદિરમાં પાર્વતીજીની મૂર્તિનું સ્થાપન અનિવાર્ય છે. આપણી બહેનો આ જગતજનની માતા પાર્વતીજી પાસે જ અધિકારથી માંગી શકે છે.

શિવજીના પુત્ર કાર્તિક સ્વામી ઘડાનન સુરસેની તરીકે ઓળખાય છે. તેઓ દેશસેનાની રક્ષા માટે દેવસેનાના અધિપતી છે. તેઓની વંદના દેવગણ અને સુર ગણ કરે છે. કાર્તિક સ્વાગીની પૂજા ખાસ કરીને દ.ભારતમાં વિશિષ્ટ રીતે કરાય છે શ્રી કાર્તિક સ્વામી સાથે મલ્લિકાર્જૂન જયોતિલિંગની કથા જોડાયેલી છે.

ભગવાન શિવનો મહિમા તો સર્વવિદિત છે એનો મહિમા જેટલો ગાઇએ તેટલો ઓછો છે દરેક ગામ, લત્તો કે વિસ્તારમાં ભગવાન શિવનું મંદિર અવશ્ય હોય જ છે. કલ્યાણકારી મોક્ષના દેવતા, ભયસૂચક સિગ્નલો રાખી, એમની સાથે સંબંધ રાખી મૈત્રીના માઘ્યમ દ્વારા અનિષ્ટોનો નાશ કરનારા દેવધિદેવ મહાદેવનો મહિમા તો સર્વ વ્યાપક અને સચરાચર છે. શંકરાચાર્યજીના મતાનુસાર શિવ માનસ પૂજાથી પણ ઝડપથી પ્રસન્ન થઇ જાય છે. શિવએ આદિ, અનાદિ અને અવિનાશી તત્વ છે. એનું પૂજન આપણે લિંગ સ્વરૂપે જ કરીએ છીએ. સોમનાથથી શરૂ કરીને શેરીના શિવ મંદિરોમાં માત્ર શિવલીંગની જ પૂજા થાય છે. સંહારા દ્વારા કલ્યાણ કરનારા શિવની પૂજા દર સોમવારે અને શ્રાવણ માસમાં વિશેષરૂપે થાય છે. એમની પૂજા સવારે,સાંજે અને રાત્રે પણ થાય છે. ચારેય પ્રહર એમની પૂજા થઇ શકે છે.

શિવ પરિવારના સદસ્યો તો પૂજાય જ છે સાથે સાથે એની પુત્રવધુઓ અર્થાત ગણપતિ દાદાની પત્નીઓ રિઘ્ધિ અને સિઘ્ધિ પણ પૂજાય છે. એટલું જ નહીં શિવ પરિવારના સભ્યોના જુદા જુદા વાહનોની પણ આપણે ત્યાં પૂજા થાય છે. શિવજીનું વાહન નંદી અને માતા પાર્વતીનું વાહન સિંહ છે. એજ રીતે ગણપતિજીનું વાહન ઉંદર અને કાર્તિક સ્વામિનું વાહન મોર છે. આ ચારેયના સ્વભાવમાં કેટલી ભિન્નતા છે. અલગ અલગ પ્રકૃતિના હોવા છતાં શિવ પરિવારમાં એ કેવા સંપીને સાથે રહે છે! નંદી અને સિંહને જે રીતે વેર છે. એ જ રીતે ઉંદર અને મોર પણ એકબીજાના જાની દુશ્મન છે. આમ છતાં સંપીને રહે છે. આમ તેઓ ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળાએ પણ સાથે કઇ રીતે રહેવુંએ શીખવે છે. આધુનિક પરિવારમાં જયારે સંયુકત પરિવાર પ્રથા ટુટી રહી છે. એવા સંજીવોમાં શિવ પરિવાના વાહનરૂપી પ્રાણીઓ આજની યુવાપેઢીને સંપીને સાથે રહેવાનો સંદેશ આપે છે.

શિવ પુત્ર ગણપતિદાદાની પૂજા આરાધના તો કોઇપણ કાર્યના પ્રારંભે આપણે કરીએ છીએ. વિઘ્નહર્તા ગણપતિ મહારાજની સ્તુતિ અને પૂજન અર્ચન બાદ જ તમામ પ્રકારના શુભ કાર્યો કરવાની ભારતીય સંસ્કૃતિ અને ધર્મની વિશિષ્ટ અને પરંપરાગત પણાલી છે. કોઇપણ ધર્મ કે જાતિના ભેદભાવ વગર તમામ વર્ગના લોકો ગણપતિ મહારાજની આરાધના કરે છે. આપણે ગણેશ ચતુર્થીનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવીએ છીએ અને ભવ્યાતિભવ્ય શોભાયાત્રા પણ કાઢીએ છીએ એની પૂજા સૌ કોઇ કરે છે –

ગૌરી તારા પુત્રને સમરે મધુરા મોર

દિવસે સમરે હાટ વાણિયા, રાતે સમરે ચોર….

સ્વયં શિવજીએ પોતાના સ્વમુખે કોઇપણ કાર્યના પ્રારંભે ગણપતિ પૂજન કરવાની વાત કરી છે. પોતાના પુત્રને હિન્દુ સંસ્કૃતિમાં આટલા પ્રતિષ્ઠિત કરવા એ કોઇપણ પિતાએ પોતાના પુત્રની પ્રતિષ્ઠા માટે કરેલા પુરૂષાર્થ કે પ્રયત્નોમાં અસાધારણ અને અદ્વિતીય છે. કથાકારો હળવી વિનોદી શૈલીમાં ટકરો કરતા કહે છે કે શિવજીએ ગણપતિનો શિરચ્છેદ કરેલો તે ભૂલ બદલ પાર્વતીજી અને ગણેશજી પ્રત્યેના પ્રાયરિતનો બદલો આપવા માટે આ પ્રમાણે કર્યુ. અહીં શિવજીએ શીખવે છે કે દરેક પિતાએ પોતાના સંતાનના સર્વાગોણ વિકાસ માટે શું શું કરવું જોઇએ.કોઇપણ દેવી-દેવતાનું મંદિર હોય, ગણપતિદાદા તો અવશ્ય હોય જ યજ્ઞ, હોમ, હવન,પૂજા પાઠ, વ્રત, આરાધના વિમાં ગણપતિદાદાનું સ્થાપન તો સૌ પ્રથમ જ કરવામાં આવે છે. ગણપતિજી સુરક્ષા અને અશુભ તત્વોનો નાશ કરનાર દેવતા છે.

દરેક દેવી-દેવતાના તહેવાર એક બે કે પાંચ સાત કે વધુમાં વધુ નવ દિવસના હોય છે. જયારે દેવધિદેવ મહાદેવ માટે આખો શ્રાવણ માસ ફાળવવામાં આવ્યો છે. આ ઉપરાંત દર અઠવાડીયે સોમવાર અને દર મહિને એક શિવરાત્રી અને મહા મહિનામાં મહાશિવરાત્રી ! આમ અઠવાડિયામાં સોમવાર, મહિનામાં એક શિવરાત્રી અને મહા મહિનામાં મહાશિવરાત્રી અને વર્ષમાં આખો શ્રાવણ માસ એ ભગવાન શિવના વિશેષ પૂજન અર્ચન ના દિવસો અને મહિના છે. ભારતીય ધર્મ અને સંસ્કૃતિમાં ભગવાન શિવ સિવાય અન્ય કોઇ દેવી દેવતાને આટલું મહત્વ અપાયું નથી. અન્ય દેવી કે દેવતા માટે મંદિરમાં પૂજન અર્ચન અને દર્શનનો નિશ્ર્ચિત સમય હોય છે. જયારે શિવજીનું પૂજન અર્ચન સવારે – બપોરે – સાંજે અને રાત્રે પણ થઇ શકે છે. શિવ મંદિરના દ્વાર કયારેય બંધ નથી કરાતા ગમે ત્યારે શિવ મંદિરમાં પ્રવેશી આપણે શિવલીંગનું પૂજન અર્ચન અને દર્શન કરી શકીએ છીએ.

રાજકોટમાં એક એવું ‘શિવાલય’જયાં અનુભવાય છે કૈલાસની સાથે મહાદેવનો અહેસાસ….

પવિત્ર શ્રાવણ માસ આજે પૂર્ણ થાય છે.  શ્રાવણમાં શિવભકિતનું ઘોડાપુર આવે અને શ્રાવણ પૂર્ણ થતાં જ…!! પરંતુ આજે વાત કરવી છે એક એવા શિવાલય ની જે મંદિર નથી પણ મકાન છે. છતાં અહીં અનુભવાય છે. ‘શિવ મંદિર’ જેવી જ પવિત્રતા… શ્રાવણ વર્ષમાં એક મહિનો આવે પણ અહીં અનુભવાય છે બારે માસ શ્રાવણ માસ… જયાં સતત ગુંજતી રહે છે ૐ નમ: શિવાયનો નાદ…..

પરમ શિવ ઉપાસક અને એક બે વાર નહીં, પણ રપ વખત કૈલાસ માનસરોવર યાત્રા કરનાર અને સૌરાષ્ટ્ર-ગુજરાતથી માંડી દેશ-વિદેશના હજારો યાત્રિકોને કૈલાસ માનસરોવર યાત્રા કરાવનાર કણસાગરા મહિલા કોલેજના પ્રોફેસર અને શિવવંદના ચેરી. ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો. યશવંત ગોસ્વામીના ઘર ‘શિવાલય’ ની….

આ ‘શિવાલય’માં પ્રવેશતા જ તમને સુંદર ગાર્ડનની સાથે કૈલાસના દર્શન થાય છે. મહાદેવની સતત વંદના કરતા શ્ર્લોકથી અતિથિનું સ્વાગત થાય છે. તો ઘટના મુખ્ય પ્રવેશદ્વારની બાજુમાં જ ‘શિવાલય’પ્રવેશના સુંદર મજાના કાવ્યથી ‘શિવાલય’ નિર્માણની સંવેદના અનુભવાય છે. મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જ ઘંટ વગાડી અંદર પ્રવેશીએ એટલે ડ્રોઇંગ રૂમમાં જમણીબાજુ સામેની દિવાલ પર ભવ્યાતિભવ્ય કૈલાસ માનસરોવર  સંપૂર્ણ દર્શન થાય છે. ડ્રોઇગ રૂમમાં જયા જયાં નજર પડે ત્યાં ત્યાં શિવની અલગ અલગ મુદ્રામાં મૂર્તિઓના દર્શન થાય, અને ડાબી બાજુ બરાબર મઘ્યમાં ૪ ફુટની ઊંચાઇ ધરાવતી ભગવાન શિવની આશિર્વાદ આપવી પ્રસન્નચિત મૂર્તિના દર્શન થાય છે. આ મૂર્તિ જ શિવાલય નો આત્મા પરમાત્મા-શ્ર્વાસ અને વિશ્ર્વાસ છે. એની બંને બાજુ દિવાલ પર શિવ અને શકિતની આકર્ષક તસ્વીરના દર્શન થાય છે. શિવમૂર્તિની આભા અને સતત ગુંજતો “ૐ નમ: શિવાય અને “મૃત્યુજંયનો જાપ સાથે જ શિવાલયની અનુભૂતિ કરાવી જાય છે. આ શિવમૂર્તિની સામે દરરોજ પ્રદક્ષિણા પણ થાય છે પૂજા પાઠ સાથે….

ડો. ગોસ્વામી જણાવે છે કે આ શિવમૂર્તિ જેવી જ મૂર્તિ બનાવવાના અનેક પ્રયાસો છતાં આવી અન્ય મૂર્તિ બની શકી નથી. ગોસ્વામી પરિવારની ચેતનાશકિતની પ્રતીક છે. આ મૂર્તિ… ‘શિવાલય’ માં તાડુ ન હોય એમ અહીં પણ શિવાલયના દરવાજે કયારેય તાડુ નથી મરાતુ ! અહીં અગ્નિ ખુણામાં ઇશનો વાસ છે. જયાં મહાદેવનું અલગથી મંદિર છે. ગણપતિ અને હનુમાનજીના દર્શન કરી ઘંટડી વગાડી મંદિરમાં પ્રવેશતા જ મંદિરની દિવાલો પર મહાદેવની વિવિધ મુદ્દાઓ સાથે જગતગુરુ શંકરાચાર્યના ચાર શિષ્યો સાથે દર્શન થાય છે. મંદિરની ચારે દિવાલો પર ૐ નમ: શિવાયની ગ્લેઝ છે. ક્રાષ્ટના મંદિરમાં નંદી, કાચબો, ગણેશ, હનુમાનજી, માતાજી, ત્રિશુલ, ડમરૂ, શંખની સાથે માનસરોવરમાંથી પ્રાપ્ત શિવલિંગના દર્શન થાય છે. આ શિવલીંગનો દરરોજ માનસરોવરના જળથી અભિષેક થાય છે. મંદિરની લાયબ્રેરીમાં શિવ સંબંધી અને ધાર્મિક પુસ્તકોનો સંગ્રહ છે. આ શિવાલય ના દરેક રૂમમાંથી મહાદેવના દર્શન થાય છે. કીચનમાં પણ અન્નપૂર્ણા સાથે મહાદેવના દર્શન થાય છે. શિવાલયની દિવાલ પાસે જ બિલીપત્રના બે વૃક્ષ છે. પુત્રનું નામ શિવગ, પૌત્રીનું નામ રૂદ્રા ટ્રસ્ટનું નામ શિવવંદના અને મકાનનું નામ શિવાલય… શિવ પર પ્રકાશિતનું ધાર્મિક પુસ્તકોના નામ છે… શિવ આરાધના.. શિવ અમૃતવાણી… અને મહા મહિમ મહાદેવે……

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.